વડોદરા સહિત ગુજરાતના શહેરોમાં ચાલી રહેલા ગરબા આયોજનોમાં અશ્લીલ હરકતો સાથે રીલ્સ બનાવવાનો સીલસીલો યથાવત.
ગુજરાતમાં નવરાત્રિ મહોત્સવમાં માતાજીની આરાધનાનું પર્વ ગણાતા નવલા નોરતામાં ગરબા દરમિયાન અશ્લીલ અને અભદ્ર હરકતો કરીને રીલ્સ બનાવવાનો સીલસીલો સતત ચાલુ છે,આવામાં વડોદરાના યુનાઈટેડ વેનું ગરબા આયોજન જાણે અશ્લીલતાનું પર્યાય જ બની ગયું છે. હજુ આ ગરબા આયોજનમાં એક કપલે ફિલ્મી સ્ટાઈલમાં ચુંબન કરીને રીલ બનાવી એને ૪૮ કલાક પણ પૂર્ણ નથી થયા ત્યાં જ ફરી આ જ ગરબા આયોજનમાં દુષ્કર્મના આરોપી વિલ્સન સોલંકી નામના શખ્સે પોતાની પત્ની સાથે રીલ બનાવી છે. આ ઉપરાંત વડોદરા શહેરના જ લક્ષ્મીવિલાસ પેલેસમાં મહારાણી રાધિકા રાજે ગાયકવાડના ગરબા આયોજનમાં એક કપલે ચુંબન સાથે રીલ્સ બનાવી હતી. આમ ગુજરાતમાં ગરબા આયોજનમાં અશ્લીલ હરકતો સાથે રીલ્સ બનાવીને વાઈરલ કરવાનો સીલસીલો અટકવાનું નામ જ લેતો નથી તેમજ ગરબા આયોજકો પણ જે પ્રકારે કોઈ જ શિક્ષાત્મક પગલા લઈ રહ્યા નથી આવામાં હિદુવાદી સંગઠનો અને જાગૃત જનતા આવા આયોજકો સામે કડક પગલા ભરવા અને પ્રતિબંઘ લગાવવા માંગ કરી રહી છે.


