પાકિસ્તાને હવે ચીનની પીપુડી વગાડી : બૈજીંગને ભારત-પાક. યુધ્ધ અટકાવવાનો શ્રેય આપ્યો
(એજન્સી) ઇસ્લામાબાદ તા.૦૩
પાકિસ્તાને ચીનના ‘ઓપરેશન સિંદૂર‘ દરમિયાન મધ્યસ્થીના દાવાને સમર્થન આપ્યું છે. ચીનના દાવા સંબંધિત પ્રશ્નના જવાબમાં પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા તાહિર અંદ્રાબીએ પ્રેસ બ્રીફિંગમાં જણાવ્યું હતું કે ચીનના નેતાઓ તે દિવસોમાં પાકિસ્તાની નેતૃત્વ સાથે સતત સંપર્કમાં હતા. ચીનના નેતાઓએ ભારતીય નેતૃત્વ સાથે પણ કેટલીક વાતચીત કરી હતી. પાકિસ્તાનનું આ નિવેદન ચીનના વિદેશ મંત્રી વાંગ યીના નિવેદન બાદ આવ્યું છે. વાંગ યીએ ૩૦ ડિસેમ્બરે બૈજિંગમાં કહ્યું હતું કે ચીન વિશ્વના ઘણા સંઘર્ષોને ઉકેલવામાં મદદ કરતું રહ્યું છે. તેમણે જણાવ્યું કે ભારત-
પાકિસ્તાન વચ્ચેના તણાવ દરમિયાન પણ ચીને મધ્યસ્થી કરી હતી. પાકિસ્તાન સરકારે ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર માટે નોમિનેટ કર્યા હતા. પાકિસ્તાનનું કહેવું હતું કે ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન ટ્રમ્પની રાજદ્વારી પહેલ અને મધ્યસ્થીએ એક મોટા યુદ્ધને ટાળવામાં મદદ કરી. પાકિસ્તાની સરકારે પોતાના ઓફિશિયલ સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે ટ્રમ્પે નવી દિલ્હી અને ઇસ્લામાબાદ બંને સાથે વાત કરીને યુદ્ધવિરામમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. આનાથી બે પરમાણુ શક્તિ ધરાવતા દેશો વચ્ચે યુદ્ધની આશંકા ટળી ગઈ.


