ચણાકા શાળાના શિક્ષિકા મીરા વૈષ્ણવને રાજ્ય કક્ષાનો ‘શ્રેષ્ઠ ગણિત શિક્ષક એવોર્ડ’, નવતર શિક્ષણ પદ્ધતિને મળ્યું સન્માન

ગણિતને સરળ અને રસપ્રદ બનાવવા AI, પ્રેક્ટિકલ મેથ્સ અને પ્રવૃત્તિલક્ષી શિક્ષણનો કર્યો ઉપયોગ; ભાવનગરના સોનગઢમાં યોજાયેલા 20મા રાજ્ય કક્ષાના ગણિત મહોત્સવમાં એનાયત થયો એવોર્ડ

ચણાકા શાળાના શિક્ષિકા મીરા વૈષ્ણવને રાજ્ય કક્ષાનો ‘શ્રેષ્ઠ ગણિત શિક્ષક એવોર્ડ’, નવતર શિક્ષણ પદ્ધતિને મળ્યું સન્માન

જૂનાગઢ તા.૨૩
ગણિત જેવા વિષયને વિદ્યાર્થીઓ માટે સરળ, રસપ્રદ અને પ્રવૃત્તિલક્ષી બનાવવાના નવતર પ્રયાસોને રાજ્ય કક્ષાએ સન્માન મળ્યું છે. શ્રી સ્વામી વિવેકાનંદ વિનય મંદિર–ચણાકાના શિક્ષિકા મીરા વૈષ્ણવને શૈક્ષણિક ક્ષેત્રે કરેલા વિવિધ પ્રયોગો, ગણિત શિક્ષણમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AIનો ઉપયોગ, પ્રેક્ટિકલ ગણિત અને વિદ્યાર્થીઓમાં ગણિત પ્રત્યે આત્મવિશ્વાસ કેળવવા માટે રાજ્ય કક્ષાના ‘શ્રેષ્ઠ ગણિત શિક્ષક એવોર્ડ’થી સન્માનિત કરવામાં આવ્યા છે.
ઓલ ઈન્ડિયા રામાનુજન મેથ્સ ક્લબ–ગુજરાત એકમ દ્વારા ભાવનગર જિલ્લાના સોનગઢ ખાતે તા. ૧૯ અને ૨૦ સપ્ટેમ્બર, ૨૦૨૬ દરમિયાન 20મા ગુજરાત રાજ્ય કક્ષાના ગણિત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવ દરમિયાન શિક્ષણ ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી બદલ મીરા વૈષ્ણવને આ સન્માન એનાયત કરવામાં આવ્યું હતું.
મીરા વૈષ્ણવ દ્વારા વિદ્યાર્થીઓમાં જોવા મળતી ગણિત વિષયક ક્ષતિઓને ઓળખીને તેને દૂર કરવા માટે વિવિધ નવતર પ્રયોગો અને ક્રિયાત્મક સંશોધન હાથ ધરવામાં આવ્યા છે. ખાસ કરીને ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓની ગણિતની પાયાની સમજ વધુ મજબૂત બને તે હેતુથી તેમણે સ્વનિર્મિત ‘BMCC’ ગણિત બુક તૈયાર કરી છે. આ પુસ્તક સાથે વ્યક્તિગત માર્ગદર્શન અને અનુભવજન્ય શિક્ષણ પદ્ધતિ દ્વારા વિદ્યાર્થીઓમાં ગણિત પ્રત્યે રહેલો ભય દૂર કરી આત્મવિશ્વાસ વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
રાજ્ય કક્ષાના ગણિત મહોત્સવમાં શ્રી સ્વામી વિવેકાનંદ વિનય મંદિર–ચણાકાની વિદ્યાર્થીનીએ ગણિત મોડેલ સ્પર્ધામાં પણ ભાગ લીધો હતો. જ્યારે મીરા વૈષ્ણવે ‘ગણિત શિક્ષણમાં AIનો ઉપયોગ’ વિષય પર શિક્ષક ઇનોવેશન પ્રેઝન્ટેશન રજૂ કરી ટેક્નોલોજીના ઉપયોગથી ગણિતના શિક્ષણને વધુ અસરકારક બનાવવાના પોતાના પ્રયાસો રજૂ કર્યા હતા.
વિદ્યાર્થીઓ માત્ર પાઠ્યપુસ્તક પૂરતા મર્યાદિત ન રહે અને વિજ્ઞાન-ગણિતને પ્રયોગો તથા વાસ્તવિક અનુભવો સાથે સમજી શકે તે માટે STEM આધારિત પ્રવૃત્તિઓને પણ પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત વૈજ્ઞાનિક સંસ્થાઓની મુલાકાત, ચિલ્ડ્રન ઇનોવેશન ફેર, રાજ્ય કક્ષાના ગણિત-વિજ્ઞાન પ્રદર્શન અને NCSC જેવી વિવિધ પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીઓને જોડીને તેમની સર્જનાત્મકતા, સંશોધનવૃત્તિ અને નવીન વિચારશક્તિ વિકસાવવાના પ્રયાસો કરવામાં આવ્યા છે.
આ સન્માન મળ્યા બાદ મીરા વૈષ્ણવે પોતાની સિદ્ધિને વિદ્યાર્થીઓ, સહકર્મીઓ, શાળા પરિવાર અને શુભેચ્છકોના સહયોગનું પરિણામ ગણાવ્યું હતું અને તમામનો આભાર વ્યક્ત કર્યો હતો. રાજ્ય કક્ષાએ મળેલું આ સન્માન શાળા પરિવારની સાથે જૂનાગઢ જિલ્લાના શૈક્ષણિક ક્ષેત્ર માટે પણ ગૌરવરૂપ બન્યું છે.
ગણિત મહોત્સવ દરમિયાન જાણીતા વૈજ્ઞાનિક ડૉ. જે. જે. રાવલ, ISROના વૈજ્ઞાનિક ડૉ. પરેશ સરવૈયા, NASAના યુવા વૈજ્ઞાનિક ડૉ. એકતા શાહ, ઓલ ઈન્ડિયા રામાનુજન મેથ્સ ક્લબના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. ચંદ્રમૌલિ જોશી, કલ્પેશ અખાણી અને દર્શનભાઈ મહેતા સહિતના હોદ્દેદારો, આયોજકો તેમજ શિક્ષણજગતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.