જૂનાગઢ શહેરમાં રખડતા ઢોરની સમસ્યા હલ કરવામાં તંત્ર સદંતર નિષ્ફળ!
માર્ગો ઉપર અડીંગો જમાવીને બેઠેલા ઢોરને કારણે દરરોજ અકસ્માતો સર્જાય છે
જૂનાગઢ તા.21
જૂનાગઢ શહેરમાં માર્ગો ઉપર રખડતા ઢોર અડીંગો જમાવીને બેઠેલા જાેવા મળે છે. જેને કારણે પસાર થતાં રાહદારીઓ, વાહનચાલકોને માટે સંભવિત અકસ્માતનો ખતરો રહેલો છે. ત્યારે મનપાનું તંત્ર આ અંગે ત્વરીત કાર્યવાહી કરે તેવી માંગણી લોકોમાંથી ઉઠવા પામી છે.
જૂનાગઢ શહેરમાં ખરાબ રસ્તાઓની સમસ્યાથી લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહયા છે. ત્યાં જ રસ્તા ઉપર રખડતા પશુઓની સમસ્યા પણ દિવસે દિવસે વધી રહીછે. જે અંગે પગલા ભરવાની ખાસ જરૂરીયાત છે. પરંતુ મનપા તંત્ર આ દિશામાં કોઈ કાર્યવાહી કરતું ન હોવાની લોકોમાંથી વ્યાપક ફરીયાદો ઉઠવા પામી છે.
ચોમાસાનાં દિવસોમાં વરસાદને કારણે જૂનાગઢનાં ખરાબ રસ્તા શહેરીજનો માટે આફતરૂપ બન્યા છે તો આ સાથે જ રખડતા ઢોરની સમસ્યાને લઈને પણ આમ જનતાની મુશ્કેલીમાં વધારો થયો છે.
જૂનાગઢ શહેરનાં મોટાભાગના મુખ્ય માર્ગો, ચોક તેમજ સોસાયટીઓમાં જયાં જુઓ ત્યાં ઠેર-ઠેર ઢોર માલીકો દ્વારા છુટા મુકી દેવાયેલા મુંગા પશુઓ (ઢોર) જયાં ત્યાં ખોરાકની શોધમાં રખડતા જાેવા મળે છે અને એકલ દોકલ પશુ ઉપરાંત પશુઓનાં ટોળા પણ વિવિધ વિસ્તારોમાં પદયાત્રાએ નીકળ્યા હોય તેમ જાેવા મળે છે. તળાવ દરવાજા, બસ સ્ટેન્ડ વિસ્તાર, રેલ્વ સ્ટેશન, કાળવા ચોક, જવાહર રોડ, મોતીબાગ, સરદારબાગ, મધુરમ, ટીંબાવાડી, ઝાંઝરડા રોડ વગેરે સ્થળોએ રખડતા ઢોર રસ્તા ઉપર જાેવા મળે છે. એટલું જ નહીં શહેરનાં હાર્દસમા માર્ગો ઉપર પશુઓ અડીંગો જમાવીને બેઠેલા પણ જાેવા મળે છે. શહેરનાં માર્ગો ઉપર રખડતા ઢોરના જમેલાને કારણે જે તે માર્ગો ઉપરથી પસાર થતાં વાહન ચાલકો, નાના બાળકો, વૃધ્ધો સહીતનાં રાહદારીઓને ખુબજ સાવધાની રાખવી પડે છે. રસ્તા ઉપરથી પસાર થતી વખતે કોઈ પશુ દોડવા લાગે અથવા તો રખડતા ઢોર આપસમાં એકબીજાને શીંગડા ભરાવી અને યુધ્ધ માટે ઉતરી આવે ત્યારે રાહદારી, વાહન ચાલકો માટે આ બાબત ખતરારૂપ બને છે અને જાે સાવધાની ન રાખવામાં આવે તો ગમે ત્યારે નાના -મોટા અકસ્માતનો ભય રહેલો છે.
રખડતા ઢોરની સમસ્યા જૂનાગઢનાં મોટાભાગનાં વિસ્તારોમાં રહેલી છે. આ બાબતે અવારનવાર મનપા તંત્રને સ્થાનિકો દ્વારા રજુઆતો કરવામાં આવતી હોવા છતાં કોઈ અસરકારક પગલા ભરવામાં આવતા નથી. શહેરમાં રખડતા ઢોરની સમસ્યા હલ કરવા માટે મનપામાં સ્પેશ્યલ વિભાગ કાર્યરત હોય છે. આ વિભાગને ઢોર પુરવા માટેની કામગીરી કરવાની હોય છે પરંતુ જૂનાગઢ મનપાનું તંત્ર કોઈ કામગીરી કરતું નથી તેવી વ્યાપક ફરીયાદો રહેલી છે. જૂનાગઢ શહેરમાં રસ્તા ઉપર અડીંગો જમાવીને બેઠેેલા રખડતા ઢોર કોઈ ગંભીર અકસ્માત સર્જે તે પહેલા તાત્કાલીક તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી લોકોમાંથી ઉઠવા પામી છે.


