બિહાર ચૂંટણી પહેલા નીતીશ કુમાર એક્શનમાં પૂર્વમંત્રી અને ૧૧ ધારાસભ્યોને JDU માંથી કર્યા સસ્પેન્ડ
પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ અને આચાર સંહિતાના ઉલ્લંઘનને કારણે કેટલાક નેતાઓને પાર્ટીમાંથી હાંકી કાઢવાનો ર્નિણય
(સંપૂર્ણ સમાચાર સેવા)
પટના, તા.૨૭
બિહારમાં વિધાનસભા ચૂંટણી ૨૦૨૫ પહેલા નીતીશ કુમારની પાર્ટી JDUએ આ મોટું પગલું ભર્યું છે. પક્ષ વિરુદ્ધ જઈને કામ કરનારા ૧૧ લોકોને પાર્ટીમાંથી નિલંબિત કરવામાં આવ્યા છે. આ લોકોમાં બિહારના પૂર્વ મંત્રી ગ્રામીણ કાર્ય વિભાગ અને જમાલપુરના ધારાસભ્ય શૈલેષ કુમાર પણ શામેલ છે. બિહાર વિધાનસભા ચૂંટણી ૨૦૨૫ની સામાન્ય ચૂંટણીઓના સંદર્ભમાં, જનતા દળ (યુનાઇટેડ) એ પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ અને આચાર સંહિતાના ઉલ્લંઘનને કારણે કેટલાક નેતાઓને પાર્ટીમાંથી હાંકી કાઢવાનો ર્નિણય લીધો છે. પાર્ટીએ આ માટે એક માહિતી પત્ર પણ જાહેર કર્યો છે. આ પત્ર પ્રદેશ મહાસચિવ અને મુખ્ય મથક પ્રભારી ચંદન કુમાર સિંહે બહાર પાડ્યો છે. આ લોકોને બહારનો રસ્તો બતાવાયો...
૧. શૈલેષ કુમાર - પૂર્વ મંત્રી, જમાલપુર, મુંગેર.
૨. સંજય પ્રસાદ - ચકાઈ, જમુઈ.
૩. શ્યામ બહાદુર સિંહ - બડહરિયા, સીવાન.
૪. રણવિજય સિંહ - બડહરા, ભોજપુર.
૫. સુદર્શન કુમાર - બરબીઘા, શેખપુરા.
૬. અમર કુમાર સિંહ - સાહેબપુર કમાલ, બેગુસરાય.
૭. આસમા પરવીન - મહુઆ, વૈશાલી.
૮. લબ કુમાર - નવીનગર, ઔરંગાબાદ.
૯. આશા સુમન - કદવા, કટિહાર.
૧૦. દિવ્યાંશુ ભારદ્વાજ - મોતિહારી, પૂર્વી ચંપારણ.
૧૧. વિવેક શુક્લા - જીરાદેઇ, સીવાન.
પાર્ટી દ્વારા શેર કરવામાં આવેલા પત્રમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે આ નેતાઓની વિચારધારા પક્ષના વિપરીત કાર્યો કરવાની હતી. આ કારણોસર, તેમને તાત્કાલિક અસરથી પાર્ટીની પ્રાથમિક સભ્યપદમાંથી નિલંબિત કરવામાં આવ્યા છે. આ ર્નિણયથી પાર્ટીમાં અનુશાસનની સ્થિતિ મજબૂત થશે. આવનારી ચૂંટણીઓમાં પણ પાર્ટીની છબી પર તેની સકારાત્મક અસર જાેવા મળશે.


