સ્ટેટ જીએસટીનો સપાટો : અમદાવાદમાં ખાનગી બસમાંથી 120 કિલો ચાંદી, 700 ગ્રામ સોનુ ઝડપાયું
(બ્યુરો) અમદાવાદ તા.2
સ્ટેટ GSTની મોબાઇલ સ્કવોડ ટીમે અત્યાર સુધીની સૌથી મોટી અને ચોંકાવનારી કાર્યવાહી કરતા યોગ્ય દસ્તાવેજો વિના પરિવહન કરવામાં આવી રહેલા કરોડો રૂપિયાના કિંમતી માલસામાનને ઝડપી પાડ્યો છે. આ ઘટનાએ વેપાર વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે.
અગાઉથી મળેલી બાતમીના આધારે મોબાઇલ સ્કવોડ ટીમે અમદાવાદના નારોલ નજીકથી ખાનગી લકઝરી બસોમાં અન્ય રાજયમાંથી આવેલી બસના ચેકિંગ દરમિયાન ડેકીમાંથી આશરે 120 કિલો ચાંદી, 700 ગ્રામ સોનું તેમજ 3 કિલો જેટલા કિંમતી પથ્થરોનો જથ્થો કબ્જે કર્યો હતો.
પ્રાથમિક તપાસમાં માલસામાનના પરિવહન માટે જરૂરી દસ્તાવેજો ઉપલબ્ધ ન હોવાનું સામે આવ્યું છે. આ તમામ માલસામાનની કુલ અંદાજિત કિંમત રૂ.4.25 કરોડ જેટલી હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ સ્ટેટ જીએસટી તરફથી ગીતા મંદિર વિસ્તારમાંથી બસમાં લઇ જવામાં આવનાર 100 કિલો ચાંદીનો જથ્થો પકડી પાડયો હતો. ત્યાં વળી આજે નારોલ વિસ્તારમાંથી 120 કિલો ચાંદીનો જથ્થો તેમ જ 700 ગ્રામ સોનું અને 3 કિલો જેટલાં કિંમતી પથ્થરો ઝડપી પાડયાં છે. આ જથ્થો નાના વાહનોમાં આગળ લઇ જવાના હતા. પ્લાસ્ટીકના થેલામાં રાખવામાં આવેલાં આ જથ્થાં અંગેના કોઇ જરૂરી દસ્તાવેજો ઉપલબ્ધ ન હોવાથી હાલ આ જથ્થો સ્ટેટ જીએસટીના અધિકારીઓએ કબ્જે લઇને માલ ક્યાંથી આવ્યો અને ક્યાં જવાનો હતો તથા સંભવિત કરચોરીના એંગલથી પણ ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.


