મંત્રી અર્જુન મોઢવાડિયાના અધ્યક્ષ સ્થાને ગાંધીનગરમાં ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટીનો બીજો પદવીદાન સમારોહ યોજાયો: ૯૪ વિદ્યાર્થીઓને પદવી અને પાંચને ગોલ્ડ મેડલ એનાયત
બાયોટેકનોલોજી ક્ષેત્રે સમગ્ર જીવ -માનવજાતના કલ્યાણ માટે ઉપયોગી પેટન્ટ અને સંશોધન આજના સમયની માંગ છે. કોઈપણ પેટન્ટના કેન્દ્રસ્થાને જીવ કલ્યાણ હોય તે જ સાચું શિક્ષણ છે તેમ,આજે ગાંધીનગર ખાતે આયોજિત બાયોટેકનોલોજી યુનિવર્સિટીના બીજા પદવીદાન સમારોહમાં સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાએ વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું.
મંત્રી અર્જુન મોઢવાડિયાના અધ્યક્ષ સ્થાને ગાંધીનગર ખાતે ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી-GBUનો બીજો પદવીદાન સમારોહ યોજાયો હતો. જેમાં મંત્રી સહિત મહાનુભાવોના હસ્તે એમ.એસસી. બાયોટેકનોલોજીના ૯૪ વિદ્યાર્થીઓને પદવી તેમજ પાંચને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા.
મંત્રી અર્જુન મોઢવાડિયાએ ગોલ્ડ મેડલ અને પદવી પ્રાપ્ત વિદ્યાર્થીઓને સફળ કારકિર્દી માટે શુભેચ્છા આપતાં કહ્યું હતું કે,જ્યારે હવે તમે ડિગ્રી મેળવી છે ત્યારે તમારી સમાજ-રાષ્ટ્ર માટે વિશેષ જવાબદારી બને છે.
તેમણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દ્રષ્ટિકોણથી રચાયેલી આ યુનિવર્સિટી બાયોટેકનોલોજીને માત્ર એક સેક્ટર તરીકે નહીં, પરંતુ “રાષ્ટ્રીય ક્ષમતા અને વિક્સિત ભારત @ ૨૦૪૭ ના સપનાની આધારશિલા” તરીકે મજબૂત બનાવી રહી છે. તેમણે ઉમેર્યું કે “દરેક નવી સંસ્થાને અપેક્ષા અને સરખામણી એમ બન્નેનો ભાર હોય છે, પરંતુ GBUએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આ બંને પડકારોને સફળતાપૂર્વક પાર કરી, ગુણવત્તા અને નવીનતાના નવા ધોરણ સ્થાપિત કર્યા છે.”
વિદ્યાર્થીઓને સંબોધતા તેઓએ પ્રેરણાદાયક શબ્દોમાં કહ્યું કે, “બાયોટેકનોલોજી માત્ર પ્રયોગશાળાઓમાં સિમિત ન રહે; તે દરિયાકાંઠા, ખેતરો, ગામડાઓ અને ઉદ્યોગોમાં અસરકારક બદલાવ લાવે તે જરૂરી છે. વૈજ્ઞાનિક જ્ઞાનને સમાજના હિત માટે વાપરવું એ જ વિકસિત ભારત @ ૨૦૪૭ તરફનો સાચો માર્ગ છે.
આ પ્રસંગે મંત્રીએ ભારતની પ્રથમ એવી ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી યુનિવર્સિટીમાં દરિયાકાંઠાની, ઉદ્યોગોની, એગ્રો-ફૂડ સેક્ટર અને ડ્રાયલેન્ડ બાયોટેકનોલોજી એમ ચાર સેટેલાઈટ સેન્ટર વિકસાવવા માટે સૂચન કર્યું હતું.
GBUના અધ્યક્ષ અને સન ફાર્માસ્યુટિકલ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના સ્થાપક દિલીપ સંઘવીએ જણાવ્યું કે GBU “સંશોધન આધારિત માળખું, ઉદ્યોગ પ્રાસંગિકતા અને મૂલ્યોની અડગતા પર આધારિત એક સાહસિક અને દ્રષ્ટિવંત શૈક્ષણિક પ્રયોગ” છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, સ્થાપના પછીના માત્ર ત્રણ વર્ષમાં યુનિવર્સિટીએ લગભગ ૭૦ બાહ્ય સંશોધન ગ્રાન્ટ મેળવી મજબૂત અને ઊર્જાસભર સંશોધન સંસ્કૃતિ ઊભી કરી છે—જે GBUની વધતી વૈજ્ઞાનિક પ્રતિષ્ઠાનું સ્પષ્ટ પ્રતિબિંબ છે.
વિદ્યાર્થીઓને સંબોધિત કરતાં તેમણે કહ્યું કે,“પરિણામ મોડું મળે તો ચાલે, પરંતુ પ્રયત્ન ક્યારેય છોડશો નહીં. વૈશ્વિક દૃષ્ટિકોણ રાખો, પરંતુ આપણા દેશમાં જરૂરી એવા સ્થાનિક ઉકેલો સર્જો અને સૌથી અગત્યનું—કોઈપણ સ્થિતિમાં તમારા મૂલ્યો, તમારી ઈમાનદારી અને વૈજ્ઞાનિક નિષ્ઠા ક્યારેય ન છોડશો.” સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના સચિવ પી. ભારતીએ રાજ્યની વિજ્ઞાન અને ટેકનોલોજી દ્રષ્ટિ સાથે જીબિયુની મજબૂત સુસંગતતા પર પ્રકાશ પાડ્યો. તેમણે જણાવ્યું કે GBU એ સમગ્ર ભારતમાં એક જ કેમ્પસ પરથી સૌથી વધુ GAT-B ક્વોલિફાયરને એડમીશન આપવાનો રેકોર્ડ બનાવ્યો છે. વિદ્યાર્થીઓની રાષ્ટ્રીય વિવિધતા અને વૈશ્વિક અનુભવ ધરાવતા ફેકલ્ટીની હાજરી યુનિવર્સિટીને વિશેષ મજબૂતી આપે છે. તેમણે જણાવ્યું કે, “માતૃભૂમિના સ્વાસ્થ્યને સુરક્ષિત કરે તેવા વિજ્ઞાનને જ સાચી પૂજા કહી શકાય.”
યુનિવર્સિટીના મહાનિર્દેશક ડૉ. સુબીર મજુમદારે સ્વાગત કરતાં જણાવ્યું કે, અત્યંત ઓછા સમયમાં યુનિવર્સિટી દેશના અગ્રણી બાયોટેકનોલોજી શિક્ષણ અને સંશોધન કેન્દ્ર તરીકે ઝડપથી ઉભરી આવી છે. તેમણે જણાવ્યું કે યુનિવર્સિટીએ ટૂંકા ગાળામાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિના વૈજ્ઞાનિકોનું મજબૂત ફેકલ્ટી નેટવર્ક ઉભું કર્યું છે અને ૭૦થી વધુ સ્પર્ધાત્મક સંશોધન પ્રોજેક્ટ મેળવી લગભગ રૂ.૪૦ કરોડનું અનુદાન મેળવ્યું છે અને યુનિવર્સિટી ઓફ એડિનબર્ગ સહિત વિશ્વપ્રસિદ્ધ સંસ્થાઓ સાથે અસરકારક સહકાર બનાવ્યો છે. ડૉ. મજુમદારે ખાસ નોંધ્યું કે ગુજરાત સરકારના સહયોગથી ઉભું કરવામાં આવેલું યુનિવર્સિટીનું સંશોધન આધારિત મોડેલ દેશને અતિ કુશળ અને ભવિષ્ય માટે તૈયાર બાયોટેકનોલોજી વ્યાવસાયિકો પ્રદાન કરી રહ્યું છે. એમએસસી અને પીએચડી વિદ્યાર્થીઓની નોંધપાત્ર સિદ્ધિઓ જેવી કે રાષ્ટ્રીય ફેલોશિપ, પ્રતિષ્ઠિત પુરસ્કારો અને સરાહનીય પ્લેસમેન્ટની પ્રશંસા કરતાં તેમણે જણાવ્યું કે આ યુનિવર્સિટી દેશના સર્વાધિક GAT-B ક્વોલિફાઇડ વિદ્યાર્થીઓનો સમાવેશ કરતું એકમાત્ર કેન્દ્ર છે. તેમણે વિકસિત ભારત @ 2047ના વિઝન પ્રમાણે સંશોધન નવપ્રવર્તન, ટ્રાન્સલેશનલ રિસર્ચ અને ઉદ્યોગ-શૈક્ષણિક સહકારને વધુ મજબૂત બનાવવાની GBUની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી જેથી ગુજરાત વૈશ્વિક બાયોટેકનોલોજી ક્ષેત્રમાં અગ્રણી યોગદાન આપી શકે.
ઉદ્યોગ જગતના પ્રતિનિધિ સુધીર વૈદે જણાવ્યું કે બાયોટેકનોલોજી ખાદ્ય સુરક્ષા, સામગ્રી, ઊર્જા અને આરોગ્યસંભાળ જેવા ક્ષેત્રોમાં પરિવર્તન લાવી રહી છે. વિદ્યાર્થીઓને સંબોધતા તેમણે કહ્યું: “તમે અહીં પ્રશ્નો લઈને આવ્યા હતા; આજે તમે વધુ સારા પ્રશ્નો પૂછવાની ક્ષમતા લઈને જઈ રહ્યા છો.” તેમણે ઉમેર્યું કે મૂલ્યો વિજ્ઞાનનાં સાધનોથી વધુ અસરકારક હોય છે અને GBU “ભારતના આગામી બાયોટેક વિકાસ માટેનું પ્રસ્થાનબિંદુ” બની રહ્યું છે.
GBUના રજિસ્ટ્રાર ડૉ.લિલાણીએ જણાવ્યું હતું કે, યુનિવર્સિટી દ્વિતીય બેચના વિદ્યાર્થીઓ અનુક્રમે વામન નચિકેત સોમનાથને એનિમલ બાયોટેકનોલોજી, શેખ મહંમદ અતિક મહંમદ સિદ્દિકને એન્વાયરમેન્ટલ બાયોટેકનોલોજી, રાદિકર મધુરા દામોદરને ઇન્ડસ્ટ્રીયલ બાયોટેકનોલોજી, અનિકેતને મેડિકલ બાયોટેકનોલોજી અને જયશ્રી પવારને પ્લાન્ટ બાયોટેકનોલોજીમાં સર્વોચ્ચ ગુણ મેળવવા બદલ યુનિવર્સિટી તરફથી ગોડલ મેડલ આપવામાં આવ્યા હતા. યુનિવર્સિટીના દ્વિતીય બેચના મેડિકલ બાયોટેકનોલોજીના ૨૦ વિદ્યાર્થીઓ, ઇન્ડસ્ટ્રીયલ બાયોટેકનોલોજીના ૨૦ વિદ્યાર્થીઓ, પ્લાન્ટ બાયોટેકનોલોજીના ૧૬ વિદ્યાર્થીઓ, એનિમલ બાયોટેકનોલોજીના ૧૯ વિદ્યાર્થીઓ અને એન્વાયરમેન્ટલ બાયોટેકનોલોજીના ૧૯ વિદ્યાર્થીઓને માસ્ટર ઓફ સાયન્સ ઇન બાયોટેકનોલોજીની ડીગ્રી આપવામાં આવી હતી.
એકેડેમિકના ડીન પ્રો.રાકેશ રાવલના નેતૃત્વ હેઠળ દિક્ષાંત શોભાયાત્રાનો ભવ્ય આરંભ કરવામાં આવ્યો હતો. આ સમારંભમાં સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના ઉચ્ચ અધિકારીઓ, ઉદ્યોગ જગત, શૈક્ષણિક ક્ષેત્રના અગ્રણીઓ તેમજ વિદ્યાર્થી-વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.


