આગામી ૧૫મી ઓગષ્ટ સુધી દેવભૂમિ દ્વારકા જિલ્લાના માચ્છીમારોને દરિયાકાંઠે કે ક્રિક એરીયામાં અવર-જવર પર પ્રતિબંધ
(પ્રતિનિધિ દ્વારા)
દ્વારકા તા.૩૦
દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુદા-જુદા બંદરોએથી માચ્છીમારી માટે માચ્છીમારો સમુદ્રમાં જતાં હોય છે. વાવાઝોડા, વરસાદ કે હવામાન અંગેની અન્ય આગાહીઓ સબંધે આવા સમુદ્રમાં હેલ માચ્છીમારો સુધી ચેતવણી પહોંચાડવી શકય હોતી નથી. સામાન્ય રીતે જુન માસથી દરીયો તોફાની થઈ જતો હોવાથી માચ્છીમારોને દર વર્ષે જુન-જુલાઈ માસ દરમ્યાન સમુદ્રમાં માચ્છીમારી માટે જવું વિશેષ જોખમી હોય મત્સ્યોદ્યોગ ખાતા તથા પોર્ટ ઓફીસર દ્વારા માચ્છીમારોને આવી મોસમમાં સમુદ્રમાં જવા માટે પરવાનગી આપવામાં આવતી નથી. તેમ છતાં અનધિકૃત રીતે કોઈ માચ્છીમાર સમુમાં ચાલ્યા જાય અને સમુદ્ર તોફાની બને તેવા સંજોગોમાં તેઓને જીવનું જોખમ ઊભુ થાય તેવી સંભાવના હોય છે. આથી આવા માચ્છીમારોને સમુદ્રમાં ગેરકાયદેસર રીતે જતા અટકાવવા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા અંતર્ગત કોઈપણ માચ્છીમારોએ કે અન્ય કોઈ વ્યકિતઓએ આગામી તા.૧૫-૦૮-ર૦ર૬ સુધી માચ્છીમારી કે અનય કોઈ હેતુસર દેવભૂમિ દ્વારકા જિલ્લાના સમગ્ર વિસ્તારના દરિયા કાંઠેથી કે ક્રિક એરીયા (ખાડી વિસ્તાર)માં જવા તેમજ કોઈપણ બોટની અવર-જવર કરવા પર પ્રતિબંધ લગાવ્યો છે. આ ઓદશોનું ઉલ્લંઘન કરનાર વ્યકિત ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની જોગવાઈ અનુસાર સજાને પાત્ર થશે. આ જાહેરનામું પોર્ટ ઉપર આવતા વ્યાપારીક જહાજો, લશ્કરી દળો, અર્ધ લશ્કરી દળો, પોલીસ દળો, ગુજરાત મેરીટાઈમ બોર્ડની બોટ, અજાડ ટાપુ તથા ઓખાથી બેટ દ્વારકા વચ્ચે અવર-જવર માટે સક્ષમ અધિકારી દ્વારા અધિકૃત કરેલ પેસેન્જર બોટ, નોન મોટરાઈઝડ ક્રાફટ (લાકડાની બિનયાંત્રિક એક લકડી હોડી અને શઢવાળી હોડી) તથા પગડીયા માચ્છીમારોને લાગુ પડશે નહિં.


