રાજયમાં આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં પ્રિ-મોન્સુન એકટીવીટીએ તોફાની સ્વરૂપ ધારણ કર્યું : 60 કિમીની ઝડપે પવન ફુંકાયો : બેના મોત
(બ્યુરો) ગાંધીનગર તા.2
હવામાન વિભાગની આગાહી વચ્ચે સમગ્ર ગુજરાતમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટીએ તોફાની સ્વરૂપ ધારણ કર્યું છે. 1 જૂનની રાત્રે અને 2 જૂનની વહેલી સવારે અમદાવાદ સહિત નવસારી, વલસાડ, બોટાદ, પાટણ, પંચમહાલ અને વડોદરા જિલ્લામાં 50થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા તોફાની પવન, ધૂળની ડમરીઓ અને વીજળીના કડાકા-ભડાકા સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. અસહ્ય ઉકળાટ અને બફારાથી ત્રસ્ત નાગરિકોને ગરમીથી મોટી રાહત મળી છે, પરંતુ વાવાઝોડાને કારણે કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાતા અનેક શહેરો અને ગ્રામ્ય પંથકોમાં અંધારપટ છવાયો હતો. દક્ષિણ ગુજરાતમાં આ કમોસમી વરસાદના કારણે આંબાના પાક (કેરી) પર ર્નિભર ખેડૂતોને મોટા નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.
દાહોદમાં ગત સાંજે વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો હતો. ગરબાડા ચોકડી નજીક સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત લગાવવામાં આવેલું મહાકાય સાઈન બોર્ડ તેજ પવનમાં ધરાશાયી થયું હતું. આ દુર્ઘટનામાં ઉસારવણ ગામના ડુંગર ફળિયાના 60 વર્ષીય શક્કરિયા નિનામાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે અન્ય બે વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. બે દિવસ પહેલાં નર્મદામાં મકાન ધરાશાયી થતા 11 વર્ષની બાળકીનું મોત થયું હતું, આમ છેલ્લા ત્રણ દિવસમાં વરસાદ-વાવાઝોડાના કારણે બે લોકોના જીવ ગયાં છે.


