ધોરાજી નજીક ખાનગી બસની એકસલ તુટી જતા ગંભીર અકસ્માત : રર મુસાફરો ઘાયલ : ૧ મહિલાનું મૃત્યુ

ધોરાજી નજીક ખાનગી બસની એકસલ તુટી જતા ગંભીર અકસ્માત : રર મુસાફરો ઘાયલ : ૧ મહિલાનું મૃત્યુ

ધોરાજી તા.ર૮
રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં એક ભયાનક અકસ્માતની દુર્ઘટના બનવા પામી હતી. આ દુર્ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનેલા બબીબેન બચુભાઈ રાઠોડનું સારવાર દરમ્યાન મૃત્યુ થયું છે. જયારે અન્ય લોકોને ઈજાઓ પહોંચી છે. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગત અનુસાર ધાંગધ્રાથી ધોરાજી તરફ આવી રહેલી એક ખાનગી ટ્રાવેલ્સની બસના ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ માર્ગ પર પલટી મારી ગઈ હતી. આ દુર્ઘટનામાં બસમાં સવાર ૨૫ પૈકી ૧૯ મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. જેમાં ૬ મુસાફરોની હાલત ગંભીર હોવાનું જણાવ્યું હતું. આ અકસ્માત સર્જાતા જ ચીસાચીસ મચી ગઈ હતી, જેને પગલે સ્થાનિક લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્તોમાં મહિલાઓ, પુરુષો અને વૃદ્ધોનો સમાવેશ થાય છે. ૧૯ ઈજાગ્રસ્તોને તાત્કાલિક ધોરાજીની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી ૬ મુસાફરોની સ્થિતિ અત્યંત નાજુક હોવાથી તેમને વધુ સારવાર અર્થે જૂનાગઢ હોસ્પિટલ રિફર કરવામાં આવ્યા હતા.
આ અકસ્માતના બનાવમાં બસ કાબુ ગુમાવતા રોડ ઉપરની બે મોટર સાયકલને પણ હડફેટે લીધી હતી ત્યાર બાદ બસ પલટી મારી ગઈ હતી. આ અકસ્માતની જાણ થતાં જ ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને ઈજાગ્રસ્તોની ખબર પૂછી હતી. ધોરાજી પોલીસનો કાફલો, જેમાં એસ.પી. અને પી.આઈ. સહિતના અધિકારીઓનો સમાવેશ થાય છે, તેઓ પણ તાત્કાલિક ઘટનાસ્થળે અને હોસ્પિટલ પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 
આ અકસ્માતમાં ઘાયલ કરનભાઈ કરમશીભાઈ રાઠોડ જણાવ્યું હતું કે ‘અમે બાપાના ફૂલ પધરાવવા માટે રાધનપુરની બાજુમાં કુંવર ગામમાં ગુરુકૃપા ગાડી બાંધીને ગયા હતા અને ત્યાંથી ૧૨:૦૦ વાગ્યે રિટર્ન ગાડી આવતી હતી અને અહીં આવીને પલટી ખાઈ ગઈ. અમે ગાડીમાં તો બેઠા હતા. કંઈક ધડાકો થયો એ ધડાકો અમે સાંભળ્યો પણ કેમ ધડાકો થયો એ ખબર ન પડી. પણ ગાડી પછી ડ્રાઇવરના કાબૂમાં ન રહી એટલે ગાડી બે-ત્રણ પલ્ટીઓ ખાઈને ઝાડવાની અંદર ફસાઈ ગઈ.’ શારદાબેન જણાવ્યું હતું કે ‘અમે બધા ગામડે ગયા હતા, ત્યાંથી આવતા હતા. અમારા કાકાના ફૂલ લઈને પધરાવવા ગયા હતા. અને આવતા હતા અને આવતા આવતા એકદમ જ ખબર નહિ શું થયું તે, ખાઈમાં બસ ગઈ કે શું થયું કંઈ ખબર ન પડી. અમે તો બધા સૂતા હતા. કેટલાક લોકો જાગતા હતા. અને અચાનક ગાડી એકદમ જ પલટી મારીને ઝાડ સાથે અથડાઈ. ત્રણ પલટી ખાઈ ગઈ અમે બધા પડી ગયા હતા’.