વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં જળ ક્રાંતિ : દુષ્કાળ બન્યો ભૂતકાળ, સૌરાષ્ટ્ર-કચ્છનું સુરેન્દ્રનગર બન્યું પાણિયારૂ

સૌરાષ્ટ્ર-કચ્છને પાણીથી સમૃદ્ધ બનાવતી સૌની યોજના, ઢાંકી પમ્પિંગ સ્ટેશન બન્યું ગુજરાતનું એન્જિનિયરિંગ માર્વેલ નર્મદાના વધારાના પાણીથી સૌરાષ્ટ્રના ૧૧૫ જળાશયો ભરવાની ઐતિહાસિક પહેલ : ઢાંકી પમ્પિંગ સ્ટેશન : ૭૧ મીટરની ઊંચાઈએ પાણી લિફ્ટ કરી સૌરાષ્ટ્ર-કચ્છને પાણી પહોંચાડતું યોજનાનું હૃદય : નર્મદા કેનાલ નેટવર્ક: ગુજરાતની જીવનરેખા: ૭૪,૬૨૬ કિ.મી.નું વિશાળ માળખું; ૯,૬૦૦+ ગામો અને ૧૩૧ નગરોને પીવાનું પાણી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં જળ ક્રાંતિ : દુષ્કાળ બન્યો ભૂતકાળ, સૌરાષ્ટ્ર-કચ્છનું સુરેન્દ્રનગર બન્યું પાણિયારૂ

રાજકોટ તા.૧૪
સૌરાષ્ટ્રની-ભૂમિ અપર્યાપ્ત વરસાદને કારણે અનેક ગામો સુકાભઠ્ઠ રહેતા પર્યાપ્ત પાણીની સમસ્યા સૌરાષ્ટ્રની ધરા માટે નિરાધાર બની ગઈ હતી. પરંતુ તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દીઘદ્રર્ષ્ટિવંત નેતૃત્વ હેઠળ ગુજરાત આજે નર્મદાના નીરથી હરિયાળું બનીને દેશને “વોટર મેનેજમેન્ટ”નું  આદર્શ મોડલ આપી રહ્યું છે ત્યારે પાણીની આ આપદા ‘નર્મદે સર્વદે‘ થકી સર્વદા સંપદા બની ગઈ છે.

સૂર્યતપ્ત સુરેન્દ્રનગરથી નંદનવન સુધીની સફર 
સૌરાષ્ટ્રના મધ્યમાં આવેલો સુરેન્દ્રનગર જિલ્લો એક સમય ખેતીના ક્ષેત્રે પછાત ગણાતો હતો. વરસાદ સહેજ ખેંચાય તો દુષ્કાળ ઘેરાતો અને કૃષિ સાથે જીવન નિર્વાહ પણ મુશ્કેલ બની જતો. પરંતુ વર્ષ 2007માં ઢાંકી ગામે સ્થાપિત એશિયાનું સૌથી મોટું પમ્પિંગ સ્ટેશન આ ધરતી માટે આશીર્વાદ સાબિત થયું. 20 માર્ચ, 2007ના રોજ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે આ પમ્પિંગ સ્ટેશનનું લોકાર્પણ થયું હતું. આ ઢાંકી પમ્પિંગ સ્ટેશન હવે "સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઈરીગેશન યોજના (સૌની યોજના)"નું હૃદય બની ગયું છે. આ સ્ટેશન પરથી નર્મદાના નીર 24 માળ જેટલી ઊંચાઈ (અંદાજિત 71 મીટર) સુધી લિફ્ટ કરી ધોળીધજા ડેમ સુધી પહોંચાડવામાં આવે છે, જ્યાંથી આખા સૌરાષ્ટ્ર-કચ્છમાં પાણીનો પુરવઠો થાય છે. અહીંયા સ્થાપિત વિશાળ ક્ષમતાના પંપ એક સેકન્ડમાં 20,000 લિટર પાણી વહન કરી શકે છે - એ પોતે એન્જિનિયરિંગ કૌશલ્યનો અદભૂત ઉદાહરણ છે. 

ગુજરાતની જીવનરેખા સમાન નર્મદા કેનાલ નેટવર્કનું વિશાળ માળખું વિકસાવાયું
ગુજરાત રાજ્યમાં નર્મદા કેનાલ નેટવર્કનું વિશાળ માળખું વિકસાવાયું છે, જે આજે 74,626 કિ.મી. સુધી વિસ્તરેલું છે. આ નેટવર્કમાં 458 કિ.મી.ની મુખ્ય નહેર તથા 38 શાખા નહેરોનો સમાવેશ થાય છે. તેના માધ્યમથી 131 નગરો અને 96,00થી વધુ ગામોને પીવાનું પાણી તેમજ 18 લાખ હેક્ટર વિસ્તારમાં સિંચાઈની સુવિધા ઉપલબ્ધ છે. સૌરાષ્ટ્ર માટે સૌથી મહત્વપૂર્ણ સૌરાષ્ટ્ર શાખા નહેર કડી, મહેસાણાથી શરૂ થઈને સુરેન્દ્રનગર જિલ્લાના ભોગાવો-૨ ધોળીધજા ડેમ સુધી 104.46 કિ.મી. સુધી ફેલાયેલી છે. આ નહેર દ્વારા GWSSB, GWIL, નગરપાલિકા તથા સૌની યોજના હેઠળ પાણી પહોંચાડવામાં આવે છે. સુરેન્દ્રનગર મહાનગર પાલિકા માટે ધોળીધજા ડેમ મારફતે 40 MLD પાણી, તેમજ GWIL ને 550 MLD અને 1050 MLD જેવા મોટા જથ્થા ફાળવવામાં આવ્યા છે.

એશિયાનું સૌથી મોટું પાણીનું ધબકતું હૃદય ઢાંકી પમ્પિંગ સ્ટેશન
ઢાંકી પમ્પિંગ સ્ટેશન “સૌની” યોજનાનું કેન્દ્રસ્થાન છે. અહીંથી પાણી સૌરાષ્ટ્ર અને કચ્છના અંતિમ છેડા સુધી પહોંચાડવામાં આવે છે. આ પમ્પિંગ સ્ટેશન દ્વારા નર્મદાનું પાણી લિફ્ટ કરીને મોડકુબા ગામ સુધી પહોંચાડવામાં આવ્યું છે. આ ધોરણે પાણીની ઉપલબ્ધતા વધતા ઝાલાવાડ જેવા સુકાભઠ્ઠ પ્રદેશમાં ભૂગર્ભ જળ સપાટી ઉંચી થઈ છે, કૃષિ ક્ષેત્રમાં નવો ઉછાળો આવ્યો છે અને ખેડૂતોના આવકના સ્ત્રોતોમાં વધારો થયો છે. 

સૌની યોજના - વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દીઘદ્રર્ષ્ટિનું દિગંત સ્વરૂપ 
વર્ષ 2012માં રાજકોટ ખાતે યોજાયેલા “કિસાન વિકાસ સંમેલન” દરમિયાન તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સૌરાષ્ટ્રની તરસ બુઝાવતી આ ઐતિહાસિક યોજના - “સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઈરીગેશન યોજના” (સૌની યોજના) - જાહેર કરી હતી. આ યોજનાનું ધ્યેય નર્મદા નદીના વધારાના પાણીનો ઉપયોગ કરી સૌરાષ્ટ્રના 115 જળાશયોને ભરવાનું હતું. આજે આ યોજના વાસ્તવિકતામાં રૂપાંતરિત થઈ સૌરાષ્ટ્ર-કચ્છને સમૃદ્ધિ તરફ દોરી રહી છે. વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌની યોજનાની પથરેખાથી ત્રણ કિમી સુધીના વિસ્તારના વંચિત ગામોને પણ યોજનામાં જાેડવાનો ઐતિહાસિક ર્નિણય લીધો છે, જેના કારણે હજારો ખેડૂતોને સિંચાઈ માટે નર્મદાનું પાણી ઉપલબ્ધ બન્યું છે. 

સૌરાષ્ટ્ર શાખા નહેરમાંથી  અનેક   વિકાસની રગોમાં વહેતી પિયત નદીઓ
સૌરાષ્ટ્ર શાખા નહેરમાંથી અનેક મહત્વપૂર્ણ શાખાઓ વહે છે, જેમ કે વલ્લભીપુર શાખા નહેર: લંબાઈ 118.98 કિ.મી., પિયત વિસ્તાર 1,37,528 હે., લીંબડી શાખા નહેર: લંબાઈ 118 કિ.મી., પિયત વિસ્તાર 1,09648 હે., બોટાદ શાખા નહેર: લંબાઈ 109.93 કિ.મી., પિયત વિસ્તાર 65,465 હે., માળીયા શાખા નહેર: લંબાઈ 138.93 કિ.મી., પિયત વિસ્તાર 41,561 હે.,  ધ્રાંગધ્રા શાખા નહેર: લંબાઈ 124 કિ.મી., પિયત વિસ્તાર 81,502 હે., મોરબી શાખા નહેર: લંબાઈ 119.17 કિ.મી., પિયત વિસ્તાર 61,757 હે. આ છ શાખાઓનો કુલ પિયત વિસ્તાર 4,97,462 હેક્ટર છે, જે સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, મોરબી અને અમદાવાદ જિલ્લાઓને લાભ આપે છે.

સુશાસન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું સંકલન 
સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ(SSNNL) - 1988માં ગુજરાત સરકાર દ્વારા સ્થાપિત - એ આ મહાયોજનાની મુખ્ય અમલીકરણ સંસ્થાન છે. તે રાજ્યના 9,000 ગામો અને 131 નગરોને પીવાનું પાણી, તેમજ 18 લાખ હેક્ટર જમીનને સિંચાઈ સુવિધા પૂરી પાડે છે. આ નહેર નેટવર્કમાં ત્રણ હાઇડ્રોપાવર સ્ટેશન (રંગપુરડા, ખાવડ, હરીપરા) તથા ચાર લિફ્ટ પમ્પિંગ સ્ટેશનો (ઢાંકી, લખતર, બાળા, રાજપર) કાર્યરત છે. આમ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દ્રષ્ટિપૂર્ણ નેતૃત્વ હેઠળ ગુજરાતે પાણી વ્યવસ્થાપન, સિંચાઈ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે વૈશ્વિક સ્તરે આગવું સ્થાન મેળવ્યું છે. ઢાંકી પમ્પિંગ સ્ટેશન અને સૌની યોજના માત્ર પાણી પુરવઠાની વ્યવસ્થા નથી, પરંતુ એ ગુજરાતના વિકાસ, ટેકનોલોજી અને જનકલ્યાણ માટેની પ્રતિબદ્ધતાનું પ્રતિક છે. આજનો સુરેન્દ્રનગર જિલ્લો - જે ક્યારેક સુકાભઠ્ઠ ભૂમિ તરીકે ઓળખાતો – હવે નંદનવન સમાન હરિયાળો બની વિકાસના નવા શિખરો સર કરી રહ્યો છે.