PDEUમાં ‘SEQUENCE 2026’ સમિટનું આયોજન, ગુજરાતને ક્વોન્ટમ અને સેમિકન્ડક્ટર હબ બનાવવાની દિશામાં ભાર

અદ્યતન ટેકનોલોજી પર ચર્ચા વચ્ચે અનેક સંસ્થાઓ સાથે PDEUના MOU, ‘સેન્ટર ઓફ એક્સેલન્સ - ક્વોન્ટમ કમ્પ્યુટિંગ’નું લોન્ચિંગ

PDEUમાં ‘SEQUENCE 2026’ સમિટનું આયોજન, ગુજરાતને ક્વોન્ટમ અને સેમિકન્ડક્ટર હબ બનાવવાની દિશામાં ભાર

ગાંધીનગર તા.૨૪
પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી (PDEU), ગાંધીનગર ખાતે અદ્યતન ટેકનોલોજી અને ભવિષ્યના ઉદ્યોગ ક્ષેત્રોને કેન્દ્રમાં રાખીને ‘Summit of the Future: SEQUENCE 2026’નું આયોજન કરવામાં આવ્યું હતું. સમિટમાં સેમિકન્ડક્ટર, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ, રિન્યુએબલ એનર્જી, ક્લાઇમેટ એક્શન અને અન્ય ઉભરતી ટેકનોલોજી અંગે નિષ્ણાતો, ઉદ્યોગકારો અને વિદ્યાર્થીઓ વચ્ચે ચર્ચા થઈ હતી.
કાર્યક્રમમાં સાયન્સ એન્ડ ટેકનોલોજી તેમજ વન, પર્યાવરણ અને ક્લાઈમેટ ચેન્જ કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે ગુજરાતે અગાઉ કેમિકલ, ટેક્સટાઇલ, ડાયમંડ અને લોજિસ્ટિક્સ જેવા ક્ષેત્રોમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. હવે રાજ્ય અદ્યતન ટેકનોલોજી અને સનરાઈઝ સેક્ટર્સમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે.
મંત્રીના જણાવ્યા મુજબ ‘ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન’ હેઠળ દેશમાં મંજૂર થયેલા 12 રોકાણ પ્રપોઝલમાંથી 6 પ્લાન્ટ ગુજરાતમાં સ્થાપિત થઈ રહ્યા છે. ‘કેન્સ સેમિકોન’ અને ‘સીજી સેમી’ જેવા મોટા પ્રોજેક્ટ્સ રાજ્યમાં ઝડપથી આગળ વધી રહ્યા છે. સાથે જ સેમિકન્ડક્ટર ઉદ્યોગને જરૂરી કેમિકલ્સ, ગેસ અને ઇલેક્ટ્રોનિક સાધનો માટે સંપૂર્ણ ઇકોસિસ્ટમ વિકસાવવાની દિશામાં પણ કામગીરી ચાલી રહી છે.
રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ અને ચંદ્રયાન-3ની સફળતાનો ઉલ્લેખ કરતાં મંત્રીએ જણાવ્યું હતું કે દેશમાં સ્પેસ ક્ષેત્ર સાથે સંકળાયેલા 350થી વધુ સ્ટાર્ટઅપ્સ કાર્યરત થયા છે. અમદાવાદ નજીક સાણંદ ખાતે ગુજરાત સ્પેસ પાર્ક પણ આકાર લઈ રહ્યો છે, જ્યારે ‘અઝિસ્ટા સ્પેસ’ દ્વારા નાના ઉપગ્રહોના ઉત્પાદન માટે સુવિધા વિકસાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. વર્ષ 2047 સુધીમાં ભારતની સ્પેસ ઇકોનોમી 1 ટ્રિલિયન ડોલર સુધી પહોંચશે તેવી આશા પણ તેમણે વ્યક્ત કરી હતી.
યુવાનોને સંબોધતા અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે નવી પેઢી હવે માત્ર ટેકનોલોજીનો ઉપયોગ કરનારી નથી રહી, પરંતુ સંશોધન, સર્જન અને ઉદ્યોગસાહસિકતામાં પણ આગળ વધી રહી છે. તેમણે દેશ-વિદેશના ઉદ્યોગકારો અને સ્ટાર્ટઅપ્સને ગુજરાતમાં પોતાનો આધાર સ્થાપવા આમંત્રણ આપ્યું હતું. આ સાથે PDEU ખાતે ટૂંક સમયમાં ‘સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન ક્લાઇમેટ ઍક્શન’ શરૂ કરવાની જાહેરાત પણ કરવામાં આવી હતી.
ભારતમાં તાઇવાનના પ્રતિનિધિ ડૉ. મુ-મિન ચેને તાઇવાનના સેમિકન્ડક્ટર અને IT ક્ષેત્રના વિકાસનો ઉલ્લેખ કરતાં ભારત અને તાઇવાન વચ્ચે વધી રહેલા ટેકનોલોજીકલ સહયોગ અંગે વાત કરી હતી. તેમના જણાવ્યા મુજબ આશરે 350 તાઇવાની કંપનીઓએ ભારતમાં 6 અબજ ડોલરથી વધુનું રોકાણ કર્યું છે અને 2 લાખથી વધુ લોકોને રોજગારી મળી રહી છે. ગુજરાત પણ હવે સેમિકન્ડક્ટર સહિતના મહત્વપૂર્ણ ઉદ્યોગોના રોકાણ માટે અગ્રણી કેન્દ્ર બની રહ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું.
પૂર્વ કેન્દ્રીય રાજ્યમંત્રી મીનાક્ષી લેખીએ વિકસિત ભારત 2047ના લક્ષ્યને હાંસલ કરવા શિક્ષણ અને ઉદ્યોગ વચ્ચેના સહયોગને મહત્વપૂર્ણ ગણાવ્યો હતો. તેમણે સેમિકન્ડક્ટર, ક્વોન્ટમ ટેકનોલોજી, AI અને ગ્રીન એનર્જી જેવા ક્ષેત્રોમાં ભારતે આત્મનિર્ભર બનવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. સાથે પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ અને સસ્ટેનેબલ ટેકનોલોજી તરફ પણ ધ્યાન આપવાની વાત કરી હતી.
PDEUના ડાયરેક્ટર જનરલ ડૉ. એસ. સુંદર મનોહરે ‘SEQUENCE 2026’ને અદ્યતન ટેકનોલોજી અને ડિજિટલ વિકાસને આગળ વધારતી પહેલ ગણાવી હતી. તેમણે શિક્ષણ, સરકાર અને ઉદ્યોગ વચ્ચેના સહયોગને સમયની જરૂરિયાત ગણાવતા PDEU દ્વારા સ્કિલિંગ અને ઇન્ડસ્ટ્રી કનેક્ટ માટે હાથ ધરાયેલી વિવિધ પહેલોની માહિતી આપી હતી. તેમાં સોલાર પેનલ ઉત્પાદન તથા નિકાસ અને ‘માઇક્રોન’ સાથે સેમિકન્ડક્ટર મિશન હેઠળ ATMP તાલીમ સુવિધાનો સમાવેશ થાય છે.
સમિટ દરમિયાન ‘QpiAI’ના સંસ્થાપક અને CEO ડૉ. નાગેન્દ્ર નાગરાજાએ ક્વોન્ટમ કમ્પ્યુટિંગના ભવિષ્ય અંગે માહિતી આપી હતી, જ્યારે ‘કેન્સ સેમિકોન’ના ઓપરેશન હેડ પોલ ઇલાંગોવને દેશમાં સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમના વિકાસ અંગે રજૂઆત કરી હતી.
આ કાર્યક્રમમાં અત્યાધુનિક ‘સેન્ટર ઓફ એક્સેલન્સ (CoE) - ક્વોન્ટમ કમ્પ્યુટિંગ’નું વિધિવત લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત PDEU દ્વારા ‘QpiAI’, ‘Space Society Of Mechanical Engineers’, ‘Universitas Jember-Indonesia’, ‘Oizom Intruments Pvt.Ltd.’, ‘Reliance Industries Limited’, ‘BAJAJ Engineering Skills Training Centre’, ‘NIPER-A Ahmedabad’ અને ‘ONGC Green LTD’ સાથે શૈક્ષણિક તથા ઔદ્યોગિક સહયોગ માટે MoUsનું આદાન-પ્રદાન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના અંતે વિશેષ પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. સમિટમાં ઘાના, મોઝામ્બિક, યુએસ કોન્સ્યુલેટ અને બ્રિટિશ દૂતાવાસના પ્રતિનિધિઓ ઉપરાંત 50થી વધુ અગ્રણી ઉદ્યોગપતિઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.