ઈરાનના સુપ્રિમ લીડરના મૃત્યુ બાદ ઉત્તર કોરિયાના બંધારણમાં નવી જાેગવાઈ ઉમેરવામાં આવી
કિમ જાેંગની હત્યા થશે તો ઉત્તર કોરિયા પરમાણુ હુમલો કરશે
પ્યોંગયાંગ તા.11
ઉત્તર કોરિયાએ તેના બંધારણ અને પરમાણુ નીતિમાં મોટો ફેરફાર કરીને નવી જોગવાઈ ઉમેરી છે. હવે જો દેશના સુપ્રીમ લીડર કિમ જોંગ-ઉન (Kim Jong-un)ની હત્યા થાય છે અથવા કોઈ વિદેશી હુમલા દરમિયાન તેઓ નેતૃત્વ કરવાની સ્થિતિમાં ન હોય, તો ઉત્તર કોરિયા તરત જ પરમાણુ હુમલો કરશે.
બ્રિટિશ અખબાર ધ ટેલિગ્રાફના અહેવાલ મુજબ, આ ફેરફાર માર્ચમાં તેહરાન પર અમેરિકા અને ઇઝરાયેલના હુમલાઓ પછી કરવામાં આવ્યો હતો. આ હુમલાઓમાં ઇરાનના સુપ્રીમ લીડર અલી ખામેનાઈ અને ઘણા વરિષ્ઠ ઇરાની અધિકારીઓના મોત થયા હતા.
દક્ષિણ કોરિયાની ગુપ્તચર એજન્સી અનુસાર, આ હુમલાઓએ પ્યોંગયાંગને વિચારવા મજબૂર કર્યા અને ઉત્તર કોરિયાને ડર સતાવવા લાગ્યો કે ભવિષ્યમાં આવો ‘ડિકેપિટેશન સ્ટ્રાઈક‘ એટલે કે ટોચના નેતૃત્વને ખતમ કરતો હુમલો તેની વિરુદ્ધ પણ થઈ શકે છે. આ નવી જોગવાઈ 22 માર્ચે પ્યોંગયાંગમાં શરૂ થયેલા 15મી સુપ્રીમ પીપલ્સ એસેમ્બલીના પ્રથમ સત્ર દરમિયાન અપનાવવામાં આવી હતી. બાદમાં દક્ષિણ કોરિયાની નેશનલ ઇન્ટેલિજન્સ સવિર્સે વરિષ્ઠ સરકારી અધિકારીઓને આ ફેરફાર વિશે જાણ કરી.


