નવી દિલ્હીમાં ઓટો-ટેક્સી સેવા પર બ્રેક: 21થી 23 મે સુધી ઓટો-ટેક્સી ચાલકોની હડતાળ
વધતા ઈંધણ અને જાળવણી ખર્ચ સામે ભાડા વધારાની માંગ ઉગ્ર બની; હજારો મુસાફરોને મુશ્કેલી થવાની શક્યતા
નવી દિલ્લી તા.19
નવી દિલ્હીમાં આગામી દિવસોમાં જાહેર પરિવહન વ્યવસ્થા પર અસર પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. ઓટો અને ટેક્સી ચાલકોના વિવિધ સંગઠનોએ 21 મેથી 23 મે સુધી ત્રણ દિવસીય હડતાળ પર જવાનો નિર્ણય જાહેર કર્યો છે. ચાલકોનું કહેવું છે કે સતત વધી રહેલા સીએનજી, પેટ્રોલ અને ડીઝલના ભાવ વચ્ચે હાલના ભાડા દરમાં કામ કરવું મુશ્કેલ બન્યું છે.
યુનિયનના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે વાહન જાળવણી, ઈન્સ્યોરન્સ, લોનની EMI અને રોજિંદા ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો છે. આવકની સરખામણીએ ખર્ચ વધી જતા ઘણા ડ્રાઈવરો આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે. સરકાર સમક્ષ અનેકવાર ભાડા સુધારાની માંગ મુકાઈ હોવા છતાં હજી સુધી કોઈ સ્પષ્ટ નિર્ણય લેવાયો નથી.
હડતાળના દિવસોમાં દિલ્હીની સડકો પરથી મોટી સંખ્યામાં ઓટો રિક્ષા અને ટેક્સીઓ ગાયબ રહેવાની શક્યતા છે. જેના કારણે ઓફિસ જતાં કર્મચારીઓ, વિદ્યાર્થીઓ તેમજ એરપોર્ટ અને રેલવે સ્ટેશન તરફ જતા મુસાફરોને મુશ્કેલી પડી શકે છે. પીક અવર્સ દરમિયાન મેટ્રો અને બસ સેવાઓ પર વધારાનો ભાર પણ જોવા મળી શકે છે.
ચાલક સંગઠનોએ ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓ અંગે યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી સમયમાં વધુ ઉગ્ર વિરોધ કાર્યક્રમો જાહેર કરવામાં આવશે. હાલ મુસાફરોને વિકલ્પિક મુસાફરી વ્યવસ્થા રાખવાની સલાહ આપવામાં આવી રહી છે.


