સૂત્રાપાડા ખાતે ૧૧મા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી કરવામાં આવી
આયુર્વેદ અને હોમિયોપેથિક કેમ્પ મારફતે ગ્રામજનોનું નિદાન કરવામાં આવ્યું
ગીર સોમનાથ તા. ર૪
ગીર સોમનાથ જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા દ્વારા સૂત્રાપાડા ચ્યવન ઋષિ આશ્રમ ખાતે ૧૧મા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ગીર સોમનાથ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રી શારદાબેન બાંભણિયા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભગવાન ધનવન્તરીનું શાસ્ત્રોક્ત પૂજન કરવામાં આવ્યું હતું અને સમગ્ર નાગરિકોની સુખાકારી માટે પ્રાર્થના કરવામાં આવી હતી.
આ કેમ્પ મારફતે વૃદ્ધાવસ્થામાં આરોગ્ય કાળજી, આરોગ્યલક્ષી પ્રશ્નોમાં આયુર્વેદ-હોમિયોપેથી સારવાર અને માર્ગદર્શન, સાયટિકા તેમજ જૂના સાંધાના રોગોમાં તાત્કાલીક લાભકારક અગ્નિકર્મ ચિકિત્સા, આયુર્વેદ અનુસાર જીવનશૈલી અપનાવી અને ખાવા-પીવાની ભોજનલક્ષી સાચી રીત તેમજ યોગાભ્યાસ દ્વારા તંદુરસ્ત રહેવાનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આયુષ નિદાન સારવાર કેમ્પમાં ગેસ, અપચો, શ્વાસ, એલર્જી, જૂની શરદી, શીળસ, ખીલ, સોરાયસીસ, સ્નાયુના દુ:ખાવા સહિતની મુશ્કેલીઓનું નિદાન કરવામાં આવ્યું હતું. આ સાથે જ યોગા અભ્યાસ શિબિર, આયુર્વેદ વિષયક પ્રશ્નોતરી અને ઋતુચર્યા અને દિનચર્યા કેવી હોવી જાેઈએ અને આયુર્વેદના લાભાલાભની પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આયુર્વેદ કેમ્પનો ૧૪૫ કરતા વધુ નાગરિકોએ લાભ લીધો હતો અને ૫૫ કરતા વધુ નાગરિકોએ હોમિયોપેથીક કેમ્પનો લાભ લીધો હતો. જ્યારે ૧૨૦ કરતા વધુ લોકોએ યોગાભ્યાસ કર્યા હતા અને વિવિધ આસનોના લાભાલાભથી પરિચિત થયા હતાં.
જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રી ડો. આર.ડી.ઓઠાએ ઉપસ્થિત સર્વેને રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ અંગે માહિતગાર કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો. પિયુષભાઈ પંપાણીયાએ કર્યું હતુ. આ પ્રસંગે સૂત્રાપાડા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ભગવાનભાઈ બારડ, નગરપાલિકાના પ્રમુખ શ્રી કે.કે. બારડ અને ચ્યવન ઋષિ આશ્રમ મંડળના પ્રમુખ શ્રી જેસિંગભાઈ બારડ, વૈદ્ય વિજયસિંહ ગોહિલ સહિત આયુર્વેદ કર્મચારીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતાં.


