ગાંધીનગરમાં ‘ટેક સક્ષમ’ વર્કશોપનો પ્રારંભ, AI અને સાયબર સિક્યોરિટીથી સરકારી તંત્રને સજ્જ કરવા પર ભાર
મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ નવી ટેકનોલોજી અપનાવવાની જરૂરિયાત જણાવી, અધિકારીઓને સતત શીખતા રહેવા કરી અપીલ
ગાંધીનગર તા.૨૪
ગાંધીનગરમાં ડિજિટલ ગવર્નન્સને વધુ આધુનિક અને અસરકારક બનાવવા માટે રાષ્ટ્રીય કક્ષાની એક દિવસીય “ટેક સક્ષમ” વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના હસ્તે વર્કશોપનો પ્રારંભ થયો હતો. નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર સર્વિસીસ ઇન્ક. (NICSI) અને નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર-ગુજરાત (NIC)ના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ યોજાયો હતો.
વર્કશોપના ઉદ્ઘાટન પ્રસંગે મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ સરકારી વ્યવસ્થામાં ડિજિટલ ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના વધુ ઉપયોગ પર ભાર મૂક્યો હતો. તેમના જણાવ્યા મુજબ નવી ટેકનોલોજીના ઉપયોગથી સરકારી સેવાઓમાં પારદર્શિતા અને જવાબદારી વધારી શકાય છે. તેમણે સમયની સાથે ટેકનોલોજી અપગ્રેડ કરવી જરૂરી હોવાનું જણાવી અધિકારીઓને નવી ટેકનોલોજી શીખવાની પ્રક્રિયા સતત ચાલુ રાખવા અપીલ કરી હતી.
મંત્રીએ ‘આઈ ખેડૂત’ પોર્ટલનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, ગત વર્ષે કમોસમી વરસાદ દરમિયાન જાહેર કરાયેલા રાહત પેકેજ અને ટેકાના ભાવે ખરીદી સહિત મળીને આશરે રૂ. ૨૬,૫૦૦ કરોડની રકમ ખેડૂતોના ખાતામાં સીધી જમા કરવામાં આવી હતી. આ સમગ્ર પ્રક્રિયામાં ભ્રષ્ટાચાર કે વચેટિયાની ભૂમિકા ન રહે તે માટે ડિજિટલ સિસ્ટમ મહત્વપૂર્ણ બની હોવાનું તેમણે જણાવ્યું હતું.
આ ઉપરાંત ગુજરાત કૉમન એડમિશન સિસ્ટમ (GCAS)ની પણ તેમણે વાત કરી હતી. વોઈસ કમાન્ડ જેવી આધુનિક સુવિધાઓ સાથેનું આ પોર્ટલ ડિજિટલ સેવાઓને વધુ સરળ બનાવવાની દિશામાં મહત્વનું પગલું હોવાનું જણાવાયું હતું.
NICSIના મેનેજિંગ ડિરેક્ટર આલોક તિવારીએ “ટેક સક્ષમ” કાર્યક્રમને રાષ્ટ્રીય સ્તરના ક્ષમતા વિકાસ અભિયાન તરીકે રજૂ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે વર્કશોપમાં સહભાગીઓને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સાયબર સિક્યોરિટી અને ક્લાઉડ કોમ્પ્યુટિંગ જેવા વર્તમાન સમયના મહત્વપૂર્ણ ટેકનોલોજી ક્ષેત્રોમાં માર્ગદર્શન આપવામાં આવ્યું છે. સરકારી વિભાગોને ભવિષ્યની ડિજિટલ જરૂરિયાતો માટે તૈયાર કરવા NICSIની પ્રતિબદ્ધતા પણ તેમણે વ્યક્ત કરી હતી.
વર્કશોપ દરમિયાન UIDAIના ડિરેક્ટર રાજેશ ગુપ્તાએ ડિજિટલ ઈન્ડિયાની પ્રગતિ અંગે માહિતી આપી હતી. તેમના જણાવ્યા મુજબ ડિજિટલ ઈન્ડિયા અભિયાને 11 વર્ષ પૂર્ણ કર્યા છે અને ભારત ડિજિટલ અર્થતંત્રમાં વિશ્વમાં પાંચમા તથા AI પર્ફોર્મન્સમાં ચોથા ક્રમે છે. UIDAI દ્વારા દરરોજ આશરે 9 કરોડ આધાર ઓથેન્ટિકેશન ટ્રાન્ઝેક્શન થતું હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
ગુજરાતની ડિજિટલ પહેલની પ્રશંસા કરતાં તેમણે જણાવ્યું હતું કે ગુજરાત જાહેર વિતરણ પ્રણાલી (PDS)માં ફેસ ઓથેન્ટિકેશનનો ઉપયોગ શરૂ કરનારું પ્રથમ રાજ્ય બન્યું છે. ઓનલાઈન છેતરપિંડી અટકાવવા તેમજ ડિજિટલ સુરક્ષાને વધુ મજબૂત કરવા UIDAI દ્વારા LLM મોડલ્સ અને AI જેવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
ડિજિટલ એક્સેલન્સ પ્રોગ્રામ હેઠળ યોજાયેલા આ વર્કશોપનો હેતુ સરકારી અધિકારીઓ અને ટેકનિકલ નિષ્ણાતોને નવી ઉભરતી ટેકનોલોજી અંગે વ્યવહારુ અને ઊંડાણપૂર્વકનું જ્ઞાન આપવાનો હતો. ગુજરાતમાં યોજાયેલા આ કાર્યક્રમ દ્વારા સુરક્ષિત, નાગરિકલક્ષી અને વધુ સક્ષમ ડિજિટલ ગવર્નન્સ તરફ આગળ વધવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
કાર્યક્રમમાં ગુજરાત NICના સ્ટેટ ઇન્ફોર્મેટિક્સ ઓફિસર પ્રમોદ કુમાર સિંઘ, એડિશનલ સ્ટેટ ઇન્ફોર્મેટિક્સ ઓફિસર અતુલ ખુંટી, IIM લખનૌના પ્રોફેસર અરૂણભા મુખોપાધ્યાય સહિત વિવિધ વિષય નિષ્ણાતો, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના વરિષ્ઠ અધિકારીઓ, NIC ગુજરાતના અધિકારીઓ તથા વિવિધ સરકારી વિભાગોના IT નિષ્ણાતો ઉપસ્થિત રહ્યા હતા.


