ભારતી આશ્રમનાં લઘુ મહંત મહાદેવ ભારતી ઈટવા ઘોડી જંગલ વિસ્તારમાંથી સલામત મળી આવ્યા
જૂનાગઢ તા. પ
જૂનાગઢ - સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં ભારે ચકચાર જગાવનાર ભવનાથ સ્થિત ભારતી આશ્રમનાં લાપત્તા બનેલા લઘુ મહંત મહાદેવ ભારતી બાપુ આખરે ઈટવા ઘોડી નજીકથી મળી આવ્યા છે. આ સાથે જ તેમને સારવાર માટે સિવિલ હોસ્પીટલ ખાતે લઈ જવામાં આવ્યા છે. છેલ્લા પાંચ દિવસથી બાપુ ગુમ થવા અંગે અનેક અટકળો ચાલી રહી હતી. મહાદેવ ભારતી બાપુ મળી જતા તમામ અટકળોનો અંત આવ્યો છે અને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ભવનાથ ખાતે આવેલા ભારતી આશ્રમનાં લઘુ મહંત મહાદેવ ભારતી બાપુ કોઈને કહયા વિના અચાનક આશ્રમમમાંથી નીકળી ગયા હતા અને જતા પહેલા તેઓએ સુસાઈડ નોટ લખી હતી તેમાં કેટલાક નામોનો ઉલ્લેખ કર્યો હતો જેમાં અમુક લોકો દ્વારા તેઓને માનસીક ત્રાસ આપવામાં આવ્યો હોય જેથી તેઓ જંગલમાં પોતાનો દેહ ત્યાગ કરવા જઈ રહયા હોવાનું જણાવ્યું હતું.
આ બનાવની જાણ થતાં ભવનાથ પોલીસ અને તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી ગુમ થયેલા લઘુ મહંતને શોધી કાઢવા આકાશ પાતાળ એક કરવામાં આવ્યા હતા. દરમ્યાન ગઈકાલે મહાદેવ ભારતીએ એક ટ્રસ્ટીને ફોન કર્યો હતો કે હું જટાશંકર છું અને મને લઈ જાવ જેથી ટ્રસ્ટીઓ અને પોલીસ જટાશંકર પહોંચ્યા હતા પરંતુ બાપુ ત્યાંથી પણ નીકળી ગયા હતા. ભારતી આશ્રમનાં લઘુ મહંત મહાદેવ ભારતીનાં ગુમ થવા અંગેની કોઈપણ કડી પ્રાપ્ત થતી ન હતી. દરમ્યાન આજ સવારે પોલીસે દ્વારા તપાસ ઝુંબેશ વધુ સઘન બનાવી મેગા સર્ચ ઓપરેશન જંગલ વિસ્તારમાં હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓપરેશનમાં પોલીસની ૮ ટીમો તૈનાત હતી અને ૩૦૦થી વધુ કર્મચારીઓ જાેડાયા હતા. જૂનાગઢ જીલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાની સૂચના તેમજ ડીવાયએસપી હિતેષ ધાંધલીયાનાં સીધા માર્ગદર્શન હેઠળ ભવનાથ પોલીસ સ્ટેશનનાં પીઆઈ એચ. કે. હુંબલ તેમજ એસઓજી, એલસીબીની ટીમ તેમજ ટેકનીકલ સ્કવોડ, ડોગ સ્કવોડ, ડ્રોન કેમેરા સહિત ઉપકરણોથી સજજ થઈ પોલીસની ટીમોએ આજે જટાશંકર મંદિર, વેલનાથ સમાધી વિસ્તાર, મહાજનનો પરાગ, નખલી કેડી, ઓરિયો કુવાવાળો વિસ્તાર તેમજ જંગલ વિસ્તારને ખુંદી નાખવામાં આવ્યો હતો. દરમ્યાન આ લખાય છે ત્યારે પ્રાપ્ત થતા અહેવાલ અનુસાર લઘુ મહંત મહાદેવ ભારતી બાપુ ઈટવા ઘોડી જંગલ વિસ્તારમાંથી મળી આવ્યા છે અને મહાદેવ ભારતી બાપુને જૂનાગઢની સિવિલ હોસ્પીટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.


