વિસાવદર તાલુકાનાં ઘોડાસણ ગામે સોલાર પાવર પેનલની ૧૧૧ પ્લેટોની રૂા. ૮,૩ર,પ૦૦ની ચોરીનો ભેદ ઉકેલાયો : પાંચ આરોપીની ધરપકડ
જૂનાગઢ તા. રપ
વિસાવદર તાલુકાનાં ઘોડાસણ ગામે આવેલ સોલાર પ્લાન્ટમાંથી સોલાર પાવર પેનલની પ્લેટો ૧૧૧ નંગની ચોરીનો બનાવ બનવા પામેલ હતો. રૂા. ૮,૩ર,પ૦૦ની ચોરીનાં અણઉકેલ આ ગુનાને ગણતરીનાં કલાકોમાં જ પોલીસે ઉકેલી નાખ્યો છે અને મુદામાલ સાથે પાંચ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ બનાવ અંગે પ્રાપ્ત વિગત અનુસાર ફરીયાદી રૂપેશ રામચંદ્ર વિરપાનકર ઉ.વ.૪૯ ધંધો ટ્રેનિંગ કમ ફિલ્ડ ઓફીસર શ્રી બાલાજી સિકયુરીટી સર્વિસ રહે. અમદાવાદવાળાએ તા.ર૧-૩-ર૦ર૬નાં રોજ વિસાવદર તાલુકાનાં ઘોડાસણ ગામે આવેલ એલ એન્ડ ટી કંપનીનો સોલાર પ્લાન્ટ જે રપ૦ વિઘાનાં વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં આવેલ છે તે સોલાર પ્લાન્ટ પ્રોજેકટનાં સ્થળની વીઝીટ કરી હતી. આ દરમ્યાન તપાસ કરતા જાણવા મળેલ કે આ જગ્યા ઉપર અગાઉથી ઈન્સ્ટોલ કરવા માટે રાખવામાં આવેલ સોલાર પેનલની કુલ ૧૧૧ પ્લેટ ઓછી જાેવા મળી હતી જેની કિંમત રૂા. ૮,૩ર,પ૦૦ની કોઈ ચોરી કરી ગયા અંગેની ફરીયાદ વિસાવદર પોલીસ સ્ટેશનમાં ગત તા. રર-૩-ર૦ર૬નાં રોજ દાખલ કરવામાં આવી હતી. દરમ્યાન આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનીરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાની સૂચના તેમજ જીલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાનાં માર્ગદર્શન હેઠળ વિસાવદર વિભાગનાં મદદનીશ પોલીસ અધિક્ષક રોહિતકુમાર ડાંગરનાં માર્ગદર્શન હેઠળ વિસાવદર પોલીસ સ્ટેશનનાં પીઆઈ એચ.વી. પટેલે સ્ટાફની બે ટીમ બનાવી જીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી આ દરમ્યાન પોલીસની આ ટીમોને ચોકકસ બાતમી મળી હતી કે, ઉપરોકત ચોરીનાં બનાવમાં ગયેલ મુદામાલ સુધીરભાઈ ઉર્ફે રવિ પરમાર હાલ રહે. જૂનાગઢ લક્ષ્મીનગરવાળાએ આ મુદામાલની ચોરી કરી બારોબાર વેચી નાખેલ છે જેથી સુધીરભાઈ ઉર્ફે રવિ પરમારને ઉઠાવી લઈ વિસાવદર પોલીસ સ્ટેશન ખાતે લાવી આકરી પુછપરછ કરતા તેમણે વટાણા વેરી નાખ્યા હતા. ચોરીનાં આ બનાવમાં ચોરી થયેલ મુદામાલ પોતે તથા ઘોડાસણ ગામે આવેલ સોલાર પ્લાન્ટમાં ચોકીદાર તરીકે કામ કરતા રાજવીરભાઈ ચાંક તથા રોહિતભાઈ વીકમા, ઉદયભાઈ બોરીચા વગેરેએ સાથે મળીને આ સોલાર પેનલ પ્લેટો નીલભાઈ વડેરા રહે. જૂનાગઢ વાળાને વેચી નાખેલ હોય જેથી પોલીસે આ બાબતે નીલભાઈ સંજયભાઈ વડેરા રહે. જૂનાગઢ હરીૐ નગર વાળાની પુછપરછ કરતા ઉપરોકત ચોરીમાં ગયેલ મુદામાલ પોતે પોતાની રાજકોટ રોડ ઉપર સક્કરબાગથી આગળ જીઆઈડીસી-૦૧ શ્રીજી સોલાર નામની દુકાનમાં રાખેલ હોવાનું જણાવતા નીલભાઈ વડેરાને સાથે રાખી પોલીસે તેની તપાસ કરતા ચોરી થયેલ તમામ મુદામાલ જપ્ંત કરેલ છે. અને આ બનાવમાં સુધીરભાઈ ઉર્ફે રવિ ભીખાભાઈ પરમાર, રાજવીરભાઈ ભગુભાઈ ચાંક, રોહિતભાઈ મનુભાઈ ઉર્ફે જેસલભાઈ વિકમા, ઉદયભાઈ જગુભાઈ બોરીચા, નીલભાઈ સંજયભાઈ વડેરા સહિત પાંચની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની વધુ તપાસ પીએસઆઈ પી.જે. વાઘેલા ચલાવી રહયા છે.


