જૂનાગઢમાં ટ્રાફિક નિયમોનું ભંગ કરનારા ચેતી જજાે - નિયમોનું પાલન નહીં કરો તો દંડાશો
શહેરના મુખ્ય બજારોમાં એ-ડીવીઝન પોલીસે ફુટ પેટ્રોલીંગ કરી ટ્રાફિક ભંગ કરનારાઓને આપી ચેતવણી
જૂનાગઢ તા.૪
જૂનાગઢ શહેરમાં ટ્રાફિકની સમસ્યાનો કોઈ આરોવારો કે ઉકેલ આવતો નથી, અહીં જ્યાં જુઓ ત્યાં રસ્તા પર આડેધડ વાહનો પાર્ક કરેલા જાેવા મળે છે. કોઈ જાણે કહેનાર ન હોય, તેવી સ્થિતિ સર્જાયેલી છે. રસ્તા ઉપર ગમે ત્યાં વાહન અચાનક ઉભા રાખી દેવા અને જેને લઈને પાછળ આવતા વાહનો પણ ટકરાઈ જવાની શકયતા વચ્ચે અકસ્માતના બનાવો પણ બનતા હોય છે. આવા સંજાેગોમાં ટ્રાફિક નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થતું હોવાની પણ અનેક ફરિયાદો ઉઠેલી છે. ટ્રાફિકના નિયમોનું કડક રીતે પાલન થાય તે માટેની વ્યૂહરચનાની જૂનાગઢ શહેરમાં ખાસ જરૂર છે. આ દરમ્યાન ગઈકાલે શહેરની મુખ્ય બજારોમાં પોલીસ ટુકડી દ્વારા ફુટ પેટ્રોલીંગ કરવામાં આવ્યું હતું અને જેને લઈને ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા તત્વોમાં ફફડાટ પણ ફેલાયો હતો. જૂનાગઢ શહેરના હાર્દ સમા વ્યાપારી વિસ્તારોમાં લાંબા સમયથી માથાના દુખાવા સમાન બનેલી ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે ગઈકાલે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી. એ-ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ સંજય દેસાઈ અને તેમની ટીમે શહેરના મુખ્ય માર્ગો પર આકસ્મિક ફૂટ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું અને નિયમ ભંગ કરનારાઓને ચેતવણી આપવામાં આવી હતી. જેને લઈને નિયમભંગ કરનારા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
આ અંગે પ્રાપ્ત થતી વિગત અનુસાર જૂનાગઢ શહેરમાં છેલ્લા ઘણા સમયથી ટ્રાફીકની સમસ્યા દિવસે ને દિવસે વકરતી જઈ રહી છે. શહેરના મુખ્ય બજારોમાં તો ટ્રાફિકની જટીલ સમસ્યા રહેલી છે ત્યારે ટ્રાફિકની સમસ્યા કઈ રીતે હળવી થઈ શકે ? તે માટેના પગલાના ભાગરૂપે ગઈકાલે એ-ડીવીઝન પોલીસ કાફલા દ્વારા શહેરની વિવિધ બજારોમાં પગપાળા ફર્યા હતા. આ ફુટ પેટ્રોલીંગ દરમ્યાન જ્યાં પણ જરૂર જણાય ત્યાં ટ્રાફિકના નિયમનો ભંગ કરનારાઓને ચેતવણી પણ આપવામાં આવી હતી. પોલીસ કાફલાએ આઝાદ ચોકથી શરૂ કરીને પોસ્ટ ઓફિસ રોડ, દાણાપીઠ, સર્કલ ચોક, માલીવાડા જેવા અત્યંત વ્યસ્ત વિસ્તારોમાં પગપાળા પરિભ્રમણ કર્યું હતું. આ ડ્રાઈવ દરમ્યાન રસ્તાની વચ્ચે અથવા ‘નો-ર્પાકિંગ‘ ઝોનમાં અડચણરૂપ રીતે ઊભેલા વાહનોના માલિકો સામે પોલીસે કડક વલણ અપનાવ્યું હતું. અનેક વાહનચાલકોને સ્થળ પર જ ચેતવણી આપવામાં આવી હતી કે જો ફરીથી આ પ્રકારે આડેધડ ર્પાકિંગ કરવામાં આવશે, તો વાહન ડિટેઈન કરવા સુધીની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
આ તકે એ-ડીવીઝન પોલીસ સ્ટેશનના પીઆઈ સંજય દેસાઈએ જણાવ્યું હતું કે, બજારમાં ખરીદી કરવા આવતા ગ્રાહકો અને સ્થાનિક વેપારીઓને ટ્રાફિકને કારણે પડતી મુશ્કેલીઓ દૂર કરવા માટેના અસરકારક પગલા લેવામાં આવશે. માત્ર દંડ વસૂલવાને બદલે લોકોમાં ટ્રાફિક સેન્સ આવે અને તેઓ શિસ્તબદ્ધ રીતે વાહન પાર્ક કરે તે હેતુથી આ પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે. પોલીસ તંત્ર દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે આગામી દિવસોમાં પણ આ પ્રકારની ડ્રાઈવ સતત ચાલુ રાખવામાં આવશે. ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા અને રસ્તા પર દબાણ કરનારાઓ સામે કડક કાર્યવાહીનો નિર્દેશ આપ્યો હતો. જૂનાગઢ શહેરના મોટાભાગના વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા રહેલી છે ત્યારે દરેક વિસ્તારોમાં ટ્રાફિક સમસ્યાના હલ માટે સમયાંતરે પોલીસ દ્વારા ફુટ પેટ્રોલીંગ કરવામાં આવે તેમજ ટ્રાફિક અંગેની ડ્રાઈવ યોજી અને ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક પગલાઓ ભરવામાં આવે તેવી લાગણી અને માંગણી આમ જનતામાં પ્રવર્તી રહી છે.


