માંગરોળમાં મેઘતાંડવ : 48 કલાકમાં 40 ઈંચ : સર્વત્ર જળબંબાકાર
જૂનાગઢ જીલ્લામાં આજે સવારથી મેઘરાજાએ ખમૈયા કર્યા : માંગરોળમાં પ્રથમ રાઉન્ડમાં જ સીઝનનો 104 ટકા વરસાદ પડી ગયો : છેલ્લા 48 કલાક દરમ્યાન માળીયામાં 770 મીમી (31 ઈંચ), કેશોદમાં 738 મીમી (29.5 ઈંચ), મેંદરડામાં 423 મીમી (17 ઈંચ) વરસાદ નોંધાયો : કેશોદ-માંગરોળ વચ્ચેનો નેશનલ હાઈ-વે નં.51 વાહન વ્યવહાર માટે બંધ કરાયો : માંગરોળ, કેશોદ અને માણાવદર તાલુકાના 22 ગામો સંપર્ક વિહોણા બન્યા : જૂનાગઢ જીલ્લાના 16 માર્ગોં બંધ : મેંદરડાના સમઢીયાળા ગામે ધસમસતા પાણીમાં ફસાયેલા 19 લોકોનું રેસ્કયુ કરાયું : માણાવદરના બુરી ગામે ઓએનજીસીના 10 કર્મચારીઓનું રેસ્કયુ કરાયું
જૂનાગઢ તા.4
છેલ્લા 48 કલાક દરમ્યાન જૂનાગઢ જીલ્લામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરીને જળબંબાકારની સ્થિતિ સર્જી દીધી છે. ખાસ કરીને માંગરોળ, કેશોદ અને માળીયા હાટીના તાલુકામાં મેઘતાંડવની સ્થિતિ સર્જાઈ ગઈ છે. જાેકે, આજે સવારથી મેઘરાજાએ ખમૈયા કરતા તંત્ર અને લોકોએ રાહતનો દમ લીધો છે. આજે સવારથી જ જીલ્લાના તમામ 10 તાલુકામાં વરસાદ નોંધાયો નથી. જયારે છેલ્લા 48 કલાક દરમ્યાન જૂનાગઢ જીલ્લામાં સૌથી વધુ માંગરોળ ખાતે 1007 મીમી (40 ઈંચ) વરસાદ નોંધાયો છે. જે માંગરોળના સીઝનના કુલ વરસાદ કરતા 104.57 ટકા છે. એટલે કે પ્રથમ રાઉન્ડમાં જ મેઘરાજાએ માંગરોળને ઘમરોળી નાખ્યું છે. એક જ ધડાકે માંગરોળમાં સીઝનનો કુલ વરસાદ પડી ગયો છે. ત્યારબાદ માળીયા ખાતે છેલ્લા 48 કલાક દરમ્યાન 772 મીમી (31 ઈંચ) વરસાદ નોંધાયો છે. જે સીઝનનો 68.74 ટકા વરસાદ નોંધાયો છે. જયારે કેશોદ ખાતે 738 મીમી (29.5 ઈંચ) વરસાદ નોંધાયો છે. જે સીઝનનો 74.32 ટકા વરસાદ થાય છે. આમ જૂનાગઢ જીલ્લાના 3 તાલુકા માંગરોળ, માળીયા અને કેશોદમાં સર્વત્ર પાણી-પાણી થઈ ગયું છે. માંગરોળના લોકોના જણાવ્યા મુજબ આવો તોફાની વરસાદ તેમણે કયારેય જાેયો નથી. ભારે વરસાદને કારણે સમગ્ર માંગરોળ તાલુકામાં જનજીવન ઠપ્પ થઈ ગયું છે.
જૂનાગઢ જિલ્લામાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા સર્વત્ર જળબંબોળ અને કટોકટીની સ્થિતિ સર્જાઈ ગઈ છે. નદીઓમાં આવેલા ભારે પૂરને કારણે કૂલ 22 ગામો સંપૂર્ણપણે સંપર્ક વિહોણા બન્યા છે, જેમાં માંગરોળના 9, માણાવદરના 3 અને કેશોદના 10 ગામોનો સમાવેશ થાય છે. સાબલી ડેમના દરવાજા ખોલવામાં આવતા જ મઘરવાડા ગામમાં પૂરના પાણી ધસી આવતા ગામ સંપર્ક વિહોણું બન્યું હતું.
જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદના તાંડવ વચ્ચે દ્વારકા-સોમનાથ હાઇવે સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. માંગરોળ તાલુકાના હુસેનાબાદ પાસે નોળી નદી પર આવેલો મહત્વનો બ્રિજ ભારે પૂરના કારણે ધોવાઈ ગયો છે. આ બ્રિજ અને રસ્તો ધસમસતા પાણીના પ્રવાહમાં તૂટી જતાં હાઇ-વે પરનો વાહન-વ્યવહાર ઠપ્પ થઈ ગયો છે અને માંગરોળના અનેક ગામો સંપર્ક વિહોણા થયા છે. સોમનાથથી દ્વારકા જતો મુખ્ય માર્ગ તૂટવાને લીધે બંને બાજુ લાંબો ટ્રાફકજામ સર્જાયો છે અને અનેક વાહનચાલકો અધવચ્ચે જ અટવાઈ પડ્યા છે. આ પૂરની ભયાવહ સ્થિતિ અને તૂટેલા રસ્તાના દૃશ્યો પણ સામે આવ્યા છે.
ભારે વરસાદને કારણે જૂનાગઢ-ખડીયા, મેંદરડા-સાસણ રોડ પર વૃક્ષો ધરાશાઈ થયા હતા. જેને તાત્કાલીક અસરથી દુર કરવામાં આવેલ છે. જયારે માણાવદર તાલુકાના બુરી ગામ ખાતે પાણીમાં ફસાયેલા ઓએનજીસીના 10 કર્મચારીઓનું તંત્ર અને હોમગાર્ડની ટીમ દ્વારા સફળ રેસ્કયુ કરવામાં આવ્યું હતું. મેંદરડાના સમઢીયાળા ગામે ધસમસતા પાણીના પ્રવાહમાં ફસાયેલા 19 લોકોનું દીલધડક રેસ્કયુ કરવામાં આવ્યું હતું. જેમાં જૂનાગઢ ફાયર સર્વિસની ટીમે ગણતરીની મીનીટોમાં ઘટના સ્થળે પહોંચીને રેસ્કયુની કામગીરી હાથ ધરી હતી અને બાળકો, વૃધ્ધો સહિત 19 લોકોને સુરક્ષીત બચાવી લેવામાં આવ્યા હતા.
જયારે જૂનાગઢ જીલ્લાના અન્ય તાલુકામાં જાેઈએ તો છેલ્લા 24 કલાક દરમ્યાન વંથલીમાં 101 મીમી (4 ઈંચ), માણાવદરમાં 59 મીમી (2.25 ઈચ), જૂનાગઢ અને ભેસાણમાં 25 મીમી (1 ઈંચ) વરસાદ નોંધાયો છે.


