રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમાં ગૂજરાત વિદ્યાપીઠમાં ગાંધી જયંતીની ઉજવણી

રાજ્યપાલશ્રીએ વિદ્યાપીઠ પરિસરમાં શ્રમદાન અને ખાદીની ખરીદી કરીને સૌને સ્વચ્છતા અને સ્વદેશી અપનાવવા પ્રોત્સાહિત કર્યા

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમાં ગૂજરાત વિદ્યાપીઠમાં ગાંધી જયંતીની ઉજવણી

ગુજરાત અને મહારાષ્ટ્રના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમાં ગૂજરાત વિદ્યાપીઠ ખાતે ૧૫૬મી ગાંધી જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યના ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણમંત્રી શ્રી ઋષિકેશ પટેલ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યપાલશ્રી, મંત્રીશ્રી અને ઉપસ્થિત મહાનુભાવોએ આ પ્રસંગે ગૂજરાત વિદ્યાપીઠ પરિસરમાં સફાઈકાર્યમાં સહભાગી થઈને શ્રમદાન કર્યું હતું. રાજ્યપાલશ્રીએ આ પ્રસંગે ડિજિટલ પેમેન્ટ કરીને ખાદીની ખરીદી કરી સ્વદેશી મુહિમને પણ પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ સૌને વિજયાદશમીની શુભકામનાઓ પાઠવી હતી. ગાંધી જયંતી અને લાલ બહાદુર શાસ્ત્રી જયંતીના અવસરે તેમણે ગાંધીજી અને શાસ્ત્રીજીના જીવન આદર્શોનું સ્મરણ કર્યું હતું. રાજ્યપાલશ્રીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ૧૦૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે રાષ્ટ્રનિર્માણમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મહામૂલા યોગદાનને પણ આ અવસરે બિરદાવ્યું હતું. રાજ્યપાલશ્રીએ કહ્યું હતું કે આજનો દિવસ અત્યંત પ્રેરણાદાયી દિવસ છે.

ગાંધીજીના જીવન આદર્શો અને આજના સમયમાં તેમની પ્રસ્તુતતા વિશે વાત કરતા રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધીજીના જીવન આદર્શો અને મૂલ્યો આજના સમયમાં એટલા જ પ્રસ્તુત અને જીવંત છે. જીવન અને મૃત્યુ વચ્ચે આપણે જનકલ્યાણ માટે કેટલા પ્રયત્નશીલ રહીએ છીએ એ મહત્વનું છે. જેઓ અન્યોના દુઃખો દૂર કરવા અને અન્યોના જીવનમાં ઉજાસ પાથરવા જીવન જીવે છે, તેમનું જીવન સાર્થક બને છે એમ તેમણે ઉમેર્યું હતું.

બાપુએ સંસાધનોના અભાવમાં પણ તપસ્વીની જેમ સતત પરિશ્રમ કરીને જીવન ચિંતન આપ્યું હતું એમ જણાવીને રાજ્યપાલશ્રી કહ્યું હતું કે બાપુએ આપણી પ્રાચીન ઋષિ પરંપરાને જીવંત રાખવા અથાગ પ્રયત્નો કર્યા હતા. 'વૈષ્ણવ જન..' ભજનમાં સંયમ, ત્યાગ, તપશ્ચર્યા, પુણ્ય જેવા બાપુના જીવનના આદર્શોની અનુભૂતિ થાય છે.

સત્ય બોલવાથી સુખની અનુભૂતિ થાય છે એમ જણાવીને રાજ્યપાલશ્રીએ કહ્યું હતું કે, અન્યોને સુખી રાખવાની ભાવના હોય તો પોતાને પણ સુખની પ્રાપ્તિ અવશ્ય થતી હોય છે. જેમ આપણું કોઈ છીનવી ન લે એ માટે આપણે સજાગ રહેતા હોઈએ છીએ એમ અન્યોનું કંઈ આપણે ન છીનવી લઈએ એ માટે પણ આપણે સભાન રહેવું જોઈએ એમ તેમણે ઉમેર્યું હતું.

અંગ્રેજોની ગુલામી અને અત્યાચારો સામે બાપુની લડત વિશે વાત કરતા રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, અંગ્રેજોએ દેશને ગુલામીની માનસિકતા તથા લૂંટફાટ, ઉંચ-નીચના ભેદભાવો અને આંતરિક મતભેદોના બળે ગુલામ બનાવ્યો હતો. ઉત્તરોત્તર તેમણે ભારતની સંસ્કૃતિ અને પરંપરાઓને નષ્ટ કરી હતી. અંગ્રેજોની ગુલામીમાંથી દેશને આઝાદી અપાવવા બાપુએ શાશ્વત જીવન મૂલ્યો અપનાવ્યા હતા.

બાપુએ લોકોને જોડવા માટે સ્વદેશીને હથિયાર બનાવ્યું હતું એમ જણાવીને રાજ્યપાલશ્રીએ કહ્યું હતું કે, દેશનું ધન દેશમાં જ રહે અને દેશમાં રોજગારી પેદા થાય તે માટે બાપુએ ગામોમાં કુટીર ઉદ્યોગો પર ભાર મૂક્યો હતો. ગામોમાં પોતાની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ સ્થાનિકો જ પેદા કરે અને સ્વદેશી તથા સ્વાવલંબન જળવાય એ બાપુનો આગ્રહ હતો. પૂજ્ય બાપુનું માનવું હતું કે, પરાવલંબન અને પરતંત્રતા એ ગુલામીની નિશાની છે. બાપુના સ્વદેશી અને સ્વાવલંબનના વિચાર મૂલ્યોને આગળ ધપાવતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશને આત્મનિર્ભર બનાવવા 'મેક ઇન ઇન્ડિયા', 'વોકલ ફોર લોકલ' સહિતની સ્વદેશી પહેલો અમલમાં મૂકી છે. સ્વચ્છતા, સ્વાવલંબન અને સ્વદેશીનો આપણો સંકલ્પ ભારતની ઉન્નતિનો આધાર બનશે એમ તેમણે ઉમેર્યું હતું.

રાજ્યપાલશ્રીએ કહ્યું હતું કે, પેટ્રોલિયમ પેદાશો અને કુત્રિમ ખાતરોની આયાતમાં દેશનું સૌથી વધુ ધન વપરાય છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશની શાસનધૂરા સંભાળ્યા બાદ વિવિધ ક્ષેત્રોમાં દેશને આત્મનિર્ભર બનાવવા માટે સક્રિય પ્રયાસો શરૂ કર્યા હતા. જેના ભાગરૂપે આજે આપણે વિવિધ ક્ષેત્રોમાં આત્મનિર્ભર બન્યા છીએ. આજે દેશમાં પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતો પ્રત્યે નિર્ભરતા વધી છે. આ ઉપરાંત, સંરક્ષણ ક્ષેત્રે પણ આપણે આત્મનિર્ભર બન્યા છીએ. આજે આપણો દેશ સુરક્ષા ઉપકરણોની નિકાસ કરતો થયો છે.

વડાપ્રધાનશ્રીના વિઝનને પરિણામે સ્વચ્છતા મહાઅભિયાનના પરિણામે દેશમાં કચરાના પહાડોમાંથી આજે વીજળી અને ખાતર મળતા થયા છે. વિશ્વસ્તરે પણ આજે દેશનું ગૌરવ વધ્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પૂજ્ય બાપુના આદર્શોને 'મેક ઇન ઇન્ડિયા', સ્વદેશી ભારત અને આત્મનિર્ભર ભારતની મુહિમ થકી સાકાર કરીને દેશને ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ કર્યો છે. મહાત્મા ગાંધીજીના સ્વચ્છતાના વિચારને મૂર્તિમંત કરવાના ઉદ્દેશ સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ સ્વચ્છતા મહાઅભિયાનની શરૂઆત કરાવી છે. તેમણે ઘરે-ઘરે શૌચાલય બનાવવાનો સંકલ્પ લઈને તેને સાકાર કરવાની દિશામાં સતત પ્રયત્ન કર્યા છે એમ તેમણે ઉમેર્યું હતું.

રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, આપણે બીજામાં જે જોવાની ઈચ્છા રાખતા હોય એવા આપણે પોતે પણ બનવું જોઈએ. સાથે જ તેમણે સ્વાવલંબન, આત્મનિર્ભર ભારત, સ્વદેશી ભારત અને વિકસિત ભારતના નિર્માણમાં પોતાનું યોગદાન આપવા સૌને સંકલ્પબદ્ધ થવા અનુરોધ કર્યો હતો.

આ તકે રાજ્યપાલ શ્રીએ ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા યોજાનાર સંકલ્પ સ્વદેશીયાત્રા વિશે વાત કરતા યાત્રામાં ભાગ લેનાર સૌ વિદ્યાર્થીઓને ઉત્સાહપૂર્વક અને સક્રિય રીતે સ્વદેશી, સ્વાવલંબન, સ્વચ્છતા અને પ્રાકૃતિક કૃષિના સંકલ્પને ગામેગામ સુધી લઈ જવા અનુરોધ કર્યો હતો. સાથે જ તેમણે ઉપસ્થિત સૌને સત્ય, અહિંસા, સ્વદેશી, અસ્પૃશ્યતા નિવારણ સહિતના ગાંધીજીના વિચારોને જીવંત રાખવા અને તેમના જીવન મૂલ્યોને ઈમાનદારીથી આગળ ધપાવવા અનુરોધ કર્યો હતો. બાપુ દ્વારા સ્થાપિત આ સંસ્થા માત્ર અક્ષરજ્ઞાન જ નહીં, પણ શિક્ષિત અને ચારિત્રવાન પેઢી બનાવવાના અને ભારતીય જીવન મૂલ્યોને આગળ ધપાવવાના ઉદ્દેશ સાથે કાર્ય કરશે એવો આશાવાદ રાજ્યપાલશ્રીએ વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રીશ્રી ઋષિકેશ પટેલે પણ ગાંધીજીની ૧૫૬મી જન્મજયંતિ નિમિતે શુભકામનાઓ પાઠવી હતી. તેમણે રાજ્યમાં પ્રાકૃતિક કૃષિની સક્રીય મુહિમની શરૂઆત કરાવવા બદલ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીનો આભાર વ્યક્ત કર્યો હતો.

સ્વદેશી વિશે વાત કરતાં મંત્રીશ્રીએ કહ્યું કે, ૧૯૦૫માં લાલ, બાલ અને પાલની ત્રિપુટીએ સ્વદેશીનો વિચાર મૂક્યો હતો અને ગાંધીજીએ સમગ્ર દેશમાં સ્વદેશીની ચળવળ ચલાવી લોકોને આ જનઆંદોલનમાં જોડ્યા હતા. અનેક વિપરીત ભૌગોલિક અને સામાજિક પરિસ્થિત હોવા છતાં ગાંધીજીએ મોટી સંખ્યામાં લોકોને સ્વદેશી અને સ્વચ્છતા વિશે જાગૃત કરીને તેમાં જોડ્યા હતા. તેમણે કહ્યું કે, લોકોને ગુલામીની માનસિકતામાંથી બહાર નીકળવાનું ભગીરથ કાર્ય ગાંધીજીએ કર્યું છે.

મંત્રીશ્રીએ ભારપૂર્વક જણાવ્યું કે, દેશના પાયામાં સ્વાભિમાન, સ્વાવલંબન અને સ્વદેશી હશે તો કોઈ તાકાત દેશની એકતાને તોડી નહીં શકે. તેમણે સૌને આહ્વાન કરતાં કહ્યું કે, આપણે સૌએ યુગાનુકુળ સ્વદેશી સાથે આગળ વધવાનું છે અને તેના થકી વિકસિત ભારતની સંકલ્પના સાકાર કરવાની છે. આ ઉપરાંત તેમણે સૌને સ્વદેશી વસ્તુનો આગ્રહ રાખી ગાંધીજીના મૂલ્યોને આગળ વધારવાનો સંકલ્પ લેવડાવ્યો હતો. વધુમાં તેમણે ઉમેર્યું કે, વધતી જતી ટેક્નોલોજી વચ્ચે પણ આપણા સ્વાભિમાનનું પ્રતિક રેંટિયાનું સ્થાન હંમેશા આપણા હૃદયમાં અવિરત રહેશે.

આ પ્રસંગે ગૂજરાત વિદ્યાપીઠના ટ્રસ્ટી અને પૂર્વ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ મહાત્મા ગાંધીજી અને લાલબહાદુર શાસ્ત્રીજીને યાદ કરી ભાવાંજલિ અર્પણ કરી નમન કર્યા હતા. શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સ્વદેશી અને મેક ઇન ઈન્ડિયા વિશે વિસ્તૃત વાત કરતા કહ્યું હતું કે, આજે વૈશ્વિક લેવલે ઉદભવેલી પરિસ્થિતિ અનુસાર આત્મનિર્ભર બનવાની તાતી જરૂરિયાત છે. તેમણે ઉમેર્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આહ્વાનથી આજે દેશના લોકો સ્વદેશી તરફ વળી વિકસિત ભારતની સંકલ્પના સાકાર કરવા કાર્યરત છે.

શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ઉપસ્થિત સૌ લોકોને ઘરવપરાશ અને રોજિંદી ચીજવસ્તુઓ સ્વદેશી જ હોવી જોઈએ તેવો સંકલ્પ લેવડાવ્યો હતો. વધુમાં તેમણે વ્યસન વિશે પણ ચિંતા વ્યક્ત કરી કહ્યું કે, વ્યસનમુક્તિ બાબતે સૌએ સાથે મળીને કામ કરવું જોઈએ અને વધુમાં વધુ લોકોને વ્યસનથી દૂર કરવા મદદ કરવી જોઈએ.

આ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતા ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિશ્રી ડો. હર્ષદ પટેલે સૌને આવકાર્યા હતાં. તેમણે જણાવ્યું હતું કે, ગૂજરાત વિદ્યાપીઠ દર વર્ષે સ્વદેશી, સ્વાવલંબન અને ખાદી સાથે ગાંધી જયંતીની ઉજવણી કરે છે. પૂજ્ય બાપુના સત્ય અને અહિંસાના મૂલ્યો આજે પણ એટલા જ પ્રસ્તુત છે. સાથે જ, તેમણે આગામી ૧૦થી ૧૫ નવેમ્બર દરમિયાન ગૂજરાત વિદ્યાપીઠના વિદ્યાથીઓની સહભાગિતા દ્વારા યોજાનાર સંકલ્પ સ્વદેશી પદયાત્રા વિશે પણ વિગતો રજૂ કરી હતી. 'હર ઘર સ્વદેશી'ના નારા સાથે વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ ૧૮ હજાર ગામડાઓમાં પદયાત્રા કરીને ઘરે ઘરે સ્વદેશીનો સંદેશ પહોંચાડશે એમ શ્રી હર્ષદ પટેલે જણાવ્યું હતું.

વિદ્યાપીઠના મોરારજી દેસાઈ મંડપમ ખાતે કાર્યક્રમની શરૂઆત 'વૈષ્ણવ જન...'ભજનથી કરવામાં આવી હતી. રાજ્યપાલશ્રીની અધ્યક્ષતામાં વિદ્યાપીઠ ટ્રસ્ટીગણની બેઠક પણ આ તકે યોજાઈ હતી, જેમાં આગામી સમયમાં યોજાનારા ગૂજરાત વિદ્યાપીઠના પદવીદાન સમારંભના આયોજનની સમીક્ષાની કરવામાં આવી હતી.

આ પ્રસંગે ગૂજરાત વિદ્યાપીઠના કુલસચિવ શ્રી ડો.હિમાંશુ પટેલ, ટ્રસ્ટી શ્રી આયેશાબેન પટેલ, શ્રી સુરેશભાઈ રામાનુજ, વિદ્યાપીઠના વિવિધ વિભાગોના પ્રાધ્યાપકો તથા સંસ્થા સાથે જોડાયેલા લોકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.