જૂનાગઢનાં શીતલાકુંડનાં રીનોવેશન અને અધુરા વિકાસ કાર્યો તાત્કાલીક પૂર્ણ કરવા રજુઆત
જૂનાગઢ તા. 24
જૂનાગઢ મનપાનાં વોર્ડ નં. 10નાં રહેવાસીઓ દ્વારા શીતલાકુંડ વિસ્તારના વિકાસ અને રીનોવેશનનાં કામો લાંબા સમયથી અધુરા રહયા છે જેને લઈને ભારે હાલાકીનો સામનો સ્થાનિક રહેવાસીઓને કરવો પડી રહયો છે ત્યારે તાત્કાલીક આ કાર્ય હાથ ધરીને વહેલી તકે પૂર્ણ કરવાની માંગણી સાથે આજે જૂનાગઢ કોર્પોરેશન ખાતે મનપાનાં સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન સહીતના પદાધિકારીઓને રજુઆતો કરવામાં આવી હતી. યુથ કોંગ્રેસનાં પ્રમુખ મિહીર મહેતા, જૂનાગઢ શહેર કોંગ્રેસ સમીતના પ્રમુખ મનોજભાઈ જાેષી, મનપાના વિરોધ પક્ષના નેતા લલીતભાઈ પણસારા અને વોર્ડ નં. 10નાં રહેવાસીઓ આજે કોર્પોરેશન ખાતે રજુઆત માટે ગયા હતાં જયાં કોર્પોરેશનના પદાધિકારીઓને આવેદનપત્ર આપી રજુઆતો કરવામાં આવી હતી. શીતલાકુંડ એક ઐતિહાસીક ધાર્મિક પ્રવાસનનું મહત્વ ધરાવતું સ્થળ છે.
તેમ છતાં રીનોવેશનનું કાર્ય અધુરૂ હોવાથી લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહયો છે. શીતલાકુંડની પાછળના ભાગમાં ગટર અને પાણીની લાઈન માટે ખોદકામ કરવામાં આવ્યું છે પરંતુ લાંબા સમયથી કામ પૂર્ણ કરવામાં આવ્યું નથી. ત્યારે આ કામગીરી વહેલી તકે પૂર્ણ કરવાની માંગણી કરવામાં આવી છે. શીતલાકુંડનાં વિકાસનાં તમામ અધુરા કામો ઝડપથી પુરા કરવા રજુઆત કરવામાં આવી છે. આ ઉપરાંત આ વિસ્તારની નિયમીત સફાઈ, લાઈટીંગ અને જાળવણી માટેની યોગ્ય વ્યવસ્થા કરવાની માંગણી કરવામાં આવી છે. તેમજ વિકાસ કાર્યો માટે સમય મર્યાદા નકકી કરી તેની જાહેર માહિતી આપવામાં આવે તેવી રજુઆતો આજે કરવામાં આવી હતી.


