મુખ્યમંત્રી કાર્યાલય, અમદાવાદ મ્યુ.કોર્પો., આરએસએસ કાર્યાલયને બોમ્બથી ફૂંકી મારવાની ધમકી
(બ્યુરો) ગાંધીનગર તા.10
અમદાવાદ અને ગાંધીનગરમાં આજે 10 જૂનથી 30 સપ્ટેમ્બર દરમિયાન અલગ-અલગ સ્થળોએ બોમ્બ બ્લાસ્ટ કરવાની ગંભીર ધમકીભર્યા ઈમેલ મળતાં સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ છે. જુદા-જુદા ઈ-મેલ આઈડી પરથી મોકલવામાં આવેલી આ ધમકીઓમાં ખાસ કરીને મુખ્યમંત્રી કાર્યાલયને બપોરે 1:11 વાગ્યે, અમદાવાદ મ્યુન્સીપલ કોર્પોરેશન ઓફિસને બપોરે 3:11 વાગ્યે અને RSS કચેરીને સાંજે 5:11 વાગ્યે બ્લાસ્ટથી ઉડાવી દેવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય ઓફીસને બોમ્બથી ઉડાવી લેવાની ધમકી મળી છે. ધમકી મળી હોવાના પગલે તાત્કાલિક ધોરણે આખી બિલ્ડીંગ ખાલી કરાવવામાં આવી છે. આ હાઈ-એલર્ટને પગલે તમામ સંવેદનશીલ સ્થળો પર સુરક્ષા વ્યવસ્થા સખત કરી દેવામાં આવી છે અને પોલીસ તેમજ સાયબર ક્રાઈમની ટીમ દ્વારા ઈમેલના સોર્સની સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય ઓફીસમાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, શાસક પક્ષના નેતા અને દંડક સહિતની મુખ્ય ઓફિસના સ્ટાફ પણ બહાર આવી ગયા છે.ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમો સ્થળ ઉપર હાલ પહોંચી અને બિલ્ડિંગમાં તપાસ કરી રહી છે.


