કુવૈત પર ઈરાનના હુમલાથી ખાડી દેશો ભડકયા ટ્રમ્પે કહ્યું : 'ઈરાન પર હુમલાનો નિર્ણય મારો હતો'
(એજન્સી) દુબઈ/વોશિંગ્ટન તા.4
ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ (GCC) એ બુધવારે કુવૈત અને બહેરીન પર થયેલા હુમલાઓને લઈને ઈરાનની સખત ટીકા કરી હતી. સંગઠને આ હુમલાઓને કાયરતાપૂર્ણ ગણાવતા કહ્યું કે તેનાથી ક્ષેત્રમાં તણાવ વધુ વધ્યો છે.
GCCના મહાસચિવ જાસિમ મોહમ્મદ અલ્બુદૈવીએ કહ્યું કે ઈરાન સતત એવા પગલાં લઈ રહ્યું છે જે ગલ્ફ દેશોની સુરક્ષા, સ્થિરતા અને સાર્વભૌમત્વ માટે ખતરો છે.
તેમણે આરોપ લગાવ્યો કે ઈરાનના તાજેતરના હુમલા આંતરરાષ્ટ્રીય કાયદા, સંયુક્ત રાષ્ટ્રના નિયમો અને આંતરરાષ્ટ્રીય ધોરણોનું ઉલ્લંઘન છે. આવા પગલાંને રોકવા માટે આંતરરાષ્ટ્રીય સમુદાયે કડક વલણ અપનાવવું જોઈએ.
ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ એટલે કે GCCમાં કુવૈત, કતાર, સાઉદી અરેબિયા, બહેરીન, ઓમાન અને UAE શામેલ છે. જ્યારે, અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે ઈરાન વિરુદ્ધ કાર્યવાહીનો ર્નિણય તેમણે પોતે લીધો હતો.
તેમણે આ વાતનો ઇનકાર કર્યો કે ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ તેમને આવું કરવા માટે પ્રભાવિત કર્યા હતા. એક પોડકાસ્ટમાં વાતચીત દરમિયાન ટ્રમ્પે કહ્યું, કોઈએ મને ભ્રમિત કર્યો નથી. આ ર્નિણય મારો પોતાનો હતો.


