વિશ્વના 100 ઉભરતા શહેરોમાં ભારતનો દબદબો, 55 ભારતીય શહેરોને મળ્યું સ્થાન
ઓક્સફોર્ડ ઇકોનોમિક્સના ગ્લોબલ સિટીઝ ઇન્ડેક્સ 2026માં ભારતના 23 શહેરો ટોપ-50 ઉભરતા શહેરોમાં; આર્થિક વિકાસની મોટી સંભાવના વચ્ચે જીવનની ગુણવત્તા, પર્યાવરણ અને આવકની અસમાનતા હજુ પડકાર
(એજન્સી) નવી દિલ્હી તા.૨૩:
ભારતના ઝડપથી વધી રહેલા શહેરી અર્થતંત્રની ક્ષમતાને લઈને મહત્વના આંકડા સામે આવ્યા છે. ઓક્સફોર્ડ ઇકોનોમિક્સના ‘ગ્લોબલ સિટીઝ ઇન્ડેક્સ 2026’ રિપોર્ટ અનુસાર વિશ્વના ટોચના 100 ઉભરતા શહેરોમાં ભારતના 55 શહેરોનો સમાવેશ થયો છે. આ યાદીમાં ભારતની મોટી હાજરી દેશના અનેક શહેરોમાં આગામી વર્ષોમાં ઝડપી આર્થિક અને ઉત્પાદકતા વૃદ્ધિની સંભાવના દર્શાવે છે.
રિપોર્ટ મુજબ ટોચના 100 ઉભરતા શહેરોમાં ભારતના 55 શહેરો સ્થાન ધરાવે છે, જ્યારે તેમાંથી 23 ભારતીય શહેરો ટોપ-50માં સામેલ છે. ‘Emerging Standouts’ શ્રેણીમાં એવા વિકાસશીલ શહેરોને સ્થાન આપવામાં આવે છે, જ્યાં ઉત્પાદકતા અને માથાદીઠ આવકમાં તેમની રાષ્ટ્રીય સરેરાશની સરખામણીએ ઝડપી વૃદ્ધિની સંભાવના જોવા મળે છે.
આ રિપોર્ટમાં ભારતની રાજધાની દિલ્હીની લાંબા ગાળાની આર્થિક ક્ષમતાને લઈને પણ મહત્વનું અનુમાન રજૂ કરવામાં આવ્યું છે. વર્ષ 2050 સુધીમાં દિલ્હીનું શહેરી અર્થતંત્ર 2 ટ્રિલિયન ડોલરથી વધુનું બની શકે છે અને તે વિશ્વના સૌથી મોટા શહેરી અર્થતંત્રોમાં 14મા ક્રમે પહોંચી શકે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે. આ અંદાજ ભારતના મોટા શહેરોની વૈશ્વિક અર્થતંત્રમાં વધી રહેલી ભૂમિકા તરફ સંકેત કરે છે.
ભારતીય શહેરો માટે આર્થિક વૃદ્ધિના મોરચે ચિત્ર આશાસ્પદ હોવા છતાં રિપોર્ટમાં કેટલાક મોટા પડકારો પણ સામે આવ્યા છે. જીવનની ગુણવત્તા, પર્યાવરણ, શહેરી માળખાગત સુવિધાઓ અને આવકની અસમાનતા જેવા પરિબળોમાં ભારતીય શહેરોની સ્થિતિ હજુ નબળી હોવાનું જણાવાયું છે. આ કારણોસર સમગ્ર ગ્લોબલ સિટીઝ ઇન્ડેક્સના ટોચના 250 શહેરોમાં એકપણ ભારતીય શહેર સ્થાન મેળવી શક્યું નથી.
રાજ્યવાર સ્થિતિ પર નજર કરીએ તો તમિલનાડુના અનેક શહેરોએ ઉભરતા શહેરી કેન્દ્રોની યાદીમાં હાજરી નોંધાવી છે. ચેન્નઈ, કોઈમ્બતુર, મદુરાઈ, સાલેમ, તિરુચિરાપલ્લી, તિરુપુર અને વેલ્લોર સહિતના શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો હોવાનું રિપોર્ટમાં જણાવાયું છે.
કર્ણાટકમાંથી બેંગલુરુ ઉપરાંત બેલાગવી, હુબલી-ધારવાડ, કલબુરાગી, મેંગલુરુ અને મૈસુર જેવા શહેરોનો સમાવેશ થાય છે. મધ્યપ્રદેશમાંથી ભોપાલ, ગ્વાલિયર અને જબલપુર, જ્યારે રાજસ્થાનમાંથી જયપુર અને ઉદયપુરનો સમાવેશ થયો હોવાનું જણાવાયું છે. મહારાષ્ટ્ર અને ગુજરાતના પણ પાંચ-પાંચ શહેરોએ આ શ્રેણીમાં સ્થાન મેળવ્યું હોવાનું રિપોર્ટમાં નોંધાયું છે.
આ આંકડાઓનું મહત્વ એ છે કે ભારતની શહેરી વૃદ્ધિ માત્ર દિલ્હી, મુંબઈ, બેંગલુરુ કે ચેન્નઈ જેવા મોટા મહાનગરો સુધી મર્યાદિત નથી રહી. બીજા અને ત્રીજા સ્તરના શહેરોમાં પણ આર્થિક પ્રવૃત્તિ, રોજગાર, ઉદ્યોગ અને ઉત્પાદકતા વધવાની સંભાવનાઓ ઊભી થઈ રહી છે.
જોકે ઝડપી આર્થિક વૃદ્ધિ સાથે શહેરોને વધુ રહેવા યોગ્ય બનાવવાનો પડકાર પણ એટલો જ મહત્વનો બની રહ્યો છે. પરિવહન, પ્રદૂષણ, પર્યાવરણ, રહેઠાણ, જાહેર સેવાઓ અને આવકની અસમાનતા જેવા ક્ષેત્રોમાં સુધારો નહીં થાય તો આર્થિક ક્ષમતા હોવા છતાં વૈશ્વિક સ્તરે ભારતીય શહેરોની એકંદર રેન્કિંગ સુધારવી મુશ્કેલ બની શકે છે.
ઓક્સફોર્ડ ઇકોનોમિક્સના આ રિપોર્ટમાંથી એક તરફ ભારતીય શહેરોની ભવિષ્યની આર્થિક ક્ષમતાનું મજબૂત ચિત્ર સામે આવે છે, તો બીજી તરફ શહેરી જીવનની ગુણવત્તા અને માળખાગત વિકાસમાં હજુ મોટું અંતર પૂરવાનું બાકી હોવાનું પણ સ્પષ્ટ થાય છે.


