કોડીનારના ઘાટવડ ગામે કરૂણાંતીકા સર્જાઈ : બાઈક સવાર ૩ યુવકો પર ૧૧ કેવીનો વિજ વાયર પડતા ઘટના સ્થળે જ બે યુવાનોનાં કરૂણ મોત
જૂનાગઢ તા. ૬
કોડીનાર તાલુકાનાં ઘાટવડ ગામે આજે એક કરૂણાંતીકા બનવા પામી હતી જેમાં બાઈક ઉપર પસાર થતાં ૩ યુવકો ઉપર વિજ વાયર પડતા બે યુવાનોનું ઘટના સ્થળે મૃત્યુ થતાં અરેરાટીની લાગણી વ્યાપી ગઈ છે. આ બનાવ અંગે પ્રાપ્ત વિગત અનુસાર કોડીનાર તાલુકાનાં ઘાટવડ ગામે બનેલા આ બનાવમાં પ્રાથમિક વિગતો મુજબ ગામથી વાડી તરફ બાઈક ઉપર ૩ યુવાનો જઈ રહયા હતાં એ દરમ્યાન ત્યાંથી પસાર થતી ૧૧ કેવીનો વિજ વાયર માથે પડતાં જ બે યુવાનોનાં ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મૃત્યુ થયા હતાં. રવીભાઈ ગોવિંદભાઈ ચુડાસમા અને લાલાભાઈ દાનસીંગ ઝાલાનું બનાવનાં સ્થળે જ મૃત્યુ થતાં સમગ્ર ગામમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. પીજીવીસીએલની ગંભીર બેદરકારી સામે આવતાં આ વિસ્તારમાં ભારે રોષનો માહોલ પ્રવર્તી રહયો છે. દરમ્યાન આ કરૂણ બનાવ અંગે જાણ થતાં પોલીસ અને પીજીવીસીએલનાં અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતાં અને આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


