દાઓસમાં વૈશ્વિક અર્થતંત્રની ચર્ચાને બદલે ગાઝા-ગ્રીનલેન્ડ મુદ્દે ધમાલ મચી ગઈ
દાઓસ તા.૨૧
અમેરિકા દ્વારા જે રીતે ગ્રીનલેન્ડ અને ગાઝા પીસ બોર્ડ અંગે સતત ધમકીઓ અપાઈ રહી છે તે સામે ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોન એ ફરી એક વખત દાવોસમાં વર્લ્ડ ઈકોનોમીક ફોરમને સંબોધન કરતા અમેરિકાને ચેતવણી આપી દીધી હતી. અમેરીકાનું નામ લીધા વગર મેક્રોને જણાવ્યું કે કોઈપણ દેશની જમીન, આઝાદી કે સાર્વભૌમત્વ પર દબાણ લાવવા ટેકસ અને આર્થિક પ્રતિબંધોનો હથિયાર તરીકે ઉપયોગ કરવો તે સ્વીકાર્ય નથી.
તેઓએ સ્પષ્ટ કર્યુ કે ફ્રાન્સ ધમકી અને ગુંડાગીરી સામે ઝુકશે નહી, સન્માનથી વાત કરશે અને આંતરરાષ્ટ્રીય કાનુનનું પણ સન્માન થવું જોઈએ. અત્રે ઉલ્લેખનીય છે કે ફ્રાન્સ જો ગાઝા પીસ બોર્ડમાં સામેલ ન થાય તો ૨૦૦ ટકા ટેરિફ લાદવાની અમેરિકાએ ધમકી આપી છે.
બીજી તરફ કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની એ પણ ટ્રમ્પને આકરો જવાબ આપતા કહ્યું હતું કે અમેરિકી વર્ચસ્વવાળા વૈશ્વિક અર્થતંત્રનો દૌર હવે ખતમ થઈ ગયો છે. આપણે એક બદલાવ તરફ જઈ રહ્યા છીએ. જૂની વ્યવસ્થા પાછી આવવાની નથી પરંતુ એ રાષ્ટ્રો આર્થિક તાકાતને હથિયાર બનાવી રહ્યા છે.
જેણે એક વખત સંયુક્ત સમૃદ્ધિનું વચન આપ્યું હતું. કાર્નીના આ શબ્દોની દાવોસમાં જબરી પ્રશંસા થઈ રહી છે. તેઓએ ચેતવણી આપી છે કે એક આર્થિક એકીકરણનો ઉપયોગ એક હથિયાર તરીકે કરવામાં આવી રહ્યો છે. ટેરિફને દબાણ બનાવવામાં આવી રહ્યું છે જેથી વૈશ્વિક વ્યવસ્થા નબળી પડી જશે.


