જૂનાગઢમાં જિલ્લા ‘સ્વાગત’ ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો, કલેક્ટર યોગેશ ચૌધરીએ અરજદારોના પ્રશ્નો સાંભળ્યા
દબાણ, જાહેર રસ્તા, વરસાદી પાણીના નિકાલ, રેશનકાર્ડ અને પાણીના કનેક્શન સહિતના પ્રશ્નોની સમીક્ષા; સંબંધિત વિભાગોને ઝડપી અને અસરકારક નિરાકરણ માટે સૂચના
જૂનાગઢ, તા.૨૩
જૂનાગઢ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર યોગેશ ચૌધરીની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાનો ‘સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન વિવિધ પ્રશ્નો અને સમસ્યાઓ અંગે રજૂઆત કરવા આવેલા અરજદારોને રૂબરૂ સાંભળવામાં આવ્યા હતા. સાથે જ રજૂ થયેલી અરજીઓના ઝડપી અને અસરકારક નિરાકરણ માટે સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.
જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં નાગરિકો દ્વારા બિનઅધિકૃત દબાણ દૂર કરવા, જાહેર રસ્તો ખુલ્લો કરાવવા, વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા, રેશનકાર્ડમાં જરૂરી સુધારા અને પાણીના કનેક્શન સહિતના વિવિધ પ્રશ્નો અંગે અરજીઓ રજૂ કરવામાં આવી હતી.
કલેક્ટર યોગેશ ચૌધરીએ અરજદારોની હાજરીમાં જ સંબંધિત વિભાગોના અધિકારીઓ પાસેથી દરેક અરજીની વર્તમાન સ્થિતિ, અત્યાર સુધી કરવામાં આવેલી કાર્યવાહી અને પ્રશ્નના નિરાકરણ માટે હાથ ધરવામાં આવનારી કામગીરી અંગે વિગતો મેળવી હતી. જે પ્રશ્નોમાં વધુ કાર્યવાહી જરૂરી હતી તેમાં સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
નાગરિકોની રજૂઆતોના નિરાકરણમાં સંવેદનશીલ અભિગમ જાળવવા પર ભાર મૂકતા કલેક્ટરે અરજદારોને યોગ્ય અને ઝડપી પ્રતિસાદ મળી રહે તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું. વિવિધ વિભાગો સાથે સંકળાયેલા પ્રશ્નોમાં જરૂરી સંકલન કરીને શક્ય તેટલી ઝડપથી કાર્યવાહી પૂર્ણ કરવા પણ અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.
‘સ્વાગત’ કાર્યક્રમના માધ્યમથી નાગરિકોને પોતાની ફરિયાદો અને વહીવટી પ્રશ્નો સીધા તંત્ર સમક્ષ રજૂ કરવાની તક મળે છે. જિલ્લા કક્ષાના આ કાર્યક્રમમાં અરજદારોની હાજરીમાં જ પ્રશ્નોની સ્થિતિની સમીક્ષા કરવામાં આવતાં સંબંધિત વિભાગોને જરૂરી કાર્યવાહી અંગે સૂચનાઓ આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી જયંતસિંહ રાઠૌર, અધિક કલેક્ટર બી.એસ. બારડ, પ્રાંત અધિકારીઓ, મામલતદારો, તાલુકા વિકાસ અધિકારીઓ તેમજ વિવિધ સંલગ્ન વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


