ભવનાથ મંદિરનાં પૂર્વ મહંત હરીગીરીએ પોતાના નામે ખરીદેલા પ્લોટ અંગે આજે સુનાવણી
ભાજપનાં કેટલાક નેતાઓની હાજરીમાં હરીદ્વારનાં આશ્રમ ખાતે પ્લોટનાં વેંચાણનો સોદો થયો હોવાનો સનસનીખેજ આક્ષેપ
જૂનાગઢ તા.23
જૂનાગઢ નજીક ભવનાથ તળેટી વિસ્તારમાં આવેલા ભવનાથ મહાદેવ મંદિરનાં પૂર્વ મહંત હરીગીરી સામે ગંભીર પ્રકારનાં આક્ષેપો ઉઠવા પામ્યા હતાં. તેમજ નાણાંકીય વ્યવહાર કરી અને મહંત તરીકેની મુદતમાં તેઓ દ્વારા વધારો કરવામાં આવતા હોવાના પણ આક્ષેપો થયા હતાં. ઉચ્ચ અધિકારીઓ અને કેટલાક ભાજપનાં અગ્રણીઓ સામે પણ આક્ષેપો થયા હતાં. દરમ્યાન પૂર્વ મહંત હરીગીરીની મુદત પૂર્ણ થાય તેનાં એક દિવસ પહેલા જ એટલે કે આજથી એક વર્ષ પહેલા તેઓને સસ્પેન્ડ કરી નાંખી અને મંદિરનો વહીવટ જીલ્લા વહીવટી તંત્ર હસ્તક લેવામાં આવ્યો છે. અને આજે પણ વહીવટી તંત્ર દ્વારા કારોબાર સંભાળવામાં આવી રહયો છે. વહીવટી તંત્રનાં કાર્યકાળ દરમ્યાન ભવનાથ મંદિરની વાર્ષિક આવકમાં પણ ખુબ જ વધારો થયો છે. ત્યારે અત્યાર સુધી હરીગીરીનાં વહીવટ સમય દરમ્યાન થતી આવક અંગે પણ તપાસ થશે. તેમજ હરીગીરી દ્વારા પોતાનાં નામે જે પ્લોટ ખરીદી લેવામાં આવ્યો છે તે અંગે પણ સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. આ પ્લોટનાં વેંચાણ સમયે ભાજપનાં કેટલાક નેતાઓ પણ જે તે વખતે હાજર રહયા હોવાની પણ ચર્ચા ઉઠી છે. ત્યારે તે બાબતે પણ અનેક તર્ક-વિતર્ક થઈ રહયા છે.
ગિરનારની ટોચે આવેલા અંબાજી મંદિરના બ્રહ્મલીન મહંત તનસુખગીરી બાપુની હયાતી દરમ્યાન તેઓએ ભવનાથ મંદિરની બાજુમાં આવેલ અંબાજી મંદિર ટ્રસ્ટ હસ્તકનો પ્લોટ ભવનાથ મંદિરના પૂર્વ મહંત હરીગીરીને વેચાણે આપ્યો હતો. આ પ્લોટ અંબાજી મંદિર ટ્રસ્ટ અને ભવનાથ મંદિર ટ્રસ્ટ વચ્ચેનો હતો. પરંતુ યેનકેન પ્રકારે હરીગીરીએ પોતાના નામે દસ્તાવેજાે કર્યા હોવાનો આક્ષેપ થયો હતો. આ દરમ્યાન ભવનાથ મંદિર અને અંબાજી મંદિર બંનેનો કબ્જાે વહીવટદાર શાસન હસ્તક આવ્યો હતો. અને કબ્જાે જૂનાગઢનાં કલેકટર હસ્તક આવતા જ તેઓ દ્વારા ભવનાથ મંદિરની પાછળની સાઈડમાં આવેલ કરોડોની કિંમતના પ્લોટની પુછપરછ કરી હતી. અને આ પુછપરછમાં એવુ જાણવા મળ્યુ હતુ કે, ભવનાથ મંદિર ટ્રસ્ટના પૈસા ચુકવવામાં આવ્યા હતા પરંતુ ટ્રસ્ટના નામે મિલક્ત ન હતી. આ મિલક્ત હરીગીરીના નામે હતી. જેથી આ ગંભીર બાબત બહાર આવતાં જૂનાગઢ કલેક્ટર યોગેશ ચૌધરીએ આ અંગે એક નોટીસ જારી કરી અને ભવનાથ મંદિરનાં પૂર્વ મહંત હરીગીરીને તેડુ મોકલ્યું હતું. જે અંતર્ગત આજરોજ તા.23 જુલાઇના રોજ આ પ્લોટ અંગેની કલેકટર કચેરી ખાતે એક સુનાવણી રાખવામાં આવી છે. આ સુનાવણીમાં હરીગીરી પાસેથી તમામ દસ્તાવેજાે કબ્જે કરવામાં આવશે અને દસ્તાવેજાે કલેક્ટરના હાથમા આવ્યા બાદ જ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવા નિર્દેશો મળે છે. વિશેષમાં પ્રાપ્ત વિગત અનુસાર અંબાજી મંદિર પાસે અતિથિ ભવન બનતુ હતુ પરંતુ વનવિભાગે તેનું કામ રોકાવ્યુ હતું. આ અતિથિ ભવન ગિરનાર પર બની ગયુ હતુ. ત્યારબાદ અંબાજી મંદિરની એક જગ્યા ભવનાથ મંદિરની બાજુમાં હતી. ત્યા બ્રહ્મલીન મહંત તનસુખગીરી બાપુ અતિથિ ભવન બનાવવાનું વિચાર્યું હતુ. પરંતુ વિવાદ થતા આ પ્લોટ ફરજીયાત ભવનાથ મંદિર ટ્રસ્ટને વેચવો પડયો હતો. આ સોદો હરીદ્વારમાં પૂર્વ મહંત હરીગીરીના આશ્રમમાં થયો હતો. તેમાં ભાજપના કેટલાક નેતાઓ પણ સામેલ હતા. અને રૂા.71 લાખમાં સોદો થયા બાદ તેની એફડી અંબાજી મંદિર ટ્રસ્ટના નામે બેંકમાં કરવામાં આવી હતી. પરંતુ સામી બાજુએ ભવનાથ મંદિર ટ્રસ્ટના બદલે પૂર્વ મહંત હરીગીરીના નામે આપ્લોટની લેતીદેતી થતા વિવાદ થયો હતો. અને જેના પડઘા છેક ગુજરાતભરમાં ઉઠયા હતાં. દરમ્યાન વિવાદીત આ પ્લોટનાં વેંચાણ અંગેનાં સમગ્ર પ્રકરણ વહીવટી તંત્રની સામે આવેલ છે અને તપાસનાં ચક્રો ગતીમાન થયા છે. અને આજે સુનાવણી રાખવામાં આવી છે તેમજ ભવનાથ મંદિરનાં પૂર્વ મહંત હરીગીરીને પણ બોલાવવામાં આવ્યા છે. અને તેમની પાસેથી કાગજાત મેળવી અને આગળની તપાસ હાથ ધરવામાં આવે તેવા નિર્દેશો મળી રહયા છે.


