દાનચોરી મામલે દ્વારકાના શંકરાચાર્યનો રોષ અયોધ્યામાં જે થયું તે અયોગ્ય લોકોને સોંપાયેલા કામનું પરિણામ
(બ્યુરો) દ્વારકા તા.4
અયોધ્યાના રામ મંદિરમાં દાન ચોરી મામલે ભક્તોમાં ભારે રોષ અને નારાજગી છે જ. હવે દ્વારકા શારદાપીઠના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીએ પણ આ મુદ્દે ઇન્ટરવ્યૂમાં ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, પ્રભુ રામના ચરણોમાં ચઢાવાયેલા દાનમાં હેરાફેરી એ માત્ર આર્થિક ગુનો નથી પણ કરોડો ભક્તોની આસ્થા સાથે વિશ્વાસઘાત છે. ધર્મ અને શાસ્ત્રોના જ્ઞાનથી વંચિત સરકારો ક્યારેય મંદિરોનું યોગ્ય સંચાલન ન કરી શકે. સરકારો મંદિરોને તપસ્યા ભૂમિ નહીં પણ પર્યટન કેન્દ્રો સમજે છે, જે સ્વીકારી ન શકાય.
નાના કર્મચારીઓને બલીનો બકરો બનાવી મોટા માથાઓને બચાવવાના પ્રયાસો સામે તેમણે ચેતવણી આપી. શંકરાચાર્યએ સમગ્ર દાનનો હિસાબ આપતું શ્વેતપત્ર બહાર પાડવાની અને સરકારી દખલ રોકીને મંદિરોના સંચાલન માટે સનાતન બોર્ડની રચના કરવાની માગણી કરી છે.


