ચૈત્ર સુદ દસમ-અગિયારસે દ્વારકામાં દ્વારકાધીશ રૂકિમણીજી વિવાહ મહોત્સવ : રાજમાર્ગો પર ઠાઠ-માઠ સાથે નિકળશે દ્વારકાધીશના મુખ્ય પટ્ટરાણી રૂકિમણીજીનો વરઘોડો

ચૈત્ર સુદ દસમ-અગિયારસે દ્વારકામાં દ્વારકાધીશ રૂકિમણીજી વિવાહ મહોત્સવ : રાજમાર્ગો પર ઠાઠ-માઠ સાથે નિકળશે દ્વારકાધીશના મુખ્ય પટ્ટરાણી રૂકિમણીજીનો વરઘોડો

(પ્રતિનિધિ દ્વારા)
દ્વારકા તા.ર૮
પવિત્ર યાત્રાધામ દ્વારકા ખાતે દર વર્ષે ચૈત્ર સુદ નૌમ(રામનવમી)થી ચૈત્રી અગિયારસ દરમ્યાન દ્વારકાધીશજી તેમજ તેમના મુખ્ય પટ્ટરાણી રૂકિમણીજીનો ભવ્ય લગ્નોત્સવ ભકિતભાવ સાથે ધામધૂમપૂર્વક ઊજવવામાં આવે છે. આ વર્ષે પણ ભગવાન શ્રી દ્વારકાધીશના મુખ્ય પટ્ટરાણી રાજરાજેશ્વરી શ્રી રૂકિમણીજીના વિવાહ મહોત્સવ આવતીકાલ તા.૨૮ તથા ૨૯ માર્ચ દરમ્યાન વિધિ-વિધાનપૂર્વક ભકિતમય વાતાવરણમાં ઊજવવામાં આવનાર છે.

ભગવાનના લગ્નોત્સવનો લ્હાવો લેવાં દ્વારકાવાસીઓને પૂજારી દ્વારા આમંત્રણ

યાત્રાધામ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના મુખ્ય પટ્ટરાણી રૂકિમીણીજી સંગ દ્વારકાધીશના લગ્નની ઉજવણી દર વર્ષે પારંપરિક રીતે ધામધૂમપૂર્વક થાય છે. પૌરાણિક કથા મુજબ ચૈત્ર સુદ અગિયારસના શુભદિને ભગવાન શ્રીકૃષ્ણે શ્રી રૂકિમણીજી સાથે વિવાહ કર્યા હતાં. ત્યારથી આ શુભ દિને દ્વારકાના રૂકિમણી મંદિર ખાતે ભગવાન શ્રી દ્વારકાધીશ તેમજ માતા રૂકિમણીના વિવાહ ઉત્સવ ઊજવવામાં આવે છે. રૂકિમણી માતજીના વારાદાર પૂજારી યાદીમાં તા.૨૮ તથા ૨૯ માર્ચ દરમ્યાન દ્વારકાના રાજા એવા ભગવાનશ્રી દ્વારકાધીશનો ભવ્યાતિભવ્ય વિવાહ ઉત્સવ ઊજવવાનું જણાવી ગામલોકોને ભગવાન-માતાજીના લગ્નોત્સવમાં સમ્મિલીત થવા તથા પ્રભુ પ્રસાદી લેવા રૂકમિણી મંદિરના પૂજારી દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવેલ છે.

રૂકિમણી મંદિરના પટાંગણમાં દ્વારકાધીશ રૂકિમણીજીનો લગ્નોત્સવ યોજાશે 

કાર્યક્રમની પ્રાપ્ત વિગતો અનુસાર સાંજીના ગીત યોજાયા બાદ ચૈત્ર સુદ દસમ તા.ર૮મી માર્ચને શનિવારના રોજ રૂકિમણી માતાજીના મંદિરે સવારે ૯ કલાકથી ૧૨ સુધી અગીયારી, મંડપમુહુર્ત તથા છપ્પનભોગ મનોરથ દર્શન યોજાશે. ત્યારબાદ સાંજે ૭ થી ૯ સુધી શ્રી દ્વારકાધીશના જગતમંદિરેથી રૂકિમણી માતાજીનો વરઘોડો નીકળશે. જે શહેરના વિવિધ રાજમાર્ગો પરથી ફરીને ભદ્રકાલી ચોક પાસે સમાપન થશે. આ ઉપરાંત તા.૨૯ માર્ચને રવિવારના રોજ સવારે ૮ થી ૧૦ વાગ્યા સુધી દ્વારકાધીશ જગતમંદિરે તથા રૂકિમણીજી મંદિરે ધ્વજારોહણ યોજાશે તેમજ સાંજે ૭ થી ૯ સુધી રૂકમિણી વિવાહ વિધિવિધાન અનુસાર રૂકિમણી મંદિરના પટાંગણમાં થશે તેમજ રાત્રે ૮:૩૦ કલાકથી ૧૦ વાગ્યા સુધી મહાપ્રસાદ (જાનનું જમણવાર) ગુગ્ગુળી બ્રાહમણ બ્રહમપુરી નં.૧, દ્વારકા ખાતે રાખેલ છે. સમગ્ર રૂકિમણી વિવાહ ઉત્સવના મુખ્ય યજમાન અમદાવાદના ચિરાગભાઈ પટેલ તથા પ્રતિક હેમંતભાઈ ભાયાણી પરિવાર છે.