દ્વારકા જગત મંદિરેની 21 ગૌમાતાએ પરિક્રમા કરી
21 ગૌમાતા વેદના પગયાત્રા દ્વારકા પહોંચી : ગૌરક્ષા અને માનવતા જાગૃતિનો સંદેશ અપાયો
(પ્રતિનિધિ દ્વારા)
દ્વારકા તા.6
‘જય ગૌમાતા, જય દ્વારકાધીશ‘ના નાદ સાથે 21 ગૌમાતા વેદના પગયાત્રા દ્વારકા પહોંચી હતી. આ યાત્રા લાઠીદડથી દ્વારકાધીશ ધામ સુધી ગૌમાતાના રક્ષણ અને સન્માનના સંદેશ સાથે આયોજિત કરાઈ હતી. યુવાનો દ્વારા આયોજિત આ સંકલ્પ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ ગૌમાતાના સંવર્ધન સાથે સમાજમાં માનવસેવા અને યુવા જાગૃતિનો સંદેશ પહોંચાડવાનો છે. યાત્રાનું સૂત્ર ‘એક પગલું ગૌમાતા માટે, એક પગલું માનવતા માટે‘ છે.
યાત્રાળુઓએ દ્વારકાધીશના ચરણોમાં ગૌમાતા પર થતા અત્યાચારનો અંત આવે અને સમગ્ર સમાજમાં ગૌરક્ષા પ્રત્યે જાગૃતિ ફેલાય તેવી પ્રાર્થના કરી હતી. દ્વારકાધીશ મંદિરના વહીવટ અધિકારી હિમાંશુ ચૌહાણે જણાવ્યું હતું કે, આવી સમાજજાગૃતિની યાત્રાઓ માત્ર ધામિર્ક જ નહીં, પરંતુ સામાજિક સંદેશ પણ આપે છે. તેમણે ઉમેર્યું કે, ગૌસેવા અને માનવસેવાના મૂલ્યોને પ્રોત્સાહન આપતી આ પહેલ યુવાનોમાં સકારાત્મક ચેતના જગાવશે અને સમાજને એકતાનો સંદેશ આપશે. આ પગયાત્રામાં મોટી સંખ્યામાં ગૌભક્તો, યુવાનો અને વિવિધ સામાજિક સંસ્થાઓના કાર્યકરો જોડાયા હતા. આયોજકો દ્વારા સમાજના તમામ વર્ગોને આ અભિયાનમાં સહભાગી બની ગૌરક્ષા અને માનવતાના સંકલ્પને વધુ મજબૂત બનાવવા અપીલ કરવામાં આવી છે.


