કચ્છમાં કફ સિરપને લઈને તપાસનાં ચક્રો ગતિમાન કરવામાં આવ્યા, હોલેસેલ દવાના વેપારીઓને ત્યાં તપાસનો ધમધમાટ

આગામી દિવસોમાં આ જ રીતે અન્ય તાલુકાઓમાંથી કફ સિરપનાં સેમ્પલો લઈને તેને પરીક્ષણ માટે મોકલી આપવામાં આવશે

કચ્છમાં કફ સિરપને લઈને તપાસનાં ચક્રો ગતિમાન કરવામાં આવ્યા, હોલેસેલ દવાના વેપારીઓને ત્યાં તપાસનો ધમધમાટ
The Hindu

(સંપૂર્ણ સમાચાર સેવા)
કચ્છ,તા.૧૧
તાજેતરમાં મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં શંકાસ્પદ કફ સિરપને કારણે બાળકોનાં મોત થયાની ઘટનાને પગલે ગુજરાતમાં પણ ડ્રગ્સ વિભાગ દ્વારા વિવિધ જિલ્લાઓમાં કફ સિરપના નમૂનાઓ એકત્રિત કરીને પરીક્ષણ માટે મોકલવાની કામગીરી યુદ્ધનાં ધોરણે શરૂ કરી દેવામાં આવી છે.જેના પગલે કચ્છમાંથી અત્યાર સુધીમાં દવાના હોલેસેલ વેપારીઓને ત્યાંથી ૩૨ જેટલી અલગ અલગ કફ સિરફનાં નમૂનાઓ લેવામાં આવ્યા છે. જેને પરીક્ષણ માટે મોકલી દેવામાં આવ્યા છે. આગામી દિવસોમાં આ જ રીતે અન્ય તાલુકાઓમાંથી કફ સિરપનાં સેમ્પલો લઈને તેને પરીક્ષણ માટે મોકલી આપવામાં આવશે.ડ્રગ્સ વિભાગનાં સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ તાજેતરમાં મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં શંકાસ્પદ કફ સિરપને કારણે બાળકોનાં મોત થયાની ઘટના પ્રકાશમાં આવ્યા બાદ ગુજરાતમાં પણ આવી ઘટના ન બને તે માટે અગમચેતીનાં ભાગરૂપે રાજ્યનાં ડ્રગ્સ વિભાગ દ્વારા કફ સિરપને લઈને તપાસનાં ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. આ માટે રાજ્યનાં વિવિધ જિલ્લાઓમાં કફ સિરપનું હોલસેલ વેચાણ કરતાં વેપારીઓને ત્યાં સ્થાનિક ડ્રગ્સ વિભાગની ટીમો દ્વારા અલગ અગલ કફ સિરપનાં નમૂનાઓ લેવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ તમામ સેમ્પલોને પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવી રહ્યા છે.
ત્યારે રાજ્યનાં ડ્રગ્સ વિભાગની સૂચનાને પગલે કચ્છમાં પણ વિભાગ દ્વારા જિલ્લાનાં વિવિધ તાલુકાઓમાં હોલેસેલ દવાનાં વેપારીઓને ત્યાં તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. આ તપાસ દરમ્યાન અલગ અલગ કફ સિરપનાં નમૂનાઓ પણ લેવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં ભુજમાંથી ૧૨, ગાંધીધામમાંથી ૧૧ અને ભચાઉમાંથી ૯ નમૂના મળીને કુલ ૩૨ જેટલા કફ સિરપનાં નમૂનાઓ લઈને પરીક્ષણ માટે મોકલી દેવામાં આવ્યા છે. આગામી દિવસોમાં પણ આ જ રીતે વિવિધ તાલુકામાંથી કફ સિરપનાં સેમ્પલો લેવાની કામગીરી ચાલુ રાખવામાં આવશે. આ સિવાય અન્ય દવાઓનાં પણ સેમ્પલો લેવાની રૂટની કામગીરી પણ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે.