જૂનાગઢના ઝાંઝરડા રોડ પર આવેલ મધરહૂડ હોસ્પિટલનું સોનોગ્રાફી મશીન સીલ, રજીસ્ટ્રેશન સસ્પેન્ડ
ગર્ભપાત અને ફોર્મ-એફમાં ગેરરીતિ જણાતા જિલ્લા એડવાઇઝરી કમિટીએ કાર્યવાહી કરી
જૂનાગઢ તા.10
જૂનાગઢના ઝાંઝરડા ચોકડી નજીક આવેલ મધરહુડ ગાયનેક હોસ્પિટલનું સોનોગ્રાફી મશીન નિયમભંગ બદલ સીલ કરી દેવામાં આવેલ છે તેમજ રજીસ્ટ્રેશન સસ્પેન્ડ કરી નાખવાના બનાવને લઈને ચકચાર જાગી ઉઠી છે.
આ બનાવ અંગે મળતી વિગત અનુસાર જૂનાગઢ શહેર વિસ્તારમાં આવેલી મધરહૂડ હોસ્પિટલ એન્ડ કેર ખાતે જિલ્લા એપ્રોપ્રિએટ ઓથોરિટી દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમ્યાન હોસ્પિટલમાં ફોર્મ-એફ અને ગર્ભપાતને લગતા કેસોમાં યોગ્ય અને સંતોષકારક સ્પષ્ટતા જોવા મળી ન હતી. આ બેદરકારી અંગે મળેલી પીએનડીટી જિલ્લા એડવાઇઝરી કમિટીની બેઠકમાં ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. કમિટીના ચેરમેન અને સભ્યો દ્વારા ર્નિણય લેવામાં આવ્યો હતો.
આ હોસ્પિટલનું પીએનડીટી રજીસ્ટ્રેશન એક માસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. તેમજ હોસ્પિટલનું સોનોગ્રાફી મશીન સીલ કરવાનો આદેશ કરાયો હતો. તે અંતર્ગત સબ ડિસ્ટ્રીક્ટ એપ્રોપ્રિએટ ઓથોરિટી દ્વારા સીલિંગની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે. આ સાથે જ, હોસ્પિટલના ગાયનેકોલોજિસ્ટ ડો. ડાયેના સુવાગીયા અન્ય કોઈ હોસ્પિટલમાં સોનોગ્રાફી વપરાશકર્તા તરીકે વિઝીટીંગ સેવાઓ આપી શકશે નહીં. એમ જિલ્લા આરોગ્ય અધિકારી ડો.અલ્પેશ સાલ્વીએ જણાવ્યું છે.


