નવસારીમાં PM મોદીનું ગુજરાતીમાં સંબોધન, માવા-તમાકુ છોડવા સૌરાષ્ટ્રવાસીઓને કરી અપીલ
દેશના પ્રથમ AI આધારિત ભાજપ કાર્યાલય ‘નમો કમલમ’નું કર્યું લોકાર્પણ; ૪૦૦૦ સ્ક્રીન મારફતે ૧.૧૫ લાખથી વધુ લોકોએ કાર્યક્રમ નિહાળ્યો
નવસારી તા.8
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરાનો કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ નવસારી પહોંચ્યા હતા. અહીં નેશનલ હાઇવે ગ્રીડ નજીક નિર્માણ પામેલા ભાજપના દેશના પ્રથમ AI આધારિત અત્યાધુનિક કાર્યાલય ‘નમો કમલમ’નું તેમણે લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે દક્ષિણ ગુજરાત સહિત વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
વડાપ્રધાન મોદી હેલિપેડ પર પહોંચતાં તેમનું પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ ૧૧૦૦ મહિલાઓએ માથે કળશ સાથે વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું. આ ઉપરાંત આશરે ૫૦૦ પુરુષો દ્વારા ડમરુ વાદન કરવામાં આવ્યું હતું, જ્યારે ૩૦ મહિલાઓએ ઢોલ-ત્રાંસા સહિતના પરંપરાગત વાદ્યો સાથે કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
‘નમો કમલમ’ના લોકાર્પણ બાદ વડાપ્રધાન મોદીએ સમગ્ર પરિસરની મુલાકાત લીધી હતી. તેમણે મુખ્ય કાર્યાલય, અદ્યતન મીડિયા સેન્ટર, ડિજિટલ કોલ સેન્ટર અને આધુનિક લાઇબ્રેરી સહિતની સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. સાંસદો અને ધારાસભ્યો માટે તૈયાર કરવામાં આવેલી વિશેષ કેબિન ઉપરાંત પંડિત દીનદયાળ મીટિંગ હોલ, ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી હોલ અને અટલ સભાખંડની પણ તેમણે મુલાકાત લીધી હતી.
ત્યારબાદ સભાસ્થળે પહોંચેલા વડાપ્રધાન મોદીનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ, ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સહિતના આગેવાનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાનના સંબોધન પહેલાં સી.આર. પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને જગદીશ વિશ્વકર્માએ સરકારની વિવિધ યોજનાઓ અને કામગીરીનો ઉલ્લેખ કર્યો હતો.
વડાપ્રધાન મોદીએ ગુજરાતીમાં સંબોધન કરતાં માવા અને તમાકુના સેવનનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. સૌરાષ્ટ્રના લોકોનો ઉલ્લેખ કરતાં તેમણે હળવી શૈલીમાં પૂછ્યું હતું કે, ‘સૌરાષ્ટ્રવાળા અહીં ઘણા છે, માવા આવ્યા કે નહીં?’ ત્યારબાદ તેમણે માવા-તમાકુથી મુક્તિ મેળવવા અપીલ કરતાં ‘ભારત માતા કી જય’ બોલીને માવાની પિચકારી મારવાની આદત છોડવાનો સંદેશ આપ્યો હતો.
કાર્યક્રમમાં પાંચ હજારથી વધુ આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હોવાનું જણાવાયું છે. આ ઉપરાંત નવસારી જિલ્લાના તમામ ૩૮૯ ગામોમાં આશરે ૪૦૦૦ સ્ક્રીન ગોઠવવામાં આવી હતી, જેના માધ્યમથી ૧.૧૫ લાખથી વધુ લોકોએ કાર્યક્રમ અને વડાપ્રધાનનું સંબોધન લાઈવ નિહાળ્યું હોવાનું જણાવાયું છે.


