‘મેં‘ નહીં ‘હમ‘ના મંત્રથી મળી સફળતા: જિલ્લા કલેકટર અનિલ કુમાર રાણાવસિયાના હસ્તે જૂનાગઢ મહાશિવરાત્રી મેળાના સફળ આયોજનમાં સહયોગીઓનું બહુમાન કરાયું
મહાશિવરાત્રી મેળાની દિવ્યતા અને ભવ્યતાને દેશ-વિદેશમાં પહોંચાડનાર પ્રિન્ટ ઈલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારશ્રીઓ અને ભોજન સેવા આપનાર અન્નક્ષેત્ર ઉતારા મંડળના સભ્યોનું બહુમાન
જૂનાગઢ તા.૭
મહાશિવરાત્રી મેળાને સફળ માટે પ્રત્યક્ષ અને પરોક્ષરૂપે જેમનો પણ સહયોગ મળ્યો છે તેના ઋણ સ્વીકારના ઉપક્રમમાં આજે જિલ્લા વહીવટી તંત્રના વડા તરીકે જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયાએ પદાધિકારીઓ, ઉતારા મંડળ, પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારો અને આ સાથે જ મેળાને સ્વચ્છ અને સુઘડ રાખવામાં જેમનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે તેવા સફાઈ કર્મીઓને સન્માન પત્ર એનાયત કરી બહુમાન કર્યું હતું. આ સાથે જૂનાગઢના પદાધિકારીઓનો આભાર માની આ મેળાને આગામી સમયમાં વધુને વધુ ભવ્ય બનાવવા નેમ રાખવામાં આવી હતી.
કલેક્ટરે મહાશિવરાત્રીના મેળાને સફળતા અપાવવા યોગદાન આપનાર સાધુ સંતો સહિત સૌ કોઈની નોંધ લઇ આભાર પ્રગટ કરતા જણાવ્યું હતું કે, જૂનાગઢ પાસે આધ્યાત્મિક, સાંસ્કૃતિક અદભુત વારસો રહેલો છે, ત્યારે જૂનાગઢને જે મહત્વ મળવું જાેઈએ તે આ મહાશિવરાત્રીના મેળા થકી મળ્યું છે. તેનો આનંદ વ્યક્ત કરતા તેમણે કહ્યું કે, આ મહાશિવરાત્રીના મેળામાં ‘મેં‘ નહીં પરંતુ ‘હમ‘ બનીને ટીમવર્ક થી કાર્ય થયું છે, તેથી જ કોઈ પણ પડકારજનક કામગીરી પણ સરળ થઈ જાય છે. પદાધિકારી, અધિકારી, ઉતારા મંડળ, મીડિયા સહિત સૌએ એકાકાર થઈને મહાશિવરાત્રીના મેળાને સફળ બનાવવા માટે પરિશ્રમ ઉઠાવ્યો છે. તેમણે પદાધિકારીઓના મહાશિવરાત્રીના મેળાના અનુભવો અને સૂચનોથી પણ મહાશિવરાત્રીના મેળાનું સુચારું આયોજન થઈ શક્યું છે. તેનો પણ ઉલ્લેખ કર્યો હતો.
જિલ્લા કલેકટરે ઉમેર્યું કે, જૂનાગઢના પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પણ પત્રકારોનો પણ ખૂબ સહયોગ મળ્યો છે, મહાશિવરાત્રીના મેળાની દિવ્યતા અને ભવ્યતાને દેશ-વિદેશના ખૂણે ખૂણે અને જન-જન સુધી પહોંચાડી છે. મીડિયા દ્વારા સકારાત્મક કવરેજથી મહાશિવરાત્રીના મેળાની ખ્યાતિ વધુ વિસ્તારી છે. જિલ્લા કલેકટરે મીડિયાના સૂચનોને પણ મહત્વપૂર્ણ ગણાવ્યા હતા.
જિલ્લા કલેકટરે ઉતારા મંડળની સેવાઓની સવિશેષ નોંધ લેતા જણાવ્યું હતું કે, મહાશિવરાત્રીના મેળામાં લાખો લોકો પધારતા હોય ત્યારે તેમને આટલી બધી સંખ્યામાં ભોજન કરાવવું તંત્ર માટે અશક્ય સમાન છે. પરંતુ વર્ષોથી સૌરાષ્ટ્રની આગવી સંસ્કૃતિ મુજબ મહાશિવરાત્રીના મેળામાં ઉતારા મંડળ - અન્નક્ષેત્રો દ્વારા જે ભાવ સાથે ભોજન કરાવવામાં આવે છે, તે અદ્વિતીય છે. અન્ન ક્ષેત્રોની સેવા બહુ મોટી છે. તેમણે સૌરાષ્ટ્રના આગવા આતિથ્ય ભાવને અનેરો ગણાવતા કહ્યું હતું કે, મહાશિવરાત્રીના મેળામાં ઉતારા મંડળ - અન્નક્ષેત્રો દ્વારા ભાવિકોને ગુણવત્તા સાથેની વિવિધતા પૂર્ણ ભોજન કરાવવામાં આવ્યું હતું.
જિલ્લા કલેક્ટરે વધુમાં જણાવ્યું કે, મહાશિવરાત્રીના મેળો ગિરનાર લીલી પરિક્રમા માધ્યમથી ઘણા પરિવારોને રોજગારી મળી રહેતી હોય છે પરંતુ આ વર્ષે અનિવાર્ય સંજાેગોના કારણે ગિરનાર લીલી પરિક્રમા યોજી શક્યા ન હતા, ત્યારે મહાશિવરાત્રીના મેળાના સફળ આયોજનથી લોકોને ધંધા રોજગારનો પણ ખૂબ સારો અવસર પ્રાપ્ત થયો છે.
તેમણે કહ્યું કે, ભાવિકોએ પણ ખૂબ આનંદપૂર્વક મહાશિવરાત્રીના મેળાને માણ્યો છે, વાહન વ્યવહાર ખૂબ સીમિત થવાથી ભાવિકોને ઘણી સરળતા પણ રહી હતી. ઉપરાંત લોકોએ સાંસ્કૃતિક કાર્યક્રમને પણ ખૂબ આનંદ ઉલ્લાસથી મળ્યો હતો. આમ, મહાશિવરાત્રીના મેળાને વધુ ઊંચાઈ પ્રાપ્ત થઈ છે. સફાઈ કર્મીઓને બિરદાવતા જણાવ્યું કે આ એક મોટું કાર્ય હતું અને તે સફાઈ કર્મીઓએ કર્યું છે .મેળા પછી પણ તેમની સેવા મહત્વની રહી છે .સ્વચ્છતાને કારણે ભાવિકો સારો સંદેશ લઈને ગયા છે.
પદાધિકારીઓએ પણ પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, વહીવટી તંત્રના સર્વે અધિકારીઓએ મહાશિવરાત્રીના મેળામાં એક સાથે અને એક શૂરથી કામ કર્યું છે, જેથી આ અભૂતપૂર્વ સફળતા પ્રાપ્ત કરી શકાય છે, સાથે જ પરસ્પર સંકલનની પણ સરાહના કરી હતી.
જિલ્લા કલેકટરે જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુંમર, ડેપ્યુટી મેયર આકાશભાઈ કટારા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરપર્સન પલ્લવીબેન ઠાકર, શાસક પક્ષના નેતા મનનભાઈ અભાણી, દંડક કલ્પેશભાઈ અજવાણી, શહેર ભાજપ પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલીયા, અગ્રણી પ્રદીપભાઈ ખીમાણી, અગ્રણી યોગીભાઈ પઢીયાર, શૈલેશભાઈ દવે સહિતના પદાધિકારીઓને આભાર સહ સન્માન પત્ર એનાયત કરી બહુમાન કર્યું હતું. પદાધિકારીઓએ પણ વહીવટી તંત્રના કાર્યોને સન્માનિત કર્યા હતા.આ ઉપરાંત જૂનાગઢના પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારો, ઉતારા મંડળના હોદ્દેદારો તથા પ્રતિનિધિઓ અને સફાઈ કર્મીઓને સન્માન પત્ર અર્પણ કરીને બહુમાન કરવામાં આવ્યું હતું.


