શું દાનચોરી જૂનાગઢમાં પણ થઈ છે ? ઉઠતો સવાલ, વહીવટી શાસનમાં ભવનાથ મંદિરની આવકમાં દશ ગણો વધારો નોંધાયો
છેલ્લા એક વર્ષથી વહીવટી શાસન અમલી બનેલ છે, શિવરાત્રીનો મેળો મીનીકુંભ સમો ભવ્ય રીતે યોજાયો છતાં આવક ઘટવાને બદલે વધી
જૂનાગઢ તા.7
જૂનાગઢ શહેરની તદન નજીક ગિરનારની ગોદમાં તળેટી વિસ્તારમાં આવેલા સુપ્રસિધ્ધ ભવનાથ મહાદેવ મંદિરનાં સાનિધ્યમાં યોજાતો શિવરાત્રીનો મહામેળો તા.12 થી 15 ફેબ્રુઆરી દરમ્યાન ભારે ધામધુમથી અને મીનીકુંભ મેળા સમાન ભવ્ય અને દિવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો અને સાત લાખ ઉપરાંત ભાવિકોએ શિવરાત્રી મેળાને માણ્યો હતો. દરમ્યાન તાજેતરમાં ભવનાથ મંદિરની દાન પેટી ખોલવામાં આવી હતી ત્યારે રૂા.12 લાખની રકમ નીકળી હતી અને ભવનાથ મહાદેવ મંદિર ખાતે ભાવિકોની સુવિધા તેમજ યાત્રાળુઓને કોઈ જાતની અગવડતા ન પડે તે માટેનાં શ્રેણીબધ્ધ પગલાઓ સતત લેવામાં આવી રહયા છે. અત્રે નોંધનીય છે કે, લાખો શ્રધ્ધાળુઓની આસ્થાના કેન્દ્ર સમા ભવનાથ મહાદેવ મંદિર વર્ષોથી અલગ-અલગ મહંત દ્વારા ચાલતું હતું. દરમ્યાન ભવનાથ મંદિરના પુર્વ મહંત હરીગીરી સામે ગંભીર પ્રકારના આક્ષેપો થયા હતા. તેમજ હરીગીરીએ ભ્રષ્ટાચાર અને ગેરરીતી આચરી નાણાંનો છુટા હાથે વેરી ભવનાથ મંદિરના મહંત પદ કબ્જ કર્યુ હોવાનાં પુરાવા સહીતના આક્ષેપો છેક ઉચ્ચ કક્ષાએ થયા હતા.મહંત હરીગીરીની મુદત પુર્ણ થાય તે પહેલા એટલે કે એક દિવસ પહેલાજ તેને સસ્પેન્ડ કરી નાખતો હુકમ કરવામં આવ્યો હતો. અને એક વર્ષ પહેલા ભવનાથ મહાદેવ મંદિરનાં વહીવટ માટે વહીવટદાર શાસન કાર્યરત થયું હતું. તત્કાલીન પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહીલ દ્વારા ભવનાથ મહાદેવ મંદિરનાં વહીવટદાર તરીકે શાસન સંભાળી ખુબજ સારા પગલા લીધા હતા. ઉપરાંત શિવરાત્રીનો મેળો પણ તેમનાજ શાસન કાળમાં ઉત્સાહભેર યોજાયો હતો. ભવનાથ મહાદેવ મંદિરના મહંત પદની નિમણૂંક માટે તત્કાલીન કલેકટર અનીલકુમાર રાણાવસીયાએ નિયમો મુજબ પ્રક્રીયા હાથ ધરી હતી અને મહંત પદ માટે 18 દાવેદારોએ અરજી આપી હતી. આજ અરસામાં ગિરનાર ઉપર બિરાજતા અંબાજી માતાજી મંદિરનાં ભંડાર રૂમમાં દારૂની મિજબાની અને દાન પેટીમાંથી ચોરીનો મામલો બહાર આવતા ભારે હોબાળો મચી ગયો હતો. દરમ્યાન તત્કાલીન કલેકટર અનીલકુમાર રાણાવસીયા દ્વારા ભવનાથ મહાદેવ મંદિરનાં મહંત પદ માટેની પ્રક્રિયા જે ચાલી રહી હતી 18 દાવેદારોએ જે અરજી કરી હતી તે તમામ પ્રક્રિયા રદ કરી નાખી હતી અને ભવનાથ મહાદેવ મંદિરનો વહીવટ સરકારી શાસન હેઠળ કાર્યરત છે.
આ અરસામાં સંતો દ્વારા ભવનાથ મહાદેવ મંદિરમાં મહંતની નિમણૂંક વહેલી તકે કરવા માટેની અવાર-નવાર માંગણી કરવામાં આવી છે. ઉચ્ચકક્ષાએ રજુઆતો સતત થઈ રહી છે. આ દરમ્યાન જૂનાગઢનાં તત્કાલીન કલેકટર અનીલકુમાર રાણાવાસીયા તેમજ પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહીલની પણ બદલી થઈ છે. જૂનાગઢને નવા કલેકટર મળ્યા છે. જયારે પ્રાંત અધિકારી તરીકે વિસાવદરના એસડીએમ ચિરાગ હિરવાણીયાને ચાર્જ સોંપવામાં આવ્યો છે અને હાલ ભવનાથ મહાદેવ મંદિર તેમજ તેને લગત ધાર્મિક સ્થાનોનો વહીવટ તેમનાં હસ્તક છે.
આજથી એક વર્ષ પહેલા ગત જુન મહિનામાં મંદિરનો તમામ વહીવટ વહીવટી તંત્રને સોંપવામાં આવ્યો હતો. અને બેંક બેલેન્સ રૂા.7.80 લાખ હતું અને એમાંથી રૂા.2.50 લાખનું ચુકવણું બાકી હતું. આવી સ્થિતી વચ્ચે વહીવટી તંત્રએ કામગીરી સંભાળી હતી. એક વર્ષ પુર્ણ થતા દાન પેટી તાજેતરમાં ખોલવામાં આવી હતી ત્યારે રૂા.12 લાખની રકમ નીકળી હતી.
આમ વહીવટી શાસન દરમ્યાન દશ ગણો વધારો મંદિરની આવકમાં થયો છે. આપણા દેશમાં આવેલ ધાર્મિક સ્થાનોમાં થતી કથિત ચોરી, દાન ચોરીનાં બનાવો છાશવારે બહાર આવતા રહયા છે. કરોડો લોકોની આસ્થાના કેન્દ્ર એવા ભગવાન શ્રીરામચંદ્રજીનાં ‘રામ મંદિર’માં પણ દાન ચોરીનાં બહાર આવેલા કૌભાંડને પગલે ભાવિકોની લાગણી દુભાણી છે. ત્યારે સવાલ આજે એ ઉઠે છે કે, આટ આટલી સુરક્ષા અને તકેદારી હોવા છતાં પણ દાન ચોરી થાય છે એ હકીકત છે. જૂનાગઢનાં ભવનાથ ક્ષેત્રમાં આવેલા ભવનાથ મહાદેવ મંદિરનો વહીવટ સરકારી તંત્ર હસ્તક કાર્યરત છે અને તેના એક વર્ષમાં જ આવકમાં દશ ગણો વધારો થયો છે. આ આંકડા જાેતા ભવનાથ મંદિરની આવક કેટલી તેવો સવાલ આજે ચર્ચાઈ રહયો છે.


