રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઈ.વી.એમ.ની ફાળવણી કરાઈ
ચૂંટણી શાખાના સ્ટ્રોંગ રૂમમાંથી ઈ.વી.એમ. રીસીવિંગ-ડિસ્પેચિંગ સેન્ટરમાં મોકલવામાં આવ્યા
રાજકોટ તા.૧૭
રાજકોટ અધિક જિલ્લા ચૂંટણી અધિકારી એન.કે.મૂછારના માર્ગદર્શનમાં રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણી માટે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન(ઈ.વી.એમ.)ની ફાળવણી કરવામાં આવી હતી. મહાનગરપાલિકાના ચૂંટણી શાખાના સ્ટ્રોંગ રૂમમાંથી ઈ.વી.એમ. વિવિધ વોર્ડમાં આવેલા રીસીવિંગ-ડિસ્પેચિંગ સેન્ટરમાં મોકલવામાં આવ્યા છે. ચૂંટણી શાખા તરફથી મળતી માહિતી મુજબ, રાજકોટ મહાનગર પાલિકાના 18 વોર્ડમાં કુલ 1014 મતદાન મથકો નક્કી કરવામાં આવ્યા છે. જે મુજબ આજે બેલેટ યુનિટ(BU) અને કંટ્રોલ યુનિટ(CU)ની ફાળવણી કરવામાં આવી છે. આ તમામ મથકો માટે 120 ટકા લેખે કુલ 1217 બેલેટ યુનિટ અને 1217 કંટ્રોલ યુનિટની ફાળવણી નક્કી કરવામાં આવી હતી. જરૂરિયાત અને વ્યવસ્થાના ભાગરૂપે 1340 બેલેટ યુનિટ અને 1280 કંટ્રોલ યુનિટ ફાળવવામાં આવ્યા છે. મતદાન દરમિયાન કોઈપણ મશીનમાં ટેકનિકલ ખામી સર્જાય તો તુરંત જ વૈકલ્પિક વ્યવસ્થા થઈ શકે તે હેતુથી આ વધારાના મશીનોનું આયોજન કરવામાં આવ્યું છે.


