પીકચર અભી બાકી હૈ...કોમનવેલ્થ બાદ ઓલિમ્પીક યોજવા અમદાવાદ-ગાંધીનગરના રર સ્થળોનો સર્વે

કોમનવેલ્થ ગેમ્સને પગલે અમદાવાદની ઓલિમ્પીક-ર૦૩૬ની દાવેદારી મજબુત

પીકચર અભી બાકી હૈ...કોમનવેલ્થ બાદ ઓલિમ્પીક યોજવા અમદાવાદ-ગાંધીનગરના રર સ્થળોનો સર્વે

(એજન્સી)    નવી દિલ્હી: તા.૨૭
અમદાવાદમાં ૨૦૩૦માં કોમનવેલ્થ ગેમ્સ યોજવાનો ર્નિણય લેવાઈ ગયો છે. અમદાવાદને યજમાનીનો અવસર મળવો તેને એક મોટી સફળતા માનવામાં આવી રહી છે, પરંતુ ગુજરાત અને ભારત સરકાર માટે આ ર્નિણય કોઈ ફિલ્મના ટ્રેલર સમાન છે, કારણ કે મૂળ ઉદ્દેશ કોમનવેલ્થ ગેમ્સનું સફળ આયોજન કરીને ૨૦૩૬ની ઓલિમ્પિક ગેમ્સની યજમાની મેળવવાનો છે.
૧૫ ઓગસ્ટ, ૨૦૨૪ના રોજ લાલ કિલ્લા પરથી સ્વતંત્રતા દિવસના સંબોધન દરમિયાન પણ વડાપ્રધાન મોદીએ ૨૦૩૬માં ઓલિમ્પિકનું આયોજન કરવાની વાત કહી હતી, એટલે ભારત ઓલિમ્પિકના આયોજનને લઈને ખૂબ ગંભીર છે તે વાત પર મહોર લાગી ગઈ. એમાં પણ ઓલિમ્પિકના વેન્યૂ તરીકે અમદાવાદ હોટ ફેવરિટ સ્થળ છે.
અમદાવાદમાં ઓલિમ્પિક લાવવા માટે ભારત સરકાર પુરજોશમાં તૈયારી કરી રહી છે. ગુજરાતમાં ઓલિમ્પિક લાવવા માટે એને લાગતું ઇન્ફ્રાસ્ટ્રકચર પણ ઊભું થઈ રહ્યું છે, જોકે એ પહેલાં ભારત આયોજન માટે સક્ષમ છે કે નહીં એ સાબિત કરવું પડશે. એ તૈયારીના ભાગરૂપે જ અમદાવાદમાં ઇન્ટરનેશનલ કક્ષાની રમતોનું સતત આયોજન થઈ રહ્યું છે, જેમાં હવે સૌની નજર અમદાવાદમાં ૨૦૩૦માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ પર રહેશે.
૧૦ વર્ષમાં ગુજરાતને સ્પોર્ટ્સ કેપિટલ બનાવવાનો પ્લાન તૈયાર થઈ ગયો છે. કોમનવેલ્થ પછી ઓલિમ્પિક યોજવા માટે અમદાવાદ, ગાંધીનગરનાં ૨૨ સ્થળનો સર્વે કરવામાં આવ્યો છે. અને ઐતિહાસિક યજમાનીની તૈયારી થઈ રહી છે.