જૂનાગઢ મેડિકલ કોલેજ સંકુલમાં માટીનો ઢગલો દૂર કરવા ફરી થશે રી ટેન્ડર
જૂનાગઢ તા.૧૨
જૂનાગઢ મેડિકલ કોલેજ સંકુલમા માટીનો ઢગલો દૂર કરવાની કામગીરી લાંબા સમયથી ઠપ્પ થઈ ગઈ છે. તંત્ર દ્વારા આ જગ્યા ખાલી કરાવવા માટે એજન્સી મારફતે ઓનલાઇન ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જાેકે, સતત ત્રણ વખત ટેન્ડર બહાર પાડવા છતાં કોઈ પણ કોન્ટ્રાક્ટર કામ લેવા તૈયાર થયો નથી. આ નિષ્ફળતા પાછળ સરકારની આવક મેળવવાની નીતિ જવાબદાર હોવાનું સામે આવ્યું છે. ખાણ-ખનિજ વિભાગના નિયમો મુજબ ૧.૬૪ લાખ ક્યુબિક મીટર માટી-મોરમના જથ્થાની કિંમત ગણીને સરકારે એવું ટેન્ડર બનાવ્યું હતું કે સામેથી કોન્ટ્રાક્ટરે સરકારને રૂા.૨.૪૫ કરોડ ચૂકવવા પડે છે.
કોન્ટ્રાક્ટરો મુજબ, માટી હટાવવા, ક્રેન અને ટ્રાન્સપોર્ટેશનનો મોટો ખર્ચ થતો હોવાથી આટલી મોટી રકમ સરકારને આપીને કામ કરવું આર્થિક રીતે પોસાય તેમ નથી.
સરકારને રૂા.૨.૪૫ કરોડની આવક થાય તે રીતનું ટેન્ડર હોવાથી કોઈ એજન્સી આવી ન હતી. આ બાબતે ગાંધીનગર ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે. હવે કોન્ટ્રાક્ટરને વ્યાજબી નફો મળે તે પ્રકારની શરતો સાથે એક મહિનામાં નવું ટેન્ડર બહાર પાડવામાં આવશે.તેમ પીઆઈયુ અધિકારી યોગેશ પરમારે જણાવ્યું હતું.


