આઇકોનિક અટલ બ્રિજ: છેલ્લા ત્રણ વર્ષમાં ૭૭.૭૧ લાખથી વધુ મુલાકાતીઓએ મુલાકાત લીધી, રૂા.૨૭ કરોડથી વધુની આવક

એપ્રિલ ૨૦૨૫થી ઓક્ટોબર ૨૦૨૫ દરમિયાન ફક્ત ૭ મહિનામાં જ ૮.૫૦ લાખથી વધુ પ્રવાસીઓએ લીધી અટલ બ્રિજની મુલાકાત

આઇકોનિક અટલ બ્રિજ: છેલ્લા ત્રણ વર્ષમાં ૭૭.૭૧ લાખથી વધુ મુલાકાતીઓએ મુલાકાત લીધી, રૂા.૨૭ કરોડથી વધુની આવક
Assystem in India

અમદાવાદ તા. પ
ભારતના પ્રથમ હેરિટેજ સિટી અમદાવાદમાં સાબરમતી નદી પર નિર્મિત આઈકોનિક અટલબ્રિજ આજે અમદાવાદના નગરવાસીઓ સહિત દેશ-વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. દિવાળી વેકેશન હોય કે ઉનાળાનું વેકેશન, આ અટલ ફૂટ ઓવર બ્રિજ લોકો માટે ફરવાનું ફેવરિટ ડેસ્ટિનેશન બની ગયો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ૨૭ ઓગસ્ટ, ૨૦૨૨ના રોજ અટલબ્રિજને જાહેર જનતા માટે ખુલ્લો મૂક્યો હતો. SRFDCL(સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કૉર્પોરેશન લિ.) દ્વારા આપવામાં આવેલા તાજેતરના આંકડા મુજબ, ૩૧ ઓગસ્ટ, ૨૦૨૨ થી ઓક્ટોબર ૨૦૨૫ સુધીના સમયમાં કુલ ૭૭,૭૧,૨૬૯ લોકોએ અટલ બ્રિજની મુલાકાત લીધી છે. આ દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને રૂા.૨૭.૭૦ કરોડથી વધુની આવક પણ થઇ છે, જે અમદાવાદના ટુરિઝમ ક્ષેત્ર માટે ગૌરવની બાબત છે.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદ ગુજરાતનું સૌથી અદ્યતન શહેર છે, જે આધુનિકીકરણ સાથે જૂના વારસાને પણ સાચવીને બેઠું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ અમદાવાદ શહેરની મુલાકાતે આવતા પ્રવાસીઓને એક અભૂતપૂર્વ અનુભવ પ્રદાન કરવા માટે વિવિધ પ્રવાસન આકર્ષણોનો વિકાસ કરવામાં આવ્યો છે. ગાંધી આશ્રમ, સાબરમતી રિવરફ્રન્ટ, કાંકરિયા લેકફ્રન્ટ, વિશ્વનું સૌથી મોટું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ શહેરની જૂની પોળ સંસ્કૃતિ, અમદાવાદ હેરિટેજ વૉક વગેરે પ્રવાસન આકર્ષણોની મુલાકાત લેવા લાખો પ્રવાસીઓ અમદાવાદ આવે છે. તેમાં પણ અટલ ફૂટઓવર બ્રિજ આધુનિક આર્કિટેક્ચર, ગુજરાતી સંસ્કૃતિ અને નગરસૌંદર્યનું જીવંત પ્રતીક છે.
SRFDCL(સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કૉર્પોરેશન લિમિટેડ) એ અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનની કંપની છે, અને અટલ બ્રિજનું બાંધકામ આ કંપની દ્વારા કરવામાં આવ્યું છે. SRFDCL દ્વારા આપવામાં આવેલા વર્ષવાર આંકડાઓની વિગતવાર વાત કરીએ તો, ૩૧ ઓગસ્ટ ૨૦૨૨ થી માર્ચ ૨૦૨૩ દરમિયાન ૨૧.૬૨ લાખ પ્રવાસીઓએ અટલ બ્રિજની મુલાકાત લીધી હતી, જેનાથી રૂા.૬.૪૪ કરોડ આવક થઇ હતી. એપ્રિલ ૨૦૨૩ થી માર્ચ ૨૦૨૪ દરમિયાન ૨૬.૮૯ લાખ મુલાકાતીઓ થકી રૂા.૮.૨૪ કરોડની તેમજ એપ્રિલ ૨૦૨૪ થી માર્ચ ૨૦૨૫ દરમિયાન ૨૦.૬૭ લાખ મુલાકાતીઓ થકી રૂા.૮.૧૯ કરોડની આવક થઇ હતી. એપ્રિલ ૨૦૨૫ થી ઑક્ટોબર ૨૦૨૫ સુધીમાં ૮.૫૧ લાખ મુલાકાતીઓ અટલ બ્રિજની મુલાકાત લઈ ચૂક્યા છે, જેનાથી અમદાવાદ મ્યુનિસપલ કોર્પોરેશનને રૂા.૪.૮૨ કરોડની આવક થઇ છે.
આ આઈકોનિક અટલ બ્રિજ અંદાજે રૂા.૭૪ કરોડનો ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. અત્યારસુધીમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને અટલ બ્રિજ થકી રૂા.૨૭.૭૦ કરોડની આવક થઇ ચૂકી છે. આમ, અમદાવાદ મ્યુનિસિપલ  કોર્પોરેશનને અટલબ્રિજ પાછળ કરેલા કુલ ખર્ચના ૩૭ ટકાથી વધુ રકમ વસૂલ થઈ ગઈ છે.