રાજકીય ફંડીંગ મામલે ગુજરાતભરમાં ઈન્કમટેકસના દરોડા
(બ્યુરો) રાજકોટ તા.૧૨
બિહારમાં વિધાનસભા ચૂંટણીનું મતદાન પૂર્ણ થવાની સાથે ચૂંટણી માહોલ ખતમ થતાની સાથે જ આવકવેરા ત્રાટકયુ
હોય તેમ આજે રાજકીય ફંડીંગ પર ગુજરાત વ્યાપી દરોડા ઓપરેશન હાથ ધર્યુ છે.
૨૪ થી વધુ સ્થળોએ તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
રાજકીય દાનના નામે કાળા-ધોળા કરનારા પર તવાઈ ઉતારાઈ છે. અગાઉ દાન દેનારાઓને ઝપટે લેવાયા હતા. હવે દાન લેનારા ‘પાટીયા પક્ષો‘ને નિશાન બનાવવામાં આવ્યા છે. કરોડો રૂપિયાના નાણાંકીય ખેલનો ખુલાસો થવાની આશંકા છે.
ગુજરાતનાં અમદાવાદ,ગાંધીનગર, ઉપરાંત સૌરાષ્ટ્રનાં પણ જુનાગઢ જેવા શહેરોમાં દરોડા કાર્યવાહી હોવાના નિર્દેશ છે. રાજકીય ક્ષેત્રમાં ખળભળાટ સર્જાયો છે. સ્થાનિક કે રાજય અથવા રાષ્ટ્રીય ચૂંટણીમાં ઝુકાવનારા રાજકીય પક્ષોને નિયત માત્રામાં મત મળ્યા ન હોય કે ખુબ ઓછા મત મળ્યા હોય તેવા પક્ષને અમાન્ય ઠરાવવામાં આવે છે.
ચૂંટણી પંચે તાજેતરમાં આવા પક્ષોનો ઘાણવો કાઢયો હતો અને અમાન્ય જાહેર કર્યા હતા.નાની દુકાન કે ઓફીસમાં ચાલતા આવા પાટીયા પક્ષો દ્વારા રાજકીય દાનના નામે કરચોરીનાં મોટા ખેલ થતા હોવાનું ધ્યાને આવ્યુ હતું.


