ગુરૂપૂર્ણિમાએ ગિરનારની પાવન ભૂમિ પર મંત્રીઓએ લીધા સંતોના આશીર્વાદ

સિદ્ધેશ્વર મહાદેવ, BAPS મંદિર અને ભવનાથના આશ્રમોમાં દર્શન કરી સંતોના આશીર્વાદ લીધા

ગુરૂપૂર્ણિમાએ ગિરનારની પાવન ભૂમિ પર મંત્રીઓએ લીધા સંતોના આશીર્વાદ

જૂનાગઢ તા.૩૦
ગુરૂપૂર્ણિમા પર્વના અનુસંધાને ગુજરાત રાજ્યના કાયદો અને ન્યાયતંત્ર, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ તેમજ વૈધાનિક અને સંસદીય બાબતોના રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાએ સ્વામિનારાયણ મંદિર પરિસરમાં આવેલ પાવન સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રદ્ધાપૂર્વક દર્શન કરી મંદિરની પ્રદક્ષિણા સાથે પૂજન-અર્ચન કર્યું હતું. ત્યારબાદ સ્વામિનારાયણ મંદિરે દર્શન કરી સ્વામી પુરુષોત્તમ પ્રકાશ સ્વામી સહિત સંતોના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. ગુરૂપૂર્ણિમાના પાવન પર્વના અનુસંધાને ધાર્મિક અને આધ્યાત્મિક ભાવ સાથે કૌશિકભાઈ વેકરીયાએ મંદિર પરિસરમાં શીશ નમાવી ભક્તિભાવ વ્યક્ત કર્યો હતો.
ત્યારબાદ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ડૉ. પ્રદ્યુમન ભાઈ વાજા તથા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાએ નીલકંઠ વર્ણી મહારાજનો અભિષેક કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે સ્વામી ધર્મવિનય દાસજી તથા સ્વામી અખંડચિંતન દાસજી દ્વારા બંને મંત્રીઓને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ભવનાથ ગોરખનાથ આશ્રમ ખાતે શેરનાથબાપુ, ભારતી આશ્રમ ખાતે હરિહરાનંદન બાપુ, અવધૂત આશ્રમ ખાતે મહંત મહાદેવગીરી બાપુ તથા જાગીર ભારતી આશ્રમ ખાતે ઇન્દ્ર ભારતીબાપુના દર્શન કરી સંતોના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. ગિરનારની પાવન ભૂમિ પર સંતો-મહંતોના સાનિધ્યમાં ગુરુપૂર્ણિમા પર્વના અનુસંધાને યોજાયેલી આ મુલાકાત શ્રદ્ધા, ભક્તિ અને આધ્યાત્મિક ભાવનાથી પરિપૂર્ણ બની હતી.
આ તકે  ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, જૂનાગઢના મેયર ધર્મેશભાઈ પોશીયા, ડેપ્યુટી મેયર આકાશભાઈ કટારા, શહેર ભાજપ પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલિયા સહિત વિવિધ પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સંતોના આશીર્વાદ અને પાવન સાનિધ્ય વચ્ચે યોજાયેલી આ મુલાકાતે ગુરૂપૂર્ણિમાના પવિત્ર પર્વની આધ્યાત્મિક ભાવનાને વધુ ઉજાગર કરી હતી.