જૂનાગઢ જીલ્લા, ૯ તાલુકા પંચાયતની ચુંટણી આડે માત્ર ચાર દિવસ

સત્તા પ્રાપ્ત કરવા માટે રાજકીય પક્ષોની કવાયત : ‘મતદારોનાં મૌન’ વચ્ચે ચાલતું ચુંટણી પ્રચાર કાર્ય

જૂનાગઢ જીલ્લા, ૯ તાલુકા પંચાયતની ચુંટણી આડે માત્ર ચાર દિવસ

જૂનાગઢ તા. રર
સ્થાનીક સ્વરાજયની યોજાનારી ચુંટણી આડે માત્ર ગણતરીનાં ચાર દિવસ જ બાકી રહયા છે. ત્યારે છેલ્લી ઘડીનાં પ્રયાસોને સફળ રીતે યોજવા માટે રાજકીય પક્ષો કાર્યરત બન્યા છે. ગૃપ મીટીંગો, મત વિસ્તારનો ઝંઝાવાતી પ્રવાસ અને વચનોની લ્હાણી સાથે જૂનાગઢ જીલ્લા અને તાલુકામાં ચુંટણીલક્ષી કાર્યક્રમો જાેરશોરથી યોજાઈ રહયા છે.    
જૂનાગઢ જીલ્લા પંચાયત તેમજ વિવિધ ૯ તાલુકા પંચાયતની ચુંટણીનાં રંગમાં જૂનાગઢ જીલ્લો રંગાઈ ગયો છે. આ વખતની ચુંટણીમાં એક ખાસ બાબત એ જાેવા મળી કે, કયાંક નવા ચહેરાને સ્થાન, યુવાઓને તક, શિક્ષીત વર્ગ તેમજ પક્ષની દ્રષ્ટીએ કંઈક કામ કરી શકે તેવા ઉમેદવારોને રાજકીય પક્ષોએ  પસંદ કરી અને ચુંટણીના મેદાનમાં ઉભા કરી દીધા છે. જેમ જેમ ચુંટણીનો દિવસ નજીક આવતો જાય છે તેમ તેમ પ્રચાર  તંત્રમાં ગતિ આવી ગઈ છે. ગ્રામ્ય વિસ્તારોમાં દરેક પક્ષોની ચુંટણી બેઠક, સભા યોજાઈ છે. મતદારો આવી બેઠકો- સભાઓમાં પહોંચી જાય છે. દરેક પક્ષની વાતો સાંભળે છે. પરંતુ પોતાનું મન કળાવા દેતા નથી. જૂનાગઢ જીલ્લા પંચાયત તેમજ વિવિધ ૯ તાલુકા પંચાયતની ચુંટણીમાં આ વખતે સૌથી મોટો સવાલ તો એ રહયો છે કે, તમે આ વિસ્તાર માટે શું કરી શકશો? આમ વિકાસના મુદાને આ વખતે મતદારો તોલશે અને કંઈક કરી શકે તેવા સક્ષમ ઉમેદવારને જ મત આપવા તેવું મન મતદારોએ બનાવી લીધું હોવાનો રાજકીય નિષ્ણાંતોનો મત છે. 
જૂનાગઢ જીલ્લા અને ૯ તાલુકા પંચાયતની આગામી તા.ર૬ એપ્રીલે યોજાનારી ચુંટણી આડે માત્ર ચાર દિવસ જ બાકી રહયા છે. ત્યારે પ્રચાર કાર્ય અત્યંત વેગવાન બની રહયું છે.