જૂનાગઢમાં ખેલકૂદ સપ્તાહનો રંગારંગ પ્રારંભ, 500થી વધુ ખેલાડી બહેનોએ મેદાનમાં બતાવી રમત પ્રતિભા

રાષ્ટ્રીય રમત દિવસની ઉજવણી અંતર્ગત કબડ્ડી, ખો-ખો, વોલીબોલ અને એથલેટીક્સની જિલ્લા કક્ષાની સ્પર્ધાઓ યોજાઈ

જૂનાગઢમાં ખેલકૂદ સપ્તાહનો રંગારંગ પ્રારંભ, 500થી વધુ ખેલાડી બહેનોએ મેદાનમાં બતાવી રમત પ્રતિભા

જૂનાગઢ, તા.૨૪
રાષ્ટ્રીય રમત દિવસની ઉજવણીને અનુલક્ષીને જૂનાગઢમાં ખેલકૂદ સપ્તાહની શરૂઆત કરવામાં આવી છે. ક્રીડા ભારતી દ્વારા ગત તા.૨૩/૦૮/૨૦૨૬થી આગામી તા.૨૯/૦૮/૨૦૨૬ સુધી વિવિધ રમતગમતલક્ષી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત સરદાર પટેલ સ્પોર્ટસ કોમ્પલેક્ષ, ગાંધીગ્રામ, જૂનાગઢ શહેર ખાતે શાળાકીય રમતોત્સવ-૨૦૨૬ યોજાયો હતો.
ખેલકૂદ સપ્તાહના પ્રારંભિક કાર્યક્રમમાં જિલ્લા કક્ષાની કબડ્ડી, ખો-ખો, વોલીબોલ અને એથલેટીક્સની બહેનોની સ્પર્ધાઓ યોજાઈ હતી. જૂનાગઢ શહેર તેમજ જિલ્લાના વિવિધ શાળા અને સંસ્થાઓમાંથી 500થી વધુ ખેલાડી બહેનોએ સ્પર્ધામાં ભાગ લીધો હતો. વિવિધ રમતો દરમિયાન ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને પોતાની રમતગમતની પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું.
સમગ્ર સ્પર્ધા દરમિયાન મેદાન પર ખેલાડીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. રમતગમતને પ્રોત્સાહન આપવા માટે આયોજિત આ અભિયાનનો હેતુ બાળકો અને યુવાનોને વધુમાં વધુ રમતગમત સાથે જોડવાનો તેમજ તેમનામાં શારીરિક તંદુરસ્તી, આત્મવિશ્વાસ અને સ્પર્ધાત્મક ભાવના વિકસાવવાનો છે.
ભારતમાં દર વર્ષે 29 ઓગસ્ટે રાષ્ટ્રીય રમત દિવસની ઉજવણી કરવામાં આવે છે. મહાન હોકી ખેલાડી મેજર ધ્યાનચંદની જન્મજયંતિની યાદમાં આ દિવસ મનાવવામાં આવે છે. વર્ષ 2012થી દેશમાં રાષ્ટ્રીય રમત દિવસની ઉજવણીની શરૂઆત થઈ હતી. આ દિવસ નિમિત્તે દેશભરમાં વિવિધ રમતગમત કાર્યક્રમો અને સ્પર્ધાઓ યોજવામાં આવે છે.
જિલ્લા રમત ગમત અધિકારી મનીષકુમાર જીલડીયાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢમાં યોજાયેલી સ્પર્ધાઓ માટે જરૂરી આયોજન કરવામાં આવ્યું હતું. જૂનાગઢ જિલ્લા વ્યાયામ મંડળના સહયોગથી રમતના મેદાન, ખેલાડીઓની વ્યવસ્થા તેમજ સ્પર્ધાની વિવિધ પ્રક્રિયાઓ સુચારૂ રીતે પૂર્ણ કરવામાં આવી હતી.
આ પ્રસંગે સ્ટેન્ડિંગ કમિટી ચેરપર્સન પલ્લવીબેન ઠાકરે ખેલાડી બહેનોને સંબોધતા જણાવ્યું હતું કે રમતગમત માત્ર જીત-હાર પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે શિસ્ત, આત્મવિશ્વાસ અને નેતૃત્વ જેવા ગુણોના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે. તેમણે ખેલાડી બહેનોને નિર્ભયતાથી આગળ વધીને રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ જૂનાગઢનું નામ રોશન કરવા પ્રોત્સાહિત કર્યા હતા.
જિલ્લા શિક્ષણાધિકારી લત્તાબેન ઉપાધ્યાયે પણ વિદ્યાર્થીઓને રમતગમતની સાથે અભ્યાસ ક્ષેત્રે પણ શ્રેષ્ઠ પ્રદર્શન કરવા પ્રેરણા આપી હતી. આ પ્રસંગે ગૌરવભાઈ રૂપારેલિયા, નિવાસી અધિક કલેક્ટર બી.એસ. બારડ અને જિલ્લા રમત ગમત અધિકારી મનીષકુમાર જીલડીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો.