આજે વિશ્વ વારસા દિવસ : જૂનાગઢમાં હેરિટેજ વોક યોજાઈ

મહાબત મકબરાથી સર્કલ ચોક સુધીની હેરીટેજ વોક : ઐતિહાસીક સ્થળોની જાણકારી અપાઈ

આજે વિશ્વ વારસા દિવસ : જૂનાગઢમાં હેરિટેજ વોક યોજાઈ

જૂનાગઢ તા.૧૮
વિશ્વ વારસા દિવસના અવસરે જૂનાગઢ શહેરમાં ઇતિહાસ અને વારસાની જાગૃતિ વધારવાના ઉદ્દેશ સાથે ઇન્ટેક (INTACH) જૂનાગઢ ચેપ્ટર તથા ડો. સુભાષ મહિલા આર્ટસ, કોમર્સ એન્ડ હોમ સાયન્સ કોલેજ, જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે એક માહિતીસભર અને રસપ્રદ હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ યુવા પેઢી અને નાગરિકોમાં પોતાના શહેરના ઐતિહાસિક વારસા પ્રત્યે ગૌરવભાવ જગાડવાનો અને સંસ્કૃતિ સંરક્ષણ અંગે જાગૃતિ ફેલાવવાનો હતો.
આ હેરિટેજ વોકનો રૂટ જૂનાગઢના અતિપ્રસિદ્ધ ઐતિહાસિક સ્મારક મહાબત મકબરાથી શરૂ થઈ સર્કલ ચોક સુધી રાખવામાં આવ્યો હતો. આ યાત્રામાં શહેરના ઇતિહાસપ્રેમી, વિદ્યાર્થીઓ, પ્રાધ્યાપકો તેમજ જાગૃત નાગરિકો સહિત આશરે પચાસ જેટલા ભાઈઓ અને બહેનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમ દરમ્યાન ભાગ લેનારાઓમાં ઉત્સાહ અને જિજ્ઞાસા સ્પષ્ટપણે જોવા મળી હતી.
હેરિટેજ વોકમાં જૂનાગઢના પ્રખ્યાત ઇતિહાસકાર અને ઇન્ટેકના કન્વીનર ડો. પ્રદ્યુમ્ન ખાચરે માર્ગદર્શન આપ્યું હતું, તેમણે જૂનાગઢના વૈવિધ્યસભર અને સમૃદ્ધ ઇતિહાસની વિશેષતાઓ રાજવંશમાં મૌર્ય, ગુપ્ત,મૈત્રકો, ચુડાસમા બાબી વગેરેની વાતો  સરળ અને રસપ્રદ શૈલીમાં રજૂ કરી, શહેરના વિકાસક્રમ, સંસ્કૃતિક વારસા અને શાસનવ્યવસ્થાના વિવિધ પાસાઓ પર પ્રકાશ પાડ્યો હતો. માર્ગમાં આવેલાં ઐતિહાસિક બંગલાઓ, માર્ગોના નામોની ઉત્પત્તિ, પ્રાચીન શહેરી આયોજન અને ભૂતકાળની નાગરિક વ્યવસ્થાઓ વિશે તેમણે વિસ્તૃત માહિતી આપી હતી. તેમની જીવંત અને ઉદાહરણસભર રજૂઆતથી સહભાગીઓએ જાણે ઇતિહાસને નજીકથી અનુભવો હોય તેવો અહેસાસ કર્યો હતો.

આ હેરિટેજ વોકને સોરઠની વિદ્યાપીઠ  સમાન વિખ્યાત ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજના પ્રિન્સિપાલ જે. આર. વાંઝાના હસ્તે લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. તેમણે સૌને બહાઉદ્દીન કોલેજની વિશેષતાઓની વાત કરી અને પોતાના વિદ્યાર્થીઓને પણ ભવિષ્યના હેરીટેજ વોકમાં જોડશે એમ કહી સૌને આવી પ્રવૃત્તિ કરવા બદલ અભિનંદન આપ્યા હતા. આ પ્રસંગે વિશેષમાં તેમણે આવા કાર્યક્રમોની આવશ્યકતા પર ભાર મૂક્યો અને જણાવ્યું કે, પોતાના શહેરના વારસાને ઓળખવો અને તેનું સંરક્ષણ કરવું દરેક નાગરિકની જવાબદારી છે. આ કાર્યક્રમમાં ડો. સુભાષ મહિલા કોલેજના પ્રિન્સિપાલ અને યજમાન ડો. બલરામ ચાવડાએ આવકાર પ્રવચન આપતાં જણાવ્યું હતું કે, શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા આવા પ્રયોગાત્મક કાર્યક્રમો યોજવાથી વિદ્યાર્થીઓમાં ઇતિહાસ પ્રત્યે રસ વધે છે અને તેઓ પુસ્તકના જ્ઞાનની બહાર જઈને જીવંત ઇતિહાસનો અનુભવ કરી શકે છે તેમણે વધુમાં ઉમેર્યું કે, આવા પ્રયાસોથી નગરપ્રેમ, સંસ્કૃતિ જાગૃતિ અને વારસા સંરક્ષણ માટે મહત્વપૂર્ણ સાબિત થાય છે. હેરિટેજ વોક દરમ્યાન સહભાગીઓએ વિવિધ સ્થળોએ અટકી ઇતિહાસ સાથે જોડાયેલા પ્રશ્નો પૂછ્યા અને ચર્ચાઓમાં સક્રિય ભાગ લીધો, જેના કારણે સમગ્ર કાર્યક્રમ એક જીવંત શૈક્ષણિક અનુભવ બની રહ્યો હતો.
કાર્યક્રમના અંતે ઇન્ટેક જૂનાગઢ ચેપ્ટરના કો-કન્વીનર પ્રા.ચેતનાબેન ચુડાસમાએ ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કર્યો હતો અને આવી જ પ્રવૃત્તિઓ ભવિષ્યમાં પણ આયોજિત કરવામાં આવશે તેવી આશા વ્યક્ત કરી હતી. આ સમગ્ર કાર્યક્રમના લીધે શહેરમાં વારસા પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો એક સફળ પ્રયાસ સાબિત થયો હતો અને ઉપસ્થિત સહભાગીઓએ તેને ખૂબ જ સરાહનીય ગણાવ્યો હતો. આ હેરિટેજ વોકની નગરજનોની લોકમાંગણી આવશે તો દર મહિને હેરિટેજ વોક કરવામાં આવશે.