જૂનાગઢ SOGનો મોટો ખુલાસો: રૂ. 39.53 લાખના આંતરરાજ્ય સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ
જૂનાગઢ તા.30
જૂનાગઢ શહેરની એસઓજી પોલીસે એક મોટા આંતરરાજ્ય સાયબર ક્રાઈમ રેકેટનો પર્દાફાશ કરીને ખળભળાટ મચાવી દીધો છે. પોલીસે રૂ. 39 લાખથી વધુની સાયબર ઠગાઈના કેસમાં ત્રણ મહિલાઓ સહિત કુલ 18 શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ તપાસ મુજબ આ સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર કેવીન દેકીવાડીયા હોવાનું સામે આવ્યું છે. આશરે 40 દિવસ પહેલાં અમદાવાદમાંથી તેની ધરપકડ કરવામાં આવી હતી. તેની પાસેથી વિવિધ બેંકોની 25 પાસબુક, 43 એટીએમ કાર્ડ, 23 સિમકાર્ડ અને 5 મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો.
તપાસ દરમિયાન ખુલ્યું કે ટોળકી સામાન્ય લોકોને કમિશનની લાલચ આપીને તેમના નામે બેંક ખાતાં ખોલાવતી હતી. ત્યારબાદ પાસબુક, ચેકબુક, ડેબિટ-ક્રેડિટ કાર્ડ અને સિમકાર્ડ પોતાના કબજામાં લઈ લેતી હતી. આ ખાતાઓની વિગતો દેશના અન્ય રાજ્યોમાં બેઠેલા સાયબર ઠગોને પહોંચાડવામાં આવતી હતી.
આ નેટવર્ક દ્વારા ઓનલાઈન રેટિંગ, નોકરીની લાલચ, હોટલ બુકિંગ, યુપીઆઈ ફ્રોડ તેમજ શેરબજારમાં વધુ નફાની લાલચ આપી લોકોને ઠગવામાં આવતા હતા. ઠગાઈથી મેળવાયેલી રકમ વિવિધ બેંક ખાતાઓમાં જમા કરાવી બાદમાં ટ્રાન્સફર અથવા વિડ્રો કરીને સગેવગે કરવામાં આવતી હતી.
પોલીસે અત્યાર સુધીમાં કુલ રૂ. 39 લાખ 53 હજાર 613 રૂપિયાથી વધુની સાયબર ઠગાઈનો પર્દાફાશ કર્યો છે. મુખ્ય આરોપીની પૂછપરછના આધારે અમદાવાદ, વડોદરા, જામનગર, જૂનાગઢ, ભાવનગર, મહારાષ્ટ્ર અને ડુંગરપુર સાથે સંકળાયેલા કુલ 18 આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
જૂનાગઢ બી-ડિવિઝન પોલીસે ભારતીય ન્યાય સંહિતા અને આઈટી એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસ તેજ કરી છે.


