ફરજમાં રૂકાવટના કેસમાં ૨૫ વર્ષથી ફરાર આરોપીને રાણાવાવ પોલીસે ઝડપી પાડયો

કર્ણાટકના યેલ્લાપુર પોલીસ સ્ટેશનના ગુનામાં વોરંટના કામે નાસતા ફરતા મહીરા ગામના આરોપીને પકડી કર્ણાટક પોલીસને સોંપાયો

ફરજમાં રૂકાવટના કેસમાં ૨૫ વર્ષથી ફરાર આરોપીને રાણાવાવ પોલીસે ઝડપી પાડયો

(પ્રતિનિધિ દ્વારા)
ગોસા(ઘેડ) તા.ર૪
પોરબંદર જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરી અંતર્ગત રાણાવાવ પોલીસે છેલ્લા ૨૫ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. આ અનુસંધાને રાણાવાવ ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક ધ્રુવલ સી. સુતરીયાના માર્ગદર્શન હેઠળ રાણાવાવ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર બી.જી. ડાંગર દ્વારા સ્ટાફને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. દરમિયાન રાણાવાવ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઈન્સ્પેક્ટર આર.વી. મોરી તથા પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતા ત્યારે મળેલી બાતમી અને માહિતીના આધારે કર્ણાટક રાજ્યના યેલ્લાપુર પોલીસ સ્ટેશનના ગુ.ર.નં. ૧૧૬/૨૦૦૧, આઈ.પી.સી. કલમ ૩૫૩, ૩૩૨, ૫૦૪ વી. સરકારી કર્મચારીની ફરજમાં રૂકાવટ, તેના ઉપર હુમલો અને જાહેર શાંતિના ભંગ મુજબના ગુનાના વોરંટના કામે છેલ્લા ૨૫ વર્ષથી નાસતા ફરતા આરોપી કેશુભાઈ મેણંદભાઈ સીસોદીયા (ઉં.વ. ૫૮), રહે. મહીરા ગામ, તા. રાણાવાવ, જી. પોરબંદરને ઝડપી પાડયો હતો. જરૂરી વેરિફિકેશન કર્યા બાદ આગળની કાયદેસરની કાર્યવાહી માટે કર્ણાટક પોલીસને સોંપી આપ્યો હતો.