જૂનાગઢ મનપા સંચાલિત ટીંબાવાડી અર્બન સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રસૂતા વિભાગનો શુભારંભ
જૂનાગઢ તા.7
જૂનાગઢના નાગરિકોને સ્થાનિક સ્તરે જ શ્રેષ્ઠ અને સસ્તી તબીબી સુવિધાઓ પૂરી પાડવાના હેતુથી મહાનગરપાલિકા હસ્તક કાર્યરત અર્બન સામુહિક આરોગ્ય કેન્દ્ર, ટીંબાવાડી ખાતે આજ રોજથી પ્રસૂતા વિભાગ (મેટરનિટી સેક્શન) ની સેવાઓ શરૂ કરવામાં આવી છે. આ વિભાગના પ્રારંભની સાથે જ હોસ્પિટલના નામે એક મોટી સફળતા પણ નોંધાઈ છે, જેમાં કેન્દ્ર ખાતે પ્રથમ પ્રસૂતિ ખૂબ જ સુરક્ષિત અને સફળતાપૂર્વક સંપન્ન થઈ છે.
આ નવજાત શિશુનો જન્મ ગઈકાલે બપોરે 02:49 વાગ્યે નોર્મલ પ્રસૂતિની પ્રક્રિયા દ્વારા થયો હતો. જન્મેલા બાળકના વજનની વિગત આપતા ડોક્ટરશ્રીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, બાળકનું વજન 3.3 કિગ્રા છે, અને હાલમાં માતા તેમજ નવજાત બાળક બંને સંપૂર્ણપણે સ્વસ્થ અને તંદુરસ્ત છે. ટીંબાવાડી વિસ્તાર અને આજુબાજુના વિસ્તારના સામાન્ય પરિવારો માટે આ સુવિધા આશીર્વાદરૂપ સાબિત થશે, કારણ કે હવે તેમને ગુણવત્તાસભર ડિલિવરી સેવાઓ માટે ખાનગી હોસ્પિટલોના મોંઘા ખર્ચ ભોગવવા નહીં પડે. અર્બન સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ફરજ પર હાજર મેડિકલ ઓફિસરક ડો. મિરલ, ડૉ. ધર્મેશ, ડૉ. હિરેન, એન.પી.એમ. (NPM) સ્ટાફ તેમજ ફરજ પરના તમામ સ્ટાફ નર્સની સીધી દેખરેખ અને ચોકસાઈપૂર્વકની મહેનત સાથે આ નોર્મલ પ્રસૂતિ સફળતાપૂર્વક કરવામાં આવી હતી. મહાનગરપાલિકાના આ સરાહનીય પ્રયાસ અને તબીબી સ્ટાફની તત્પરતાને કારણે સ્થાનિકોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
આ ઐતિહાસિક શરૂઆતના અવસરે જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર ધર્મેશભાઈ પોંશીયા દ્વારા કેન્દ્રની રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી. તેમણે આ સફળ કામગીરી બદલ સમગ્ર મેડિકલ સ્ટાફને મુક્તકંઠે બિરદાવ્યા હતા અને અભિનંદન પાઠવ્યા હતા. આ સાથે જ તેમણે ભવિષ્યમાં વધુ મહેનત અને સમર્પણ સાથે આરોગ્ય સેવાઓને હજુ વધુ સુદ્રઢ અને લોકાભિમુખ બનાવવા માટે જરૂરી સૂચનો અને માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.આ તકે કોર્પોરેટરર પુંજાભાઈ સિસોદિયા અને એમ.ઓ.એચ. ડો. રવિ ડેડાણિયા ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે પ્રસૂતા માતાશ્રી દિપીકાબેન કિશનભાઈ દરબાર દ્વારા પોતાનો આનંદ અને હોસ્પિટલ પ્રત્યેનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, સરકારી કેન્દ્રમાં ખાનગી હોસ્પિટલ જેવી જ સ્વચ્છતા, આધુનિક સુવિધાઓ અને ઘર જેવી સંભાળ મળી છે. ડિલિવરી દરમ્યાન અહીંના તબીબો અને ર્નસિંગ સ્ટાફે તેમનો ઉત્સાહ વધાર્યો અને પૂરતો સહકાર આપ્યો, જેને કારણે તેઓ કોઈપણ ડર વગર નોર્મલ ડિલિવરીનો અનુભવ કરી શક્યા. તેમણે મહાનગરપાલિકાની આ મફત અને ઉત્કૃષ્ટ આરોગ્ય સેવાની મુક્તકંઠે પ્રશંસા કરી હતી.


