ગિરનાર લીલી પરિક્રમા દરમિયાન 350થી વધુ બાળકોને પીવડાવાયા પોલિયોના ટીપાં

ભવનાથ વિસ્તારમાં મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ચાર મોબાઈલ ટીમો દ્વારા વિશેષ રસીકરણ ડ્રાઇવ યોજાઈ

ગિરનાર લીલી પરિક્રમા દરમિયાન 350થી વધુ બાળકોને પીવડાવાયા પોલિયોના ટીપાં

જૂનાગઢ તા.23
જૂનાગઢમાં ગિરનાર લીલી પરિક્રમા દરમિયાન શ્રદ્ધાળુ પરિવારો સાથે આવેલા બાળકો પોલિયાથી સુરક્ષિત રહે તે હેતુથી મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા વિશેષ રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ કામગીરી અંતર્ગત ભવનાથ વિસ્તારમાં પાંચ વર્ષ સુધીની ઉંમરનાં 350થી વધુ બાળકોને પોલિયાના ટીપાં પીવડાવવામાં આવ્યા હતા.
આરોગ્ય વિભાગની ચાર મોબાઈલ ટીમોએ ભવનાથ વિસ્તારનાં અલગ-અલગ સ્થળોએ પહોંચીને રસીકરણની કામગીરી કરી હતી. આ ઉપરાંત નાકોડા હેલ્થ સેન્ટર અને ઝોનલ ઓફિસ ખાતે પણ આરોગ્ય કર્મચારીઓ દ્વારા પરિક્રમામાં આવેલા ભાવિકોનાં બાળકોને પોલિયાના ટીપાં આપવામાં આવ્યા હતા.
ગિરનાર પરિક્રમા દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પરિવાર અને બાળકો સાથે આવતા હોવાથી કોઈપણ બાળક રસીકરણથી વંચિત ન રહી જાય તે માટે આ ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. આરોગ્ય વિભાગની ટીમોએ સ્થળ પર જ રસીકરણની સુવિધા ઉપલબ્ધ કરાવીને પોલિયો નાબૂદીના પ્રયાસોને વેગ આપ્યો હતો.